જામનગરમાં આવાસના ૧૩૦ ફલેટ ખાલી: શું આવી ઇમારતોમાં આશરો આપી ન શકાય ?

  • June 24, 2023 01:21 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

સામુહિક અંતિમ યાત્રા: લોકોની આંખોમાં અશ્રુઓની ધારા: ગમગીની છવાઇ.....
જામનગરની સાધના કોલોનીમાં થયેલી ગોઝારી દુર્ઘટનામાં એક જ પરિવારના ૩ વ્યક્તિઓના કરુણ મોત નિપજતા ભારે અરેરાટી સાથે શોકની લાગણી ફેલાઇ જવા પામી છે, દરમ્યાન આજે સવારે દુર્ઘટનાના ત્રણેય  હતભાગીઓની અંતિમ યાત્રા એકી સાથે નીકળતા કરુણ દ્રશ્યો સર્જાયા હતા, વાતાવરણમાં ભારે ગમગીની જોવા મળી હતી, ગોઝારી દુર્ઘટનામાં મોતને ભેટેલા બાળક અને અન્ય તસ્વીરમાં દંપતિની અંતિમ યાત્રા નીકળતી જોઇ શકાય છે, એકી સાથે સ્મશાન યાત્રા નીકળતા સ્વજનોએ હૈયાફાટ રુદન કરતા વાતાવરણમાં આક્રંદ સાથે શોકનું મોજું ફરી વળ્યું હતું, આ અંતિમ યાત્રામાં વિસ્તારમાં સહિતના લોકો મોટી સંખ્યામાં જોડાયા હતા.

**
ભલે કાયમી નહીં પરંતુ કામચલાઉ ભયજનક ઇમારતોમાં રહેતા લોકોને ખસેડીને વિકલ્પ આપી શકાય : જાહેરાત આપી હોવા છતા પણ કેટલાક આવાસો ખરીદાતા નથી ત્યારે મયુરનગરમાં ૭૦ અને શરુ સેકશન ઉધોગનગરમાં ૬૦ જેટલા આવાસો ખાલી ખમ પડયા હોય જેમના મકાન સાવ જર્જરીત છે તેમના માટે વ્યવસ્થા કરવી જરુરી

જામનગર મહાપાલીકા દ્વારા હાપા, ઇવાપાર્ક, લાલવાડી, મયુરનગર, શરુસેકશન રોડ, બેડી સહિતના વિસ્તારોમાં અનેક આવાસો બનાવવામાં આવ્યા છે, એલઆઇજી-૧ અને એલઆઇજી-૨ પ્રકારના આવાસો સાવ ઓછી કિંમતમાં મળે છે ત્યારે મયુરનગર અને શરુસેકશન ઉધોગનગર વિસ્તારમાં જાહેરાત આપી હોવા છતા પણ આવાસ લેવા કોઇ તૈયાર નથી, હાલમાં જામનગરના કેટલાક બિલ્ડીંગો અતી જર્જરીત છે, ત્યારે આવા મકાનોમાં રહેતા લોકોને ચોમાસા દરમ્યાન ખાલી પડેલા આવાસોમાં આશ્રય આપવો જોઇએ તેવું લોકોનું કહેવું છે.
જામનગર મહાપાલીકા દ્વારા અનેક સ્થળોએ આવાસ બનાવવામાં આવ્યા છે અને હજુ પણ આગામી દિવસોમાં નવા આવાસો બનનાર છે, કેટલાક આવાસોની ખુબ જ માંગ છે, તો બીજી તરફ કેટલાક આવાસો વહેચાયા વીનાના પડયા છે, મહાપાલીકાના અધિકારીના જણાવ્યા મુજબ મયુરનગર વિસ્તારમાં આશરે ૭૦ અને શરુસકેશન ઉધોગનગર વિસ્તારમા આશરે ૬૦ જેટલા આવાસો ખાલી છે આ અંગે એક વખત જાહેરાત આપી દીધી છે પરંતુ આ આવાસો લેવા હાલમાં કોઇ તૈયાર નથી ત્યારે કોર્પોરેશનના અધિકારીઓએ થોડી સંવેદના દાખવીને ખાલી પડેલા આવાસો તાત્કાલીક ધોરણે જે લોકો જર્જરીત ઇમારતમાં રહે છે તે લોકોને આપવા જોઇએ.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સ્વપ્નું એ છે કે ગરીબ અને મઘ્યમ વર્ગના લોકોને ઘરનું ઘર મળે અને શહેરી વિસ્તારમાં એટલે કે ૮ મહાનગરપાલીકા વિસ્તારમાં સરકારી ફાજલ પડેલી જમીન ઉપર બે બેડરુમ હોલ કીચન, અને એક બેડરુમ હોલ, કીચન જેવા એલ આઇ જી ૧ અને એલ આઇ જી ૨ પ્રકારના મકાનો બનાવવામાં આવ્યા છે અને તેની ફાળવણી પણ કરી દેવામાં આવી છે.
અત્યારે એવી હાલત છે કે મયુરનગર અને શરુસેકશન રોડ પર આવેલા ઉધોગનગરમાં બંને થઇને લગભગ ૧૩૦ જેટલા આવાસો ખાલી છે ત્યારે આ આવાસોમાં પ્રાથમિક ધોરણે એટલે કે ચોમાસા દરમ્યાન જે લોકો અતી જર્જરીત મકાનોમાં અને આવાસોમાં રહે છે તેઓને કામચલાઉ ધોરણે આવા મકાનમાં શીફટ કરવા જોઇએ જેથી લોકોના જાન બચી જાય, શું આવું ન થઇ શકે ? અધિકારીઓએ પણ આ બાબતમાં સંવેદના દાખવવી જોઇએ, જામનગરમાં જે બિલ્ડીંગો અતી જર્જરીત છે તેમાં ભાડે કે પોતાના મકાનમાં રહેતા લોકોના જાન ઉપર જોખમ ઉભુ થયું છે, ચોમાસુ શરુ થવાની તૈયારી છે ત્યારે ચારેક મહીના સુધી જો આ પ્રકારની કામચલાઉ વ્યવસ્થા થાય તો તે ગરીબોના આંસુ લુછવા બરાબર કહી શકાશે.
આગામી દિવસોમા જામનગરના ક્રીમ વિસ્તારોમાં પણ આવાસો બનાવાના છે અને તેની માંગ પણ છે, શરુ સેકશન રોડમાં આવેલ સરલાબેન આવાસ, ઇવાપાર્કમાં આવેલ આવાસ અને પોલીસ હેડકવાર્ટર પાછળ આવેલા આવાસોની માંગ વધુ છે ત્યારે નવા આવાસો બને ત્યારે તો ઠીક પરંતુ હાલમાં કોઇપણ કારણસર નહી વેચાયેલા અને કોર્પોરેશનના કબ્જામાં રહેલા ૧૩૦ જેટલા આવાસો સાવ ખાલીખમ છે તેવા આવાસોમાં લોકોને શીફટ કરવા જોઇએ.
ખેર હાલ તો દુર્ઘટના બની ચુકી છે, હજુ ૨૦ થી ૨૫ મકાનો શહેરમાં એવા છે કે ચોમાસામાં વધુ વરસાદ કે પવન આવશે ત્યારે તુટી પડવાની પુરી શકયતા છે, સાધના કોલોનીમાં તો ત્રણના જાન પણ ગયા છે એ દુ:ખદ ઘટના થઇ છે, હજુ કોઇના જાન જાય અને ઇમારતો ઘ્વંશ થાય તે પહેલા જ પારોઠના પગલારુપે અધિકારીઓએ થોડી ઉદારતા દાખવીને પણ ભલે કાયમી ધોરણે નહી પરંતુ કામચલાઉ ધોરણે ખાલી પડેલા આવાસોમાં આવા લોકોને મીનીમમ ભાડુ લઇને આશરો આપવી જોઇએ તેવી માંગ ઠેર ઠેર ઉઠી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application