નારીશક્તિ માતૃશક્તિ છે અને હવે આ શક્તિ માત્ર ઘર સુધી જ સીમિત રહી નથી
આજકાલના એડીટર ઇન ચીફ અને એમ.ડી. ચંદ્રેશ જેઠાણીએ જણાવ્યું હતું કે, જામનગર આજકાલ દ્વારા સતત બીજા વર્ષે વુમન પાવર એવોર્ડનું આયોજન કરવામાં આવી રહ્યું છે અને વધુ એક વખત નારી શક્તિ એટલે કે માતૃશક્તિને સન્માનિત કરવાની તક આજકાલ ને મળી છે, જેના માટે અમે ગર્વની લાગણી અનુભવી છે અને એવી ખાતરી આપીએ છીએ કે, આજકાલ દ્વારા સતત સમાજ ઉત્કર્ષના આવા કાર્યો વર્ષેને વર્ષે થતાં રહેશે, કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલા મહેમાનોનો વિશેષ ઉલ્લેખ કરીને એમને તમામનો આભાર માન્યો હતો અને કહ્યું હતું કે, નારીશક્તિ માતૃશક્તિ છે અને હવે આ શક્તિ માત્ર ઘર સુધી જ સીમિત રહી નથી, બહાર પણ નારી તાકાતનો પરચો વિશ્ર્વ આખું જોઇ રહ્યું છે, એવી જ તમામ સ્ત્રીઓ કે જે હિંમતભેર ઘરની બહાર આવીને પોતપોતાના વ્યવસાયોમાં સફળતાના શિખરે પહોંચી છે, એ બધી સ્ત્રીઓને સન્માનિત કરીને એમને પ્રોત્સાહન આપવાનો અમારો સનિષ્ઠ પ્રયાસ છે, જેથી કરીને એમને વધુ પ્રેરકબળ પ્રાપ્ત થાય, એમનો આત્મવિશ્ર્વાસ વધે અને સ્ત્રીઓ પોતાના ક્ષેત્રમાં વધુને વધુ હરણફાળ ભરે, તેવા ઉદ્દેશ્ય સાથે જ આજકાલ દ્વારા વુમન પાવર એવોર્ડ આપવામાં આવે છે.
રાજકોટમાં તો છેલ્લા પાંચ વર્ષથી આજકાલ દ્વારા વુમન પાવર એવોર્ડ આપવામાં આવી રહ્યા છે, જામનગરમાં પણ સતત બીજા વર્ષે એવોર્ડ આપી રહ્યા છીએ અને એવી ખાતરી આપીએ છીએ કે, મહિલા સન્માનના આ પ્રકારના કાર્યક્રમો આજકાલ દ્વારા સતત થતા રહેશે. ઉપસ્થિત તમામ મહેમાનોનો એમણે આભાર માન્યો હતો.