કોટડાસાંગાણીના રામપરામાં ખેડૂત પર 11 શખસોનો હીંચકારો હુમલો

  • September 24, 2024 11:29 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


કોટડાસાંગાણી તાલુકાના રામપરા ગામે રહેતા યુવાન પર ગામમાં જ રહેતા ચાર મહિલા સહિત 11 શખસોએ તેની વાડીએ તથા ઘરે આવી ઢીકાપાટુ અને લાકડી વડે માર માર્યો હતો. તેમજ ઘર સળગાવી નાખવાની અને પતાવી દેવાની ધમકી આપી હતી. ખેતરે ધોરીયામાંથી પાણી બહાર નીકળતા આ બાબતે થયેલી બોલાચાલીનો ખાર રાખી આ હુમલો કરવામાં આવ્યો હતો. યુવાનની ફરિયાદ પરથી પોલીસે આરોપીઓ સામે એટ્રોસિટી એક્ટ સહિતની કલમો હેઠળ ગુનો નોંધ્યો છે.
કોટડા સાંગાણી તાલુકાના રામપરા (નવાગામ) માં રહેતા કપિલ હીરાભાઈ બાબરીયા(ઉ.વ 32) નામના યુવાને કોટડા સાંગાણી પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે રામપરામાં જ રહેતા ભુપત મેપાભાઇ ધ્રાંગીયા, જેરામ ઘોઘાભાઈ ધ્રાંગીયા, મેપા રત્નાભાઇ ધ્રાંગીયા, મનોજ મેપાભાઇ ધ્રાંગીયા, જયેશ મેપાભાઇ ધ્રાંગીયા, ભરત મેપાભાઇ ધ્રાંગીયા, વિક્રમ મેપાભાઇ, લક્ષ્મીબેન મેપાભાઇ, કાંતુબેન મેપાભાઈ, અસ્મિતાબેન મેપાભાઈ, મનીષાબેન મેપાભાઇના નામ આપ્યા છે.
યુવાને પોતાની ફરિયાદમાં જણાવ્યું હતું કે, તે અહીં રામપરા ગામે રહે છે તેને ગામની સીમમાં સાત વીઘા ખેતીની જમીન આવેલી હોય ત્યાં ખેતીકામ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. ગત તારીખ 21/9 ના યુવાન પોતાની વાડીએ પાણી વાળવા માટે ગયો હતો ત્યારે વાડીનું પાણી ધોરીયામાંથી બહાર નીકળી રસ્તા પર જતું રહેતા ભુપત ધ્રાંગીયા ત્યાંથી નીકળ્યો હતો અને રસ્તામાં પાણી હોય જેથી તેનું વાહન ઉભું રાખી યુવાને કહેવા લાગ્યો હતો કે કેમ પાણી બહાર નીકળે છે તેમ કહી ગાળો આપી જ્ઞાતિ અંગે અપમાનજનક શબ્દો કહ્યા હતા. યુવાને ગાળો આપવાની ના કહેતા ભુપતે બે ફડાકા મારી દીધા હતા. ત્યારબાદ જેરામ ધ્રાંગીયા
ઢોર ચરાવતો હોય જેથી તેને આ બાબતની જાણ થતાં તેણે આ વાત ભુપતના પિતાને કરી હતી બાદમાં જેરામ પણ અહીં આવી ગાળો દેવા લાગ્યો હતો. બાદમાં બંને જતા રહ્યા હતા ત્યારબાદ અન્ય આરોપી મેપા, મનોજ, જયેશ, ભરત અહીં આવ્યા હતા અને યુવાનને ગાળો આપી મૂઢ મારમાર્યો હતો.
યુવાન ઘરે આવી ગયા બાદ ભૂપત તથા તેના બાપુ મેપા, મનોજ, વિક્રમ સહિતના લાકડીઓ લઈ અને ઘરે આવ્યા હતા અને ઘર સળગાવી નાખવું છે તેમ કહી આજે અને પતાવી દેવો છે તેવી ધમકી આપી ગાળો આપી હતી તેમજ અન્ય આરોપીઓ કાંતુબેન, અસ્મિતાબેન,મનિષાબેન અને લક્ષ્મીબેન સહિતનાઓ અહીં આવી આજે આને મારી નાખો પાંચ લાખ બગાડવા પડે તો ભલે તેમ કહી ગાળો આપી હતી. દરમિયાન અહીં ગામના લોકો એકત્ર થતાં આ શખસો ચાલ્યા ગયા હતા. હુમલામાં ઘવાયેલા યુવાનને સારવાર માટે ગોંડલ સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. હુમલામાં યુવાનને આંગળીમાં ફ્રેક્ચર થઈ ગયું હતું. ગામના જ લોકો હોય જેથી સમાધાનની વાત ચાલતી હતી. પરંતુ સમાધાન ન થતા અંતે યુવાને આ ફરિયાદ નોંધાવી છે. જે ફરિયાદના આધારે પોલીસે ગુનો નોંધી જરૂરી કાર્યવાહી કરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application