આર.ડી.સી. બેંક સાથે અદિતી શરાફી મંડળીનું ૧૨.૭૭ કરોડનું કૌભાંડ

  • January 20, 2024 02:20 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટ શહેરમાં શરાફી મંડળીઓ થાપણદારોને લાખો–કરોડો રૂપિયા લઈ ઉઠતી જતી કે ડૂબી જતી હોવાના કિસ્સાઓ કે પોલીસ ફરિયાદો બહાર આવી ચૂકી છે પરંતુ સદર બજાર સ્થિત અદિતી સહકારી શરાફી મંડળીએ થાપણદારોને નહીં પણ સીધા રાજકોટ ડિસ્ટ્રીક કો–ઓપરેટીવ બેંક (આરડીસી)ની રૈયારોડ બ્રાન્ચ સાથે ૧૨.૭૭ કરોડ રૂપિયાનું કૌભાંડ આચર્યાનો બનાવ બહાર આવતાં સહકારી તેમજ બેંક ક્ષેત્રમાં હલચલ મચી જવા પામી છે. બેંકની ફરિયાદના પગલે ક્રાઈમ બ્રાંચે રાતોરાત મંડળીના પ્રમુખ, મંત્રી સહિત ૯ શખ્સોને ઉઠાવી લીધાનું જાણવા મળે છે. સમગ્ર કૌભાંડ અંગે ગાંધીગ્રામ પોલીસ મથકમાં પોલીસ ફરિયાદ નોંધાવવાની તજવીજ હાથ ધરાઈ છે.

આ નવતર પ્રકારના કૌભાંડની જાણવા મળેલી પ્રાથમિક વિગતો મુજબ, સદર બજારમાં ઓરબિટ બિલ્ડીંગમાં આવેલી અદિતી સહકારી શરાફી મંડળી દ્રારા આરડીસી બેંકની રૈયારોડ શાખા સાથે લોન લઈને ૧૨.૭૭ કરોડની રકમનો ગફલો કરી નખાયો છે. મંડળી દ્રારા લોનધારકોને લોન આપવામાં આવતી હતી મંડળી આરડીસી બેંક પાસેથી બેંક સેકટરના ધારા ધોરણ અને નિયમો મુજબ ધિરાણ મેળવતી હતી. આ ધિરાણ પર અમુક ટકા વધુ વસુલીને મંડળી દ્રારા લોન અપાતી હતી. આરડીસી બેંક પાસેથી મેળવેલી લોન મંડળી દ્રારા ભરપાઈ કરાઈ નહતી. મંડળીએ લોન ધારકોને લોન આપી હતી અને લોન લેનારા વ્યકિતઓ, પેઢીઓ કે ધંધાર્થી એકમો સમયમર્યાદા મુજબ લોન ભરપાઈ પણ કરી આપતા હતા. લોન ભરપાઈ થયા અંગે મંડળી દ્રારા એનઓસી (નો ઓબ્ઝેકશન સર્ટીફીકેટ) ઈશ્યુ કરવામાં આવતા હતા. આ સર્ટીફીકેટના આધારે લોન ધારક પેઢી કે વ્યકિતએ મોર્ગેજ કરેલી પોતાની પ્રોપર્ટીની ફાઈલો બેંક દ્રારા રિલીઝ (છૂટ્ટી) કરી દેવાતી હતી.

અદિતી મંડળી આરડીસી બેંકની રૈયારોડ બ્રાંચ હેઠળ નાણાકીય વહિવટમાં હતી આ બ્રાંચ દ્રારા અલગ–અલગ સમયે મંડળીને મોટી રકમનું ધિરાણ કરવામાં આવ્યું હતું. ધિરાણ લેવા અને સમયસર ભરપાઈ કરી દેવાના કારણે છેલ્લ ા દોઢેક દાયકાથી કાર્યરત આ મંડળીની શાખ પણ સારી હતી. જેને લઈને બેંકની ક્રેડીટથી વધુ નાણા મળતા હતા અને મંડળી દ્રારા નાણા લઈ છૂટ્ટા હાથે લોન પણ અપાતી હતી. બેંકે સમયસર ચેકિંગ ન કરી અથવા વધુ વિશ્ર્વાસના કારણે મંડળીનું કૌભાંડ ઘણા સમયથી ચાલતું હતું અને હવે બહાર આવ્યું છે. રૈયારોડ બ્રાંચના મેનેજર દ્રારા આ સમગ્ર કૌભાંડ અંગે લેખિત રજૂઆત કરાતા ક્રાઈમ બ્રાંચની ટીમે તપાસ હાથ ધરી હતી અને આ મંડળીના પ્રમુખ જગદીશસિંહ જાડેજા તેમજ અન્ય હોદેદારો ઉપેન્દ્રસિંહ જાડેજા, સાગર સહિતના ૯ શખ્સોને તાત્કાલિક ઉઠાવી લીધા હતા. ક્રાઈમ બ્રાંચની પ્રાથમિક તપાસમાં એવું બહાર આવ્યું હતું કે મંડળી સંચાલકો દ્રારા બેંકમાંથી ધિરાણ લઈ ઉચાપત કરી લઈ કૌભાંડ આચરવામાં આવ્યું હતું. જેના પગલે ગાંધીગ્રામ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. મંડળીને તાળા લગાવી દેવાયા છે અને પોલીસ બંદોબસ્ત પણ મૂકી દેવામાં આવ્યો છે.

કેવી રીતે બહાર આવ્યું બે વર્ષ બાદ સમગ્ર કૌભાંડ?

અદિતી મંડળીએ મેળવેલા ધિરાણથી લોનધારકોને લોન આપતા હતા લોનની કાર્યવાહી અને મોર્ગેજ પ્રોપર્ટી સહિતની વિગતો ઓડિટ સમયાંતરે આરડીસી બેંકમાં ફાઈલ થતા હતા. લોન ધારક મંડળીનું એનઓસી લઈને આવે એટલે બેંક દ્રારા તેની ફાઈલ પરત આપી દેવાતી હતી. લાંબા સમયથી ચાલતા આ કારસ્તાનમાં દોઢ વર્ષ પૂર્વે ૨૦૨૨માં બેંકને અદિતી મંડળી દ્રારા બેંકમાંથી ધિરાણ લઈ કૌભાંડ ચલાવાતું હોવાની માહિતી મળી હતી. અદિતી મંડળીમાંથી લોન લેનારા વ્યકિત કે પેઢીને બેંક દ્રારા લોન ભરપાઈ કરવા માટેની નોટિસ ઈશ્યુ કરાઈ હતી. આ નોટિસ સંદર્ભે લોન લેનાર પેઢી દ્રારા બેંકમાં લોન ભરપાઈ કરી દીધાના મંડળીના એનઓસી રજૂ કરાતા બેંક પણ ચોકી ઉઠી હતી અને મંડળીના તમામ ધિરાણ લેતી–દેતીના હિસાબો ચકાસાતા તેમજ મંડળીને રિકવરી માટે નોટિસો પણ અપાઈ હતી. આમ છતાં ચડત ધિરાણની રકમ અંદાજે રૂા.૧૩ કરોડ જેવી મંડળી દ્રારા ભરપાઈ કરાઈ ન હતી અને સમગ્ર કૌભાંડ બહાર આવ્યું હોવાનું જાણવા મળે છે.


બેંકના કોઈ અંદરના વ્યકિતઓની પણ સંડોવણી હોવાની આશંકા

સામાન્ય રીતે બેંક કે ફાઈનાન્સ પેઢીઓ ૨૫–૫૦ હજારની લોન આપતી હોય તો પણ આ રકમ ભરપાઈ ન થાય તો લોનધારકની મિલકતો કબજે લેતી હોય છે કે આવી  કાર્યવાહી કરાતી હોય છે. યારે અદિતી મંડળી દ્રારા લાંબા સમયથી ૧૩ કરોડ જેવી માતબાર રકમ બેંકમાં ભરપાઈ કરાતી ન હતી ઉલ્ટાના આ મંડળી દ્રારા એનઓસી ઈશ્યુ થાય કે લોન ધારકની મોર્ગેજ ફાઈલ બેંક દ્રારા આ એનઓસીના આધારે પરત આપી દેવાતી હતી. બેંકના જવાબદારો દ્રારા શું જે–તે સમયે એનઓસીની ખરાઈ કરાતી ન હતી? અથવા તો બેંકમાં મંડળી દ્રારા નાણા જમા થાય છે કે નહીં તે બાબતની કોઈ તપાસ થતી ન હતી? જાણકારો કે પોલીસને એવી આશંકા છે કે બેંકમાં પણ કોઈને કોઈ આડકતરી રીતે કદાચ આ સમગ્ર કૌભાંડમાં સંડોવાયેલું હોઈ શકે, અથવા તો મંડળી પર અતિ રાખેલા વિશ્ર્વાસના કારણે મંડળી દ્રારા કરોડોનું કૌભાંડ કરાયું હોઈ શકે. પોલીસ તપાસ દરમિયાન બેંકના પણ કોઈ કર્મચારી કે અધિકારીગણની સંડોવણી છે કે નહીં? તે બહાર આવવાની સંભાવના સેવાઈ રહી છે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News