જામનગરના યુવાનને ચાર લાખ રૂપિયા આપ્યા બાદ ૭ લાખ વસુલતો વ્યાજખોર

  • March 30, 2026 12:11 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગરના યુવાનને ચાર લાખ રૂપિયા આપ્યા બાદ ૭ લાખ વસુલતો વ્યાજખોર

વધુ બે લાખની માંગણી કરનાર શખ્સ સામે ફરિયાદ

જામનગર શહેરમાં ગેરકાયદે વ્યાજખોરી અને ધમકી આપવાના મામલે સિટી-સી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો છે. એક યુવાનને ચાર લાખ રૂપિયા વ્યાજે આપ્યા પછી તેનું ૭ લાખ વ્યાજ વસુલી લીધા બાદ પણ હજુ બે લાખની માંગણી કરી ધમકી અપાતાં પોલીસ ફરિયાદ નોંધાવાઈ છે.પોલીસે આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.

પ્રાપ્ત માહિતી મુજબ, વર્ષ ૨૦૨૪થી તા. ૨૭/૦૩/૨૦૨૬ દરમ્યાન ગોકુલનગર, નવાનગર વિસ્તારમાં મોમાઈ પાન પાસે આ બનાવ બન્યો હતો. ફરિયાદી ભાવેશભાઈ નાનજીભાઈ ટાંક (ઉંમર ૩૬ વર્ષ, રહેવાસી પટેલ પાર્ક, જામનગર)એ આરોપી પાસેથી રૂ. ૪ લાખ વ્યાજે લીધા હતા.

આરોપી મીલનભાઈ હરીશભાઈ નાનાણી દ્વારા ફરિયાદી પાસેથી ૧૫ ટકા વ્યાજના દરે રૂપિયા વસૂલવામાં આવ્યા હતા અને રૂ. ૪ લાખના બદલે કુલ રૂ. ૭ લાખ સુધીની ઉઘરાણી કરી લેવામાં આવી હતી. તેમ છતાં આરોપીએ વધુ રૂ. ૨ લાખની માંગણી કરી હતી.

ફરિયાદી પાસે વધુ રકમ ન હોવાને કારણે તેમણે પોલીસમાં ફરિયાદ કરવાની વાત કરતા આરોપીએ તેમને ધમકી આપી હતી કે ફરિયાદ કરશો તો રહેવા નહીં દઉં અને મારી નાખીશ.આ મામલે આરોપી ગોમતીપુર સોસાયટીના મિલન સામે ગુજરાત નાણાની ધીરધાર અધિનિયમ-૨૦૧૧ ની કલમ ૩૯, ૪૦, ૪૧, ૪૨(એ) તથા ભારતીય ન્યાય સંહિતા-૨૦૨૩ ની કલમ ૩૫૧(૧) મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે. પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.
​​​​​​​



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application