ચારધામ યાત્રામાં પ્રતિકુળ હવામાનના કારણે અત્યાર સુધીમાં 10ના મોત, ઓનલાઈન બુકિંગ પર 6 મે સુધી પ્રતિબંધ

  • May 03, 2023 09:07 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


ગંગોત્રી-યમુનોત્રીના દ્વાર 22 એપ્રિલે ખુલતાની ની સાથે ચારધામ યાત્રાની શરૂઆત થઈ હતી. ત્યારબાદ  25મી એપ્રિલે કેદારનાથ અને 27મી એપ્રિલે બદ્રીનાથ ધામના કપાટ ખોલવાની સાથે જ ઉત્તરાખંડના ચારેય ધામોની યાત્રાનો પ્રારંભ થયો હતો. ખરાબ હવામાનના કારણે ચારધામ યાત્રાને લઈને તમામ વ્યવસ્થાઓ ઠપ થઈ હતી. યાત્રીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને વહીવટીતંત્રે, કેદારનાથ અને અન્ય ધામોમાં હિમવર્ષા અને ભારે વરસાદને કારણે શ્રદ્ધાળુઓને અલગ-અલગ સ્થળોએ રોકી દીધા હતા. જ્યારે કેદારનાથ ધામ જતા લગભગ 10 હજાર શ્રદ્ધાળુઓને સુરક્ષિત સ્થાનો પર રોકી દીધા હતા.



ચારધામ યાત્રાના ઓનલાઈન બુકિંગ અને હેલિકોપ્ટરના બુકિંગ પર 6 મે સુધી પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. પ્રતિકૂળ હવામાનના કારણે અત્યાર સુધીમાં દસ જેટલા યાત્રાળુઓએ નાદુરસ્ત તબિયતના કારણે જીવ ગુમાવ્યા છે. અત્યાર સુધીમાં 46 હજાર શ્રદ્ધાળુઓની આરોગ્ય તપાસ કરવામાં આવી છે. ચાર ધામ યાત્રા રૂટ પર વિવિધ સ્થળોએ હેલ્થ એટીએમ લગાવવામાં આવ્યા છે.


યાત્રાળુઓને સોનપ્રયાગથી ઉપર જવાની મંજૂરી નથી. રુદ્રપ્રયાગ જિલ્લા મેજિસ્ટ્રેટ મયુર દીક્ષિતે જણાવ્યું કે, કેદારનાથ ધામમાં ભારે હિમવર્ષાના કારણે તીર્થયાત્રીઓને કેદારનાથ જતા અટકાવવામાં આવ્યા છે. કેદારનાથ જતા તિલવાડાથી ફાટા સુધી લગભગ ત્રણ હજાર, સીતાપુરથી સોનપ્રયાગ સુધી છ હજાર અને ગૌરીકુંડમાં લગભગ એક હજાર શ્રદ્ધાળુઓને રોકી દેવામાં આવ્યા છે. હવામાન ખરાબ થતાં શ્રદ્ધાળુઓને કેદારનાથ ધામ જવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો હતો. હવામાન સારુ થયા બાદ જ યાત્રાળુઓને કેદારનાથ ધામ મોકલવામાં આવશે.



પોલીસ પ્રશાસને ગંગોત્રી અને યમુનોત્રી ધામ માટે નવી ટ્રાફિક વ્યવસ્થા લાગુ કરી છે. જે અંતર્ગત હવે યાત્રાળુઓ બંને ધામમાં મંદિરના દર્શન માત્ર રાત્રીના આઠ વાગ્યા સુધી જ કરી શકશે. બદ્રીનાથમાં ભારે વરસાદને કારણે ભૂસ્ખલન થતાં યાત્રા નવ કલાક સુધી રોકી દેવામાં આવી હતી. જેના કારણે બદ્રીનાથ નેશનલ હાઈવે દસ કલાક સુધી બ્લોક થઈ ગયો હતો. બગડતા હવામાનને જોતા રાજ્ય સરકારે યાત્રાળુઓની સુરક્ષા માટે રાજ્યના ત્રણ વરિષ્ઠ સચિવોની એક સમિતિની રચના કરી છે.



હવામાન વિભાગે ઉત્તરાખંડના પહાડી વિસ્તારોની સાથે ચાર ધામમાં 5 મે સુધી હિમવર્ષા અને વરસાદની ચેતવણી આપી છે. રાજ્ય સરકારને ચારધામ યાત્રાએ જતા યાત્રિકોની સંખ્યા મર્યાદિત કરવા અને યાત્રાળુઓને સુરક્ષિત સ્થળોએ રોકવાની સલાહ આપવામાં આવી છે. હવામાન વિભાગે રાજ્યના તમામ જિલ્લા મેજિસ્ટ્રેટને એલર્ટ રહેવા જણાવ્યું છે. રાજ્યના મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ કહ્યું કે રાજ્ય સરકારે ચારધામ યાત્રા માટે આવનારા શ્રદ્ધાળુઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને તમામ સુરક્ષા વ્યવસ્થા કરી છે.



કેદારનાથ ધામમાં છેલ્લા 20 દિવસથી સતત વરસાદ અને હિમવર્ષા થઈ રહી છે. બદરી-કેદાર મંદિર સમિતિની કેદારનાથ ધામ શાખાના એક્ઝિક્યુટિવ ઓફિસર રમેશ ચંદ્ર તિવારી કહે છે કે છેલ્લા બે દિવસથી કેદારનાથ ધામમાં ભારે હિમવર્ષા અને વરસાદ થઈ રહ્યો છે. જેના કારણે વાતાવરણ ખૂબ ઠંડુ થઈ ગયું છે.



કેદારનાથ ધામની યાત્રા દરમિયાન પહેલા અઠવાડિયામાં જ ત્રણ ઘોડા અને ખચ્ચરના મોત થયા છે. રુદ્રપ્રયાગના મુખ્ય ચિકિત્સા અધિકારી ડૉ. આશિષ રાવતે જણાવ્યું હતું કે કેદારનાથ ધામના પદયાત્રી માર્ગ પર નિયમોનું પાલન ન કરવા બદલ 61 ઘોડા-ખચ્ચર માલિકોના ચલણ કરવામાં આવ્યા છે અને ત્રણ ડઝન ઘોડા-ખચ્ચરને તેમની ખરાબ સ્થિતિને કારણે મુસાફરી કરવાની મંજૂરી આપવામાં આવી નથી. ચારધામ યાત્રાના રૂટ પર ઘોડા અને ખચ્ચરની સંખ્યા પણ નક્કી કરવામાં આવી છે. પશુ માલિકને માત્ર બે ઘોડા-ખચ્ચર ચલાવવાની મંજૂરી આપવામાં આવશે.



કેદારનાથ યાત્રાના રૂટ પર ગૌરીકુંડથી કેદારનાથ સુધીની 19 કિલોમીટરની પદયાત્રામાં માત્ર પાંચ હજાર ઘોડા-ખચ્ચરને જ ચલાવવાની મંજૂરી આપવામાં આવશે. જ્યારે હેમકુંડ સાહિબ માટે 15 કિલોમીટરના પદયાત્રી માર્ગ માટે માત્ર 1050 ઘોડા-ખચ્ચર નક્કી કરવામાં આવ્યા છે. ઘોડા અને ખચ્ચરના કાન પર ટેગ લગાવવું ફરજિયાત રહેશે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application