હાલારમાં માવઠાથી માઠી, જમીનમાં ભેજ વધતા રવી પાકમાં રોગની ભીતિ
ગુજરાત સહીત હાલારમાં ચોમાસાની વિધિવત વિદાય બાદ માવઠાના મારથી પાકને ખૂબજ માઠી અસર થતા ખેડૂતોમાં ચિંતાની લાગણી સાથે મૂંઝવણમાં મૂકાયા છે. કારણ કે, કમોસમી વરસાદથી જમીનમાં ભેજ વધતા રવી પાકમાં રોગની ભીતિ ઉભી થઇ છે. ખાસ કરીને જામનગર અને દેવભૂમિ દ્રારકા જિલ્લામાં સૌથી વધુ વાવેતર થાય છે તે જી, ચણા અને ધાણાના પાકમાં સૂકારો અને ઉગસૂક રોગની વધુ શકયતા હોવાનું કૃષિ તજજ્ઞોએ જણાવ્યું છે. માવઠાથી મગફળીમાં ભેજ આવતા ગુણવતા નબળી પડશેે. બીજી બાજુ પશુના ચાર માટે ઉતમ ગણાતા મગફળીના પાંદડાં પાલાથી બગડી જતા ચરિયાણના પ્રશ્નથી ખેડૂતોની મુશ્કેલી બેવડાશે.
હવામાન વિભાગની આગાહી વચ્ચે રાજયની સાથે હાલારમાં વધુ એક વખત કમોસમી વરસાદથી પાકને ભારે નુકસાન થયું છે. સોમવારે સવારે કાળાડીંબાગ વાદળોને કારણે અષાઢી માહોલ જોવા મળ્યો હતો. બપોર બાદ માવઠાનો દૌર શ થયો હતો. જે મંગળવાર સવાર સુધી ચાલતા અડધાથી ત્રણ ઇંચ કમોસમી વરસાદ વરસ્યો હતો. જેના કારણે બંને જિલ્લામાં હાલ મગફળી કાઢવાની સીઝન ચાલી રહી હોય ઘણા ખેડૂતોએ ખેતરોમાં રાખેલા મગફળીના પાથરા પલળી ગયા હતાં. જયારે જે ખેડૂતોએ હજુ મગફળી કાઢી નથી અને ખેતરોમાં પાક ઉભો છે તેની મગફળી જમીનમાં ઉગી જશે એટલે કે ફંગસ થશે તેમ કૃષિ તજજ્ઞોએ જણાવ્યું છે. આટલું જ નહીં સતત વાદળછાયા વાતાવરણ અને માવઠાથી મગફળીમાં ભેજના કારણે ગુણવતા નબળી પડશે. ખાસ કરીને મગફળીના પાંદડા કે જે પશુ માટે ચરિયાણમાં ઉતર ગણાય છે તેમાં પાલો થતા બગડી જવાથી પશુના ચરિયાણનો પ્રશ્ન ઉભો થશે.
ખાસ કરીને જામનગર અને દેવભૂમિ દ્રારકા જિલ્લામાં કમોસમી વરસાદના કારણે હવે પછી રવિ પાકમાં રોગની ભીતિ ઉભી થઇ છે. કારણ કે, માવઠા અને સતત વાદળછાયા વાતાવરણથી જમીન તપશે નહીં. આથી જમીનની અંદર ભેજ વધતા રવી પાકમાં સૂકારો અને ઉગસૂક રોગની શકયતા ખૂબજ હોવાનું કૃષિ તજજ્ઞોએ જણાવ્યું છે. બંને જિલ્લામાં રવી પાકમાં ઘઉં, ચણા, ધાણા અને જીનું વધુ વાવેતર થાય છે. જમીનમાં ભેજના કારણે ઘઉંના પાકને નુકસાન થવાની શકયતા નહીંવત છે. પરંતુ ચણા,ધાણા અને જીના પાકમાં સૂકારો અને ઉગસૂક રોગથી ગુણવતા નબળી સહીતનું નુકસાન થવાની સૌથી વધુ ભીતિ હોવાનું કૃષિ તજજ્ઞોએ ઉમેર્યું છે. દિવાળી બાદ હાલારમાં સામાન્ય રીતે શિયાળાના ધીમે ધીમે પગરવ થતા હોય છે. પરંતુ ચાલુ વર્ષે ઠંડીના બદલે માવઠાના મારથી મગફળીના પાકને નુકસાન તેમજ રવી પાકમાં રોગની ભીતિથી ખેડૂતોમાં ચિંતાની લાગણી સાથે ભારે મૂંઝવણમાં મૂકાયા છે. બીજી બાજુ તૈયાર મગફળીનો પાક પલળી જતા મોઢે આવેલો કોળિયો ઝૂંટવાઇ જતા ખેડૂતોને વધુ એક વખત ભારે આર્થિક ફટકો પડયો છે.