રેલવે સુરક્ષામાં ઉત્કૃષ્ટ યોગદાન બદલ રાજકોટ ડિવિઝનના હાપા સહિત ૧૨ રેલવે કર્મચારીઓ ડીઆરએમ દ્વારા સન્માનિત
પશ્ચિમ રેલવેના રાજકોટ ડિવિઝનમાં રેલવે સુરક્ષાના ક્ષેત્રમાં ઉત્કૃષ્ટ કાર્ય કરનાર ૧૨ રેલવે કર્મચારીઓને ડિવિઝનલ રેલવે મેનેજર ગિરિરાજ કુમાર મીના દ્વારા આજે ડીઆરએમ ઓફિસ, રાજકોટના કોન્ફરન્સ રૂમમાં પ્રશસ્તિ પત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.
રાજકોટ ડિવિઝનના સિનિયર ડિવિઝનલ કોમર્શિયલ મેનેજર સુનીલ કુમાર મીનાના જણાવ્યા અનુસાર, ઓપરેટિંગ વિભાગ અને ઇલેક્ટ્રિકલ (ટ્રેક્શન) વિભાગના આ કર્મચારીઓને ડિસેમ્બર ૨૦૨૫, જાન્યુઆરી ૨૦૨૬ અને ફેબ્રુઆરી ૨૦૨૬ દરમિયાન ફરજ પર અસાધારણ સતર્કતા અને જવાબદારી દાખવી સંભવિત રેલ અકસ્માતો ટાળવામાં મહત્વની ભૂમિકા ભજવવા બદલ આ સન્માન આપવામાં આવ્યું છે.
સન્માનિત કર્મચારીઓમાં બંસીલાલ મેઘવાલ (સ્ટેશન માસ્ટર હડમતીયા), દિલીપ કુમાર (સ્ટેશન માસ્ટર દિગસર), પ્રવીણ વાલાભાઈ પરમાર (ગેટમેન, ગેટ નં. ૨૧૫), આલોક કુમાર રંજન (લોકો પાયલટ, ગુડ્સ, હાપા), કાંતિલાલ બી (લોકો પાયલટ, મેઈલ/એક્સપ્રેસ, રાજકોટ), નીરજ કુમાર સિંહ (સિનિયર આસિસ્ટન્ટ લોકો પાયલટ, મેઈલ/એક્સપ્રેસ, રાજકોટ), સીતારામ કટારિયા (લોકો પાયલટ, ગુડ્સ, મોરબી), રવિન્દ્ર કુમાર બી (લોકો પાયલટ, ગુડ્સ, હાપા), મનોહર રામ (લોકો પાયલટ, ગુડ્સ, હાપા), ચેતરામ મીણા (સિનિયર આસિસ્ટન્ટ લોકો પાયલટ, ઇન્ટીગ્રેટેડ ક્રૂ લોબી, રાજકોટ), દીપક કુમાર શર્મા (લોકો પાયલટ, ગુડ્સ, હાપા) અને રામપ્રકાશ મીણા (લોકો પાયલટ, ગુડ્સ, હાપા) નો સમાવેશ થાય છે.
આ કર્મચારીઓએ ફરજ દરમિયાન સતર્કતા દાખવી અનેક મહત્વની ટેકનિકલ ખામીઓની સમયસર ઓળખ કરી હતી. જેમાં ટ્રેન સાથે ઓલ રાઈટ સિગ્નલની આપ-લે કરતી વખતે બ્રેકવાનમાં અનિયમિતતાની ઓળખ, ક્ષતિગ્રસ્ત લિફ્ટિંગ બેરિયરને સુરક્ષિત કરવું, માલગાડીના વેગનની તપાસ દરમિયાન નકલ પિન તૂટેલી હોવાનું શોધી તેને તાત્કાલિક રિપેર કરાવવી, ગેટનું બૂમ વળી જવાથી રેલવે ટ્રેક અવરોધાયો હોય ત્યારે ટ્રેનને ગેટ પહેલા રોકવી તેમજ ગેટમેન અને આસિસ્ટન્ટ લોકો પાયલટ દ્વારા બૂમને ટ્રેકથી દૂર કરી સુરક્ષિત સંચાલન સુનિશ્ચિત કરવાનો સમાવેશ થાય છે.
આ ઉપરાંત, ટેન્ક વેગનના આઉટલેટ પાઈપમાંથી એચએસડી ઓઈલનું લીકેજ શોધી તેને તાત્કાલિક બંધ કરાવવું, ટ્રેન સંચાલન દરમિયાન રેલવે ટ્રેકમાં આવેલી ખામીની જાણ કરી તેનું સમારકામ સુનિશ્ચિત કરવું અને હેન્ડ બ્રેક એસેમ્બલીનો એક ભાગ લટકતો હોવાની સ્થિતિને સુરક્ષિત કરવી એ પણ આ કર્મચારીઓની નોંધપાત્ર સતર્કતાના ઉદાહરણો રહ્યા છે.
આ પ્રસંગે ડીઆરએમ ગિરિરાજ કુમાર મીનાએ સન્માનિત કર્મચારીઓને અભિનંદન આપતા જણાવ્યું હતું કે, તેમની સતર્કતા, ત્વરિત નિર્ણય શક્તિ અને ફરજ પ્રત્યેની નિષ્ઠા સમગ્ર ડિવિઝનના કર્મચારીઓ માટે પ્રેરણારૂપ છે અને રેલ સુરક્ષાને સર્વોચ્ચ પ્રાથમિકતા આપવાની દિશામાં તેમનું યોગદાન અત્યંત મહત્વનું છે.
આ કાર્યક્રમમાં એડિશનલ ડિવિઝનલ રેલવે મેનેજર કૌશલ કુમાર ચૌબે, સિનિયર ડિવિઝનલ સેફ્ટી ઓફિસર રમેશ ચંદ મીણા, સિનિયર ડિવિઝનલ ઓપરેટિંગ મેનેજર સુનીલ કુમાર ગુપ્તા અને સિનિયર ડિવિઝનલ ઇલેક્ટ્રિકલ એન્જિનિયર (ટ્રેક્શન) મનોજ કુમાર રાવ ઉપસ્થિત રહ્યા હતા.