ખંભાળિયા સહિત દેવભૂમિ દ્વારકા જિલ્લામાં "તાઉતે" વાવાઝોડું હળવેથી પસાર થયું: પવનના જોર વચ્ચે વરસાદી ઝાપટા વરસ્યા

  • May 18, 2021 11:42 AM 

તલવારનો ઘા સોયથી ટળ્યો : મોટી જાનહાનિ ન થતા લોકોને રાહતનો દમ ખેંચ્યો

હવામાન વિભાગ દ્વારા ગઈકાલે સોમવારે રાત્રેથી આજે મંગળવારે સવારે સુધીના સમયગાળામાં "તાઉતે" વાવાઝોડું ત્રાટકવાની કરવામાં આવેલી આગાહી વચ્ચે તમામ સ્થાનિક સરકારી તંત્રની સક્રિયતા સાથે લોકોના ઉચાટ જીવે આ વાવાઝોડું હળવું પડતા લોકોએ રાહતનો દમ ખેંચ્યો છે.

સોમવાર તથા મંગળવારના સમયગાળા દરમિયાન "તાઉતે" વાવાઝોડું દેવભૂમિ દ્વારકા જિલ્લાને ધમરોડશે તેવી શક્યતાઓ વચ્ચે અહીંના કલેકટર તંત્ર તથા પોલીસ તંત્ર દ્વારા વિવિધ પ્રકારના નક્કર પગલાં લેવામાં આવ્યા હતા. જેમાં સાવચેતી માટે નીચાણના વિસ્તારોમાં લોકોને સ્થળાંતર કરવા સહિતની કાર્યવાહી માટે ખાસ કરીને જિલ્લા પોલીસ દ્વારા નોંધપાત્ર જહેમત ઉઠાવવામાં આવી હતી.

વિશાળ દરિયાકિનારો ધરાવતા દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા તથા દ્વારકા સહિતના વિવિધ કાંઠાળ વિસ્તારોમાં વાવાઝોડાને કારણે જાનમાલની નુકશાની ન સર્જાય તે માટે છેલ્લા બે દિવસથી સ્થાનિક તંત્રની નોંધપાત્ર જહેમત આવકારદાયક બની રહી હતી. આ માટે છેલ્લા બે દિવસથી પોલીસ સહિતના સરકારી અધિકારીઓ- કર્મચારીઓના રાત ઉજાગરાએ વાવાઝોડાની ઘાતક અસરથી લોકોને બચાવ્યા હતા.

"તાઉતે" વાવાઝોડાના પગલે ગઈકાલે તેમજ આજે પણ સવારથી વાદળછાયું વાતાવરણ રહ્યું હતું. પવનનું જોર મહદ્ અંશે વધુ રહેતા ધૂળની ડમરીઓથી લોકો ત્રસ્ત બની ગયા હતા. વાવાઝોડાના પગરવ સાથે ગઈકાલે મોડી રાત્રે વંટોળિયો પવન ફૂંકાયો હતો. એટલું જ નહીં મધ્યરાત્રિના સમયે ખંભાળિયા, દ્વારકા સહિતના વિસ્તારોમાં વરસાદી ઝાપટા વરસ્યા હતા. જો કે ભારે વાવાઝોડા તથા વરસાદની આગાહી વચ્ચે માત્ર વંટોળિયા પવન તથા હળવા વરસાદી ઝાપટાથી લોકોએ "તાઉતે" વાવાઝોડાની ભયાવહ આગાહીથી છુટકારો મળતાં હાલની મહામારીમાં ઈશ્વરનો પાડ માન્યો હતો. હળવા વરસાદ તથા પવનના જોરના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી.

ખંભાળિયા શહેરના જુદા જુદા વિસ્તારોમાં તથા તાલુકા અને જિલ્લામાં વૃક્ષો પડવાના તથા સામાન્ય છાપરા ઉડવા જેવા બનાવો સિવાય કોઇ મોટી દુર્ઘટના કે જાનહાનિ ન થતા જિલ્લાના રહીશો તથા ખાસ કરીને સરકારી તંત્રે હાલ રાહતનો દમ ખેંચ્યો છે. જોકે હજુ આ વાવાઝોડાથી સંપુર્ણ મુક્તિ મળી હોય તેવી જાહેરાત સરકારી તંત્ર દ્વારા કરવામાં આવી નથી. તેથી હજુ પણ તમામ સરકારી તંત્ર એલર્ટ બની રહ્યું છે.

ખંભાળિયાના વાડી વિસ્તારમાં વીજપોલ ધરાશાયી: વીજ પુરવઠો અસરગ્રસ્ત

ખંભાળિયા પંથકમાં ફૂંકાયેલા મીનિ વાવાઝોડા જેવા પવનના કારણે ખંભાળિયા શહેરમાં પીજીવીસીએલના ઉપકરણોને ખાસ કોઇ મોટી નુકસાની થવા પામી ન હતી. પરંતુ તાલુકાના જુદા જુદા વાડી વિસ્તારમાં આઠ વિજપોલ ધરાશાયી થઈ જતાં તંત્રએ તાકીદે દોડી જઈ અને રીપેરીંગ સહિતની જરૂરી કાર્યવાહી કરી હતી.

ગતરાત્રીના સમયે ફૂંકાયેલા ભારે પવનના કારણે લાંબો સમય વીજ પુરવઠો બંધ રાખવામાં આવ્યો હતો. સાવચેતીના પગલારૂપે શહેરની સ્ટ્રીટ લાઈટો પણ બંધ રહી હતી.

આ ઉપરાંત દ્વારકા તાલુકામાં પણ વીજપોલ કે વિજવાયર પડવાના કોઈ બનાવ બન્યા ન હતા. પીજીવીસીએલ સ્ટાફ વાવાઝોડાની આગાહીના પગલે સ્ટેન્ડ-ટુ રહ્યો હતો.

એસ.ટી.ના તમામ રૂટ બંધ: દસ બસ સ્ટેન્ડ ટુ રખાઈ

વાવાઝોડાની આગાહીના પગલે ખંભાળિયામાં આવતી તથા જતી તમામ એસટી બસો ગઈકાલે સાંજે ચાર વાગ્યા બાદ દોડી ન હતી. એટલું જ નહીં આજે પણ દિવસ દરમિયાન એસ.ટી.ના રૂટ બંધ રાખવામાં આવ્યા હતા. આજે વાવાઝોડાની પરિસ્થિતિ થાળે પડયે એસ.ટી.ના જુદા જુદા રૂટ પૂર્વવત થનાર હોવાનું અહીંના ડેપો મેનેજર એમ આર રાઠોડ દ્વારા જાણવા મળેલ છે.

આ ઉપરાંત જિલ્લા કલેકટરના આદેશ મુજબ વાવાઝોડાની પરિસ્થિતિમાં લોકોને સહાયભૂત થવા માટે એસ.ટી.ની 10 બસ તથા ડ્રાઇવર સ્ટેન્ડ-ટુ રાખવામાં આવ્યા હતા. જોકે પરિસ્થિતિ ન બગાડતા આ સેવા લેવાની જરૂર પડી ન હતી.

નગરપાલિકા દ્વારા અવિરત કન્ટ્રોલ રૂમ: અસરગ્રસ્તોને શેલ્ટર હોમમાં આશ્રય અપાયો

વાવાઝોડાની આગાહીના પગલે અહીંના પ્રાંત અધિકારી ડી.આર. ગૂરવની સૂચના તથા માર્ગદર્શન હેઠળ ખંભાળિયા નગરપાલિકા દ્વારા પણ સક્રીય રીતે કામગીરી કરવામાં આવી હતી. જેમાં નગરપાલિકાના ચીફ ઓફિસર એ.એચ. સિંહા દ્વારા છેલ્લા બે દિવસથી અવિરત રીતે તેમના સ્ટાફ સાથે અહીંની નગરપાલિકા કચેરી ખાતે હાજર રહી કંટ્રોલરૂમ સહિતની જરૂરી વ્યવસ્થા સંભાળી હતી.

આ ઉપરાંત નગરપાલિકા તંત્ર દ્વારા અહીંના પોર ગેઈટ પાસે આવેલા કોમ્યુનીટી હોલ તથા નગરપાલિકા સંચાલિત હાઇસ્કુલ ખાતે મળી કુલ બે સેલ્ટર હોમ ઉભા કરવામાં આવ્યા છે. જેમાં જુદા-જુદા વિસ્તારોમાંથી 145 લોકોને અહીં આશરે આપવામાં આવ્યો છે. હાલની પરિસ્થિતિમાં નગરપાલિકાનો ફાયર સહિતનો સ્ટાફ આખી રાત સેવા માટે હાજર રહ્યો હતો.

દ્વારકા પંથકમાં પરિસ્થિતિ કાબુમાં

વાવાઝોડા આગાહીને પગલે દ્વારકા તાલુકામાં એનડીઆરએફની ટીમ તથા પોલીસ કાફલો સ્ટેન્ડ-ટુ રાખવામાં આવ્યો હતો. ગતરાત્રે સામાન્ય વરસાદ તથા પવન ફુંકાવવાના બનાવો વચ્ચે કોઈ અનિચ્છનીય બનાવ કે ફાયર વિભાગને ઇમરજન્સી કોલ આવ્યા ન હતા. આટલું જ નહીં જી.એમ.બી. વિભાગને પણ ખાના ખરાબીની કોઈ ઈમર્જન્સી આવી ન હતી. આજે વાવાઝોડાની અસર ઓછી થાય હાલ બંદરો પર 8 નંબરનું સિગ્નલ ઘટાડવામાં આવશે તેમ પણ જાણવા મળેલ છે.

વાવાઝોડાના પગલે દ્વારકાના 953 માછીમારોએ પોતાની બોટો સલામત સ્‍થળે લાંગરી

હવામાન વિભાગની આગાહી મુજબ આગામી બુધવાર સુધી જિલ્લામાં વાવાઝોડાની અસર થવાની સંભાવના છે. જેના પગલે જિલ્‍લા વહિવટીતંત્ર દ્વારા સંપુર્ણ તૈયારીઓ કરવામાં છે. દરિયાકાંઠાના 61 તથા અન્‍ય 44 મળી કુલ 105 અસરગ્રસ્‍ત ગામોના 140 આશ્રય સ્‍થાનો પર કુલ 12,319 પૈકી 11,608 લોકોનું સલામત સ્‍થળે સ્‍થળાંતર કરવામાં આવ્યું છે.

જિલ્‍લા વહિવટી તંત્ર દ્વારા આ સમયગાળામાં માછીમારો દરિયો ન ખેડે એ માટે તેમને સુચના આપવામાં આવી છે. જેના પગલે દ્વારકાના 953 માછીમારોએ સાવચેતીના પગલારૂપે પોતાની હોડીઓ કીનારા પર સલામત સ્‍થળે લાંગરી દીધી છે. વાવાઝોડાના સમયે શું સાવચેતી રાખવી એની સંપુર્ણ માહિતી દ્વારકાના માછીમારોને આપવામાં આવી છે. વાવાઝોડાથી જાનહાનિ ન થાય તે માટે માછીમારોને પરિવાર સહિત સલામત સ્‍થળે ખસેડવામાં આવ્‍યા છે.

"તાઉતે" વાવાઝોડા સંદર્ભે કલેકટર દ્વારા તાકીદનું જાહેરનામું પ્રસિધ્‍ધ કરાયું

હવામાન વિભાગ દ્વારા આપવામાં આવેલી યાદી મુજબ અરબી સમુદ્રમાં ડીપ ડીપ્રેશન  સર્જાતા સૌરાષ્‍ટ્ર કચ્‍છ વિસ્‍તારમાં તા. 17 તથા 18 દરમ્‍યાન "તાઉતે" વાવાઝોડા અન્‍વયે ભારે વરસાદ થવાની સંભાવના છે. જે સંદર્ભે સાવચેતીના પગલાંરૂપે અહીંના જિલ્લા કલેકટર ડો. નરેન્‍દ્રકુમાર મીનાએ એક જાહેરનામું પ્રસિધ્‍ધ કરી, જિલ્લામાં તા.18 ના રાત્રી સુધી અતિ આવશ્‍યક સંજોગો સિવાય કોઇપણ વ્‍યક્તિએ ઘરની બહાર નિકળવું નહી. કાચા મકાનમાં તથા નીચાવાળા વિસ્‍તારોમાં વસતા લોકોને સલામત સ્‍થળોએ (પાકા મકાનમાં) ખસી જવા જણાવવામાં જણાવાયું છે.

જો પાકા મકાનની અન્‍ય વ્‍યવસ્‍થા ન હોય તો જિલ્‍લા વહિવટીતંત્ર દ્વારા ઉભા કરવામાં આવેલ આશ્રય સ્‍થાનોમાં આશ્રય લેવો. દરિયાકાંઠાના વિસ્‍તારોમાં દરિયાકાંઠાથી 200 મીટર સુધીના વિસ્‍તારમાં પ્રવેશ ઉપર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. દરિયામાં કોઇ પણ પ્રકારની બોટ કે માછીમારીનું સાધન લઇ જવા ઉપર પણ પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.

ખંભાળિયામાં તંત્ર દ્વારા દુકાનો બંધ કરાવાઈ

તીવ્ર વાવાઝોડાની આગાહીના પગલે સાવચેતી કેળવવા સરકારી તંત્ર દ્વારા કરવામાં આવેલી અપીલના અનુસંધાને ગઈકાલે સોમવારે બપોર બાદ શહેરની તમામ નાની-મોટી દુકાનો- ઓફિસો બંધ રહી હતી જો કે આ બંધમાં મેડિકલ સહિતની ઇમરજન્સી સેવાઓને છૂટછાટ રહી હતી.

પોલીસ સહિતના સરકારી વિભાગના અધિકારીઓ- સ્ટાફ દ્વારા સતત પેટ્રોલિંગ સહિતની જરૂરી કાર્યવાહી કરવામાં આવી હતી. હાલ "તાઉતે" વાવાઝોડું મંદ પડ્યું હોવાની બાબતે લોકોમાં રાહતની લાગણી પ્રસરી છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS