રાજકોટના મેટોડા પંથકમાં આજે વહેલી સવારે માનવતા અને ફરજનિષ્ઠાનું ઉત્તમ ઉદાહરણ જોવા મળ્યું હતું. જ્યારે હોસ્પિટલ પહોંચવું અશક્ય લાગતું હતું, ત્યારે 108 એમ્બ્યુલન્સની ટીમે રસ્તામાં જ સફળ ડિલિવરી કરાવીને એક નવજાત બાળકી અને માતાનો જીવ બચાવ્યો હતો. પરિવારમાં પહેલું બાળક દીકરો હોવાથી, બીજા સંતાન તરીકે દીકરીના જન્મને ‘લક્ષ્મીના આગમન’ તરીકે વધાવવામાં આવતા પરિવારમાં ખુશીનો માહોલ છવાઈ ગયો હતો.
શું હતી સમગ્ર ઘટના?
આજરોજ વહેલી સવારે 06:35 વાગ્યે મેટોડા લોકેશનની 108 એમ્બ્યુલન્સને લોધિકા તાલુકાના રાદડ ગામથી પ્રેગ્નેન્સીનો ઇમરજન્સી કોલ મળ્યો હતો. કોલ મળતાની સાથે જ એમ્બ્યુલન્સની ટીમ તાત્કાલિક રાદડ ગામે પહોંચી હતી. દર્દીની સ્થિતિ તપાસી તેમને વધુ સારવાર માટે હોસ્પિટલ લઈ જવા રવાના થયા હતા. જોકે, હોસ્પિટલ પહોંચતા પહેલા જ રસ્તામાં સગર્ભા મહિલાને અસહ્ય પ્રસૂતિની પીડા ઉપડતા પરિસ્થિતિ નાજુક બની હતી.
એમ્બ્યુલન્સમાં જ ગુંજી કિલકારી
હોસ્પિટલ હજુ દૂર હોવાથી અને મહિલાની હાલત જોતા, એમ્બ્યુલન્સમાં હાજર ઇએમટી (EMT) વ્યોમા ભીલવાળા અને પાયલોટ પિયુષભાઈ સિહોરાએ રસ્તામાં જ ડિલિવરી કરાવવાનો હિંમતભર્યો નિર્ણય લીધો હતો. 108ની ટીમે તમામ તબીબી સાધનોની મદદથી એમ્બ્યુલન્સમાં જ સફળ નોર્મલ ડિલિવરી કરાવી હતી. માતાએ 2.4 કિલો વજન ધરાવતી તંદુરસ્ત બાળકીને જન્મ આપ્યો હતો.
પરિવારમાં ખુશીનો માહોલ
ડિલિવરી બાદ માતા અને નવજાત બાળકી બંનેની સ્થિતિ સ્થિર જણાતા તેમને આગળની સારવાર માટે સુરક્ષિત રીતે હોસ્પિટલ પહોંચાડવામાં આવ્યા હતા. પરિવારજનોએ 108ની ટીમનો આભાર માનતા જણાવ્યું હતું કે, પહેલો દીકરો હોવાથી દીકરીના આવવાથી અમારો પરિવાર પૂર્ણ થયો છે. મેટોડા 108 ટીમની આ કામગીરીની સમગ્ર પંથકમાં પ્રશંસા થઈ રહી છે.