જામનગરના વાલસુરા રોડ પર નેવી તાલીમાર્થી અધિકારીઓની લઈ જતી કારનું એક વ્હીલ કારમાંથી નીકળીને છૂટું પડી જતાં ગોઝારો અકસ્માત સર્જાયો

  • April 06, 2026 11:01 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગરના વાલસુરા રોડ પર નેવી તાલીમાર્થી અધિકારીઓની લઈ જતી કારનું એક વ્હીલ કારમાંથી  નીકળીને છૂટું પડી જતાં ગોઝારો અકસ્માત સર્જાયો

નેવી ના ત્રણ તાલીમાર્થી અધિકારીઓ પૈકી એક અધિકારીનું અંતરીયાળ મૃત્યુ: જ્યારે અન્ય બેને ઇજા: નેવીમાં શોખનો માહોલ


જામનગર શહેરના વાલસુરા રોડ પર રવિવારે સવારે બનેલા ગંભીર માર્ગ અકસ્માતમાં નેવીના એક યુવા તાલીમાર્થી અધિકારીનું કરુણ મૃત્યુ નિપજ્યું છે, જ્યારે અન્ય બે અધિકારીઓને સામાન્ય ઈજાઓ પહોંચી છે. આ બનાવે નેવી સંકુલમાં શોકની લાગણી ફેલાવી દીધી છે. ચાલુ કારમાંથી એકાએક કારનું એક વ્હીલ નીકળી જતાં આ ગોઝારો અકસ્માત સર્જાયો હતો.

પ્રાપ્ત વિગતો મુજબ, આઈ.એન.એસ. વાલસુરા નજીક મેઈન ગેઇટથી આશરે એક કિલોમીટર દૂર ગઈકાલે સવારે આશરે ૮:૩૦ વાગ્યે આ અકસ્માત સર્જાયો હતો. પુણે ખાતે તાલીમ પૂર્ણ કરીને મુંબઈથી ફ્લાઈટ દ્વારા જામનગર પહોંચેલા ત્રણ નેવી તાલીમાર્થી અધિકારીઓ કારમાં વાલસુરા તરફ જઈ રહ્યા હતા, ત્યારે અકસ્માત થયો હતો.

ફરિયાદ મુજબ, કાર ચાલક અનુવ્રત પાંડે ગાડી પૂરઝડપે ચલાવી રહ્યા હતા. દરમિયાન ગાડીનું એક વ્હીલ રસ્તાની બહાર ઉતરી જતાં સ્ટેયરિંગ પરનો કાબૂ ગુમાવ્યો હતો અને કાર પલ્ટીઓ મારીને રસ્તાની બાજુએ ઉતરી ગઈ હતી.

આ અકસ્માતમાં પાછળની સીટ પર બેઠેલા અંશુ નામના તાલીમાર્થી અધિકારી ગાડીમાંથી બહાર ફંગોળાઈ ગયા હતા, જેના કારણે તેમને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી. તેમને તાત્કાલિક જી.જી. હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા.

જ્યારે ગાડી ચલાવતા અનુવ્રત પાંડે અને બાજુમાં બેઠેલા સબ લેફ્ટનન્ટ સૌમ્યારંજન સાહુ સીટ બેલ્ટ બાંધેલા હોવાથી તેઓને સામાન્ય ઈજાઓ સાથે બચાવી લેવામાં આવ્યા હતા.

આ મામલે સબ લેફ્ટનન્ટ સૌમ્યારંજન સાહુ દ્વારા જામનગર પોલીસમાં કાર ચાલક અનુવ્રત પાંડે વિરુદ્ધ ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

આ દુર્ઘટના ફરી એકવાર માર્ગ સલામતી અંગે સાવચેતી રાખવાની જરૂરિયાત તરફ સંકેત કરે છે, જ્યાં થોડી ક્ષણોની બેદરકારી જીવલેણ સાબિત થઈ શકે છે.

​​​​​​​



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application