અમદાવાદથી ઉપડતી 14% ફ્લાઈટ હોય છે લેટ !

  • September 02, 2023 02:44 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

અકાસા એર અને વિસ્તારાનું પર્ફોમન્સ અન્ય એરલાઈન્સ કરતા સારું

ખરાબ હવામાન, ટેકનિકલ ખામી કે ફ્લાઇટને આવવામાં જ મોડું થવું જ મોટા ભાગે લેટ થવાનું કારણ


અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ પરથી ઉપડતી દરેક ૧૦૦ ફ્લાઈટ્સમાંથી ૧૪ ફ્લાઈટ્સ મોડી પડે છે. જેના કારણે મુસાફરોને ભારે હાલાકી ભોગવવી પડે છે. આ અંગે જાણકારી ધરાવતા એરપોર્ટના સ્ત્રોતો દ્વારા પૂરી પાડવામાં આવેલ ફ્લાઈટ્સના ઓનટાઇમ પરફોર્મન્સ પરના અંદાજો પરથી જાણવા મળ્યું છે કે શહેરના એરપોર્ટ પરથી ઉપડતી ૧૪% ફ્લાઈટ્સ નાણાકીય વર્ષ ૨૦૨૩-૨૪ ના પ્રથમ ત્રિમાસિક ગાળામાં વિલંબિત થઈ હતી. એક સૂત્રએ જણાવ્યું હતું કે, "આ પહેલાના ક્વાર્ટર કરતાં લગભગ ત્રણ ટકા પોઈન્ટ ઓછું છે, કેમ કે પહેલા આ સમયગાળા દરમિયાન ૧૭% ફ્લાઈટ્સ મોડી પડી હતી. વિવિધ એરલાઇન્સ માટે, ઓનટાઇમ પરફોર્મન્સ ૭૦% થી ૯૭% સુધીની રેન્જ છે, જેમાં ૩% થી ૩૦% નો વિલંબ સૂચવે છે.





શહેરના એરપોર્ટ ઓપરેટર દ્વારા પૂરા પાડવામાં આવેલ ડેટા અનુસાર, એલાયન્સ એર (૭૦%), એર ઈન્ડિયા (૭૦%), સ્પાઈસ જેટ (૮૦%) અને સ્ટાર એર (૮૦%)નું ઓનટાઇમ પરફોર્મન્સ છે. બીજી બાજુ, ઇન્ડિગો, જે શહેરના એરપોર્ટ પર મેક્સીમમ ફ્લાઇટ્સનું મેનેજમેન્ટ કરે છે, તેણે ૯૦% ઓનટાઇમ પરફોર્મન્સ પોસ્ટ કર્યું છે.


સૂત્ર મુજબ, "અકાસા એર અને વિસ્તારાનું પર્ફોમન્સ ૯૭% અને ૯૫% છે. અકાસા એરને એરપોર્ટ ઓપરેટર દ્વારા હાલમાં જ વધુ સારી કામગીરી માટે પુરસ્કાર આપવામાં આવ્યો હતો. મોટા ભાગના કિસ્સાઓમાં, ફ્લાઈટ લેટ થવાનું કારણ ટેકનિકલ ખામીઓ ઉપરાંત ખરાબ હવામાનની સ્થિતિને હોય છે, ઇનકમિંગ ફ્લાઇટ્સમાં વિલંબ તેમજ કેટલીક વાર સર્વરમાં કોઈ ખામી કે ક્રૂની ઉપલબ્ધતા સહિતના ઓપરેશનલ મુદ્દાઓ ફ્લાઇટમાં વિલંબના સામાન્ય કારણો પૈકી એક છે. જો કે, ગુજરાતના કેટલાક ભાગોમાં ભારે વરસાદ અને ચક્રવાતની સ્થિતિને કારણે ખાસ કરીને જૂનમાં વધારે ફ્લાઈટ લેટના કિસ્સા બન્યા છે."


એરલાઇનના સૂત્રોના જણાવ્યા અનુસાર, અન્ય કેટલાક પાસાઓ પણ ફ્લાઇટના સમયસર કામગીરીને અસર કરે છે. "આમાં એટીસી દ્વારા ફ્લાઈટ્સને ટેકઓફ ક્લિયરન્સ આપવામાં વિલંબ ઉપરાંત, ઘણી વખત, ફ્લાઈટ્સ પણ લેટ થાય છે જો તેઓ દિલ્હી અને મુંબઈ જેવા વ્યસ્ત એરપોર્ટથી આવતી હોય, જ્યાં હવાઈ ટ્રાફિક વધારે છે ત્યાં ક્લિયરન્સમાં સમય લાગે છે."


એરલાઇન્સ તેમજ એરપોર્ટ ઓપરેટર ઓછામાં ઓછી ફ્લાઇટ લેટ થાય તે સુનિશ્ચિત કરવા વધુને વધુ પ્રયાસો કરી રહ્યા છે. આ અંગે લેવાયેલા પગલાં પર સ્પાઈસજેટના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, "સ્પાઈસજેટ અમારા ઓનટાઇમ પરફોર્મન્સ સહિત તમામ પાસાઓ પર કામગીરીમાં સતત કામ કરી રહી છે, જેમાં સતત સુધારો જોવા મળી રહ્યો છે. જાન્યુઆરી-માર્ચ ક્વાર્ટરમાં અમારો ઓનટાઇમ પરફોર્મન્સ ૬૦% હતો. છેલ્લા ઘણા વર્ષોથી અમારો ફ્લાઈટ રદ થવનો નીચો દર અને ઉદ્યોગમાં સૌથી વધુ ભાર એ પુરાવો છે કે અમે અમારા ટાઈમ ટેબલને જાળવી રાખીએ છીએ."


એરલાઈન્સને પ્રોત્સાહિત કરવા એરપોર્ટ ઓથોરીટી આપે છે એવોર્ડ 


એરપોર્ટ ઓપરેટરે એરપોર્ટની અંદર પેસેન્જર ટ્રાન્ઝિટને ઝડપી બનાવવા માટે એગેટ્સ, ડિજી યાત્રાનો અમલ, સુરક્ષા ચેકપોઇન્ટ્સ અને સિક્યોરિટી હોલ્ડ એરિયામાં વધારો અને બેગેજ ડ્રોપ કાઉન્ટર્સની સંખ્યામાં વધારો સહિતના માળખાકીય ફેરફારો પણ કર્યા છે. એરપોર્ટના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે, "અમે તાજેતરમાં જ એરલાઈન્સને પુરસ્કાર આપવાનું શરૂ કર્યું છે જેથી તેઓને તેમના સમયની કામગીરીમાં વારંવાર સુધારો કરવા પ્રોત્સાહિત કરવામાં આવે."



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application