જામનગર સહીત દેશભરના ગ્રામ્ય વિસ્તારોમાં ૬૫ વર્ષથી વધુ ઉંમરે તમામ દાંત ગુમાવવાની સમસ્યા વધુ
દાંત ગુમાવ્યા પછી જીવન અટકતું નથી આધુનિક દંતચિકિત્સા આપે છે નવી ઓળખ,દાંત ફકત સડવાથી નહીં પેઢાના ગંભીર રોગથી પણ પડે છેખોવાયેલું સ્મિત ફરીથી ખીલી શકે છે, પ્રોસ્થોડોન્ટિક સારવાર અંગે જામનગર ડેન્ટલ કોલેજ દ્વારા ખાસ જનજાગૃતિ અભિયાનઆજના આધુનિક યુગમાં સ્મિત માત્ર સૌંદર્યનું પ્રતીક નથી, પરંતુ આત્મવિશ્વાસ, વ્યક્તિત્વ અને આરોગ્યનું પ્રતિબિંબ છે. છતાં, હકીકત એ છે કે લાખો લોકો દાંત ગુમાવ્યા પછી યોગ્ય સારવાર વિશે અજાણ રહે છે. પરિણામે તેઓ શરમ, અસુવિધા અને આત્મવિશ્વાસના અભાવ સાથે જીવન જીવે છે.જામનગર સહીત દેશભરના ગ્રામ્ય વિસ્તારોમાં ૬૫ વર્ષથી વધુ ઉંમરે તમામ દાંત ગુમાવવાની સમસ્યા વધુ છે. આ માટેની પ્રોસ્થોડોન્ટીક સારવારનું જામનગરની સરકારી ડેન્ટલ કોલેજ દ્રારા ખાસ જનજાગૃતિ અભિયાન ચલાવામાં આવી રહ્યું છે.
વિશ્ર્વ આરોગ્ય સંસ્થા મુજબ, વિશ્ર્વભરમાં લગભગ ૩૦ ટકા લોકો ૬૫ વર્ષથી વધુ ઉંમરે સંપૂર્ણ દાંત ગુમાવે છે. ભારતમાં પણ આ સમસ્યા નોંધપાત્ર છે, ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારોમાં વધુ છે. લોકોનું માનવું છે કે, દાંત માત્ર સડવાથી પડે છે. પરંતુ હકીકતમાં દાંત પડવાના અન્ય મહત્વના કારણો પણ છે. જેમાં સૌથી મહત્વપૂર્ણ અને ગંભીર કારણ પેઢાનો રોગ એટલે કે પેરીઓડોન્ટાઇટીસ હોવાનું શહેરની સરકારી ડેન્ટલ કોલેજના તબીબોએ જણાવ્યું છે. આ રોગમાં પેઢા અને દાંતને આધાર આપતું હાડકું ધીમે ધીમે નાશ પામે છે.
શરૂઆતમાં પેઢામાંથી લોહી આવવું, સોજો, દુર્ગંધ જેવા લક્ષણો જોવા મળે છે. જો આ રોગની સમયસર સારવાર ન થાય તો દાંત હલવા લાગે છે અને અંતે પડી જાય છે અથવા તો કાઢવા પડે છે. પરંતુ દાંત ગુમાવ્યા પછી પૂર્ણ બત્રીસી વિશ્ર્વાસનો નવો આરંભ થાય છે. સંપૂર્ણ દાંત ગુમાવેલા દર્દીઓ માટે આખી બત્રીસી જીવનમાં નવો આત્મવિશ્વાસ લાવે છે. યોગ્ય રીતે બનાવેલ બત્રીસી વ્યક્તિને ફરીથી સરળતાથી ખાવા, સ્પષ્ટ રીતે બોલવા અને નિર્ભયતાથી સ્મિત કરવા સક્ષમ બનાવે છે. અભ્યાસ મુજબ ૮૫ ટકા દર્દીઓમાં બત્રીસી બાદ આત્મવિશ્વાસમાં નોંધપાત્ર વધારો જોવા મળે છે. અડધી બત્રીસી સરળ અને આર્થિક વિકલ્પ થોડા દાંત ગુમાવેલા દર્દીઓ માટે અડધું ચોકઠું એક અનુકૂળ અને ખર્ચ-અસરકારક વિકલ્પ છે, જે બાકી રહેલા દાંતને આધાર આપે છે. ક્રાઉન અને બ્રિજ ગુમ થયેલા દાંતને કુદરતી દેખાવ અને કાર્યક્ષમતા સાથે પુન:સ્થાપિત કરે છે. તેની આયુષ્ય સામાન્ય રીતે ૧૦ થી ૧૫ વર્ષ અથવા વધુ હોય છે.
ડેન્ટલ ઇમ્પ્લાન્ટ પણ અદ્યતન ઉકેલ છે. તે આધુનિક દંતચિકિત્સામાં ઇમ્પ્લાન્ટ સૌથી ટકાઉ વિકલ્પ છે. તેની સફળતા દર ૯૫થી ૯૮ ટકા સુધી હોય છે. મેક્સિલોફેશિયલ પ્રોસ્થેસિસ સારવાર નવી આશા સમાન છે.આકસ્મિક ઈજા અથવા કેન્સર સર્જરી પછી ચહેરાના ભાગોને પુન:સ્થાપિત કરવા માટે આ ઉપચાર જીવનમાં નવી આશા લાવે છે.
૭૦ થી ૯૦ ટકા દર્દીઓમાં જીવનની ગુણવત્તામાં સુધારો જોવા મળે છે. ઉપચાર પછીની કાળજી અને યોગ્ય જાળવણી જરૂરી છે. આ માટે દાંતની નિયમિત સફાઈ, બ્રશિંગ, ફ્લોસિંગ અને નિષ્ણાતો પાસે તપાસ જરૂરી છે. સર્વે મુજબ ૩૦ ટકા વૃદ્ધોમાં સંપૂર્ણ દાંત ગુમાવવાની સમસ્યા છે. જયારે ૪૦ ટકા ભારતીય વયસ્કોમાં ઓછામાં ઓછો એક દાંત ગુમાવેલો છે.૮૫ ટકા દર્દીઓમાં બત્રીસી બાદ આત્મવિશ્વાસમાં વધારો જોવા મળ્યો છે.સ્મિત માત્ર દેખાવ નથી તે આત્મવિશ્વાસની ઓળખ છે અને હવે તે ફરીથી શક્ય છે. દરેક વ્યક્તિ માટે યોગ્ય ઉપચાર અલગ હોય છે. સમયસર નિષ્ણાત દંતચિકિત્સકનો પરામર્શ લેવો જરૂરી છે. હવે સમય છે અજાણતા દૂર કરીને જીવનમાં ફરીથી સ્મિત અને આત્મવિશ્વાસ લાવવાનો.