આરટીઇમાં પ્રથમ રાઉન્ડના અંતે 13484 બેઠક ખાલી: હવે બીજા રાઉન્ડની તૈયારી

  • May 12, 2025 10:26 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાઈટ ટુ એજ્યુકેશન એકટ 2009 ની જોગવાઈ મુજબ ખાનગી શાળાઓમાં કુલ બેઠકના 25% મુજબ ધોરણ 1 માં નબળા અને વંચિત જૂથના બાળકોને પ્રવેશ આપવા માટેની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. પ્રથમ રાઉન્ડના અંતે કુલ 13484 બેઠકો ખાલી રહેવા પામી છે. પ્રવેશની ફાળવણી કરવામાં આવી હોવા છતાં એડમિશન નહીં લેનાર 5898 વિદ્યાર્થીઓને બીજા રાઉન્ડની પ્રવેશને કાર્યવાહીમાંથી બહાર મૂકી દેવાયા છે.

રાજ્યની 9741 ખાનગી શાળાઓમાં જુદા જુદા માધ્યમમાં 93,860 બેઠક ઉપલબ્ધ હતી. આ માટે 2,38,916 અરજીઓ આવી હતી, જિલ્લા કક્ષાએ આમાંથી 1,75,685 અરજીઓ મંજૂર કરવામાં આવી હતી અને 13,761 અરજીઓ નામંજૂર કરવામાં આવી હતી. ડુપ્લીકેટ અને વાલીઓ દ્વારા કેન્સલ કરવામાં આવેલી અરજીઓની સંખ્યા 49470 હતી.

ફુલ 86,274 વિદ્યાર્થીઓને પ્રવેશની ફાળવણી કરવામાં આવી હતી, આમાંથી 13484 વિદ્યાર્થીઓએ ફાળવણી છતાં પ્રવેશ લીધો નથી, પ્રથમ રાઉન્ડમાં જે માતા -પિતાને એક માત્ર સંતાન હોય અને તે સંતાન માત્ર દીકરી હોય તેવા કિસ્સામાં 5120 એડમિશન આપવામાં આવ્યા છે.

સરકારી સુત્રોના જણાવ્યા મુજબ હવે બીજા રાઉન્ડની તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. ખાલી પડેલી 13484 બેઠક પર બીજા રાઉન્ડમાં પ્રવેશ આપવામાં આવશે. બીજા રાઉન્ડ પહેલા ફરી શાળા પસંદગી અને ફેરફાર કરવાની તક વિદ્યાર્થીઓને આપવામાં આવશે અને ત્યાર પછી બીજો રાઉન્ડ યોજવામાં આવશે.

આરટીઇ અંતર્ગત પ્રવેશ મેળવવામાં વાર્ષિક આવકના જે ધોરણો છે તેમાં આ વખતે અપર લિમિટમાં મોટો વધારો કરવામાં આવ્યો હતો અને તેના કારણે અરજીઓની સંખ્યામાં પણ ઘણો વધારો થયો છે. સીટની ફાળવણીમાં એસસી એસટી ઓબીસી જેવી અનામત કેટેગરીઓ જાળવવાની હોય છે પરંતુ ખાસ કિસ્સામાં અનાથ બાળક, સંભાળ અને સંરક્ષણની જરૂરિયાતવાળું બાળક, બાલ ગૃહના વિદ્યાર્થીઓ, બાળ મજૂરો, સ્થળાંતરિત મજૂરોના બાળકો, મંદબુદ્ધિ, સેરેબ્રલ પાલ્સી,

શારીરિક વિકલાંગ બાળકો, એન્ટી રેટ્રોવાઇરલ થેરેપીની સારવાર લેતા બાળકો, ફરજ દરમિયાન શહીદ થયેલ જવાનોના બાળકો અને આંગણવાડીના બાળકોને પણ એડમિશનમાં પ્રાયોરિટી આપવામાં આવે છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application