ધુડસીયા ગામમાં દિવાલ ઘસી પડવાના કારણે મહિલાનો ભોગ લેવાયો

  • April 05, 2025 11:16 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

કાલાવડમાં તરુણીનું બાથરુમમાં ઇલેક્ટ્રીક શોક લાગવાથી મૃત્યુ : ગોકુલનગરમાં યુવતીનો માનસિક બીમારીના કારણે ગળાફાંસો


જામનગર નજીક ધુડસીયા ગામમાં વાડામાં કામ કરતી મહિલા પર વંડાની કાચી દિવાલ પડતા નીચે દબાઇ જવાથી ગંભીર ઇજા થતા તેણીનું સારવારમાં મૃત્યુ નિપજયું છે, જયારે કાલાવડમાં રહેતી તરુણી પોતાના ઘેર બાથરૂમમાં નાહવા માટે ગઈ હતી, જે દરમિયાન વિજઆંચકો લાગ્યો હતો, અને તેણીનું મૃત્યુ નિપજ્યું છે, તેમજ ગોકુલનગર વિસ્તારમાં એક યુવતિએ ગળાફાંસો ખાઇને આયખુ ટુંકાવી લીધું છે.

કાલાવડ તાલુકાના ધુડસીયા ગામમાં રહેતી પુષ્પાબેન રમેશભાઈ ભંડેરી નામની ૪૫ વર્ષની પટેલ મહિલા થોડા દિવસો પહેલા પોતાના મકાનની પાછળ આવેલા ગાયને બાંધવાના વાડામાં કામ કરી રહી હતી, જે દરમિયાન  કાચા બેલાની દીવાલની વંડીનો હિસ્સો પુષ્પાબેન પર ધસી પડ્યો હતો, અને તેણી દિવાલની કાટમાળ નીચે દબાઈ ગઈ હતી. જેમાં તેણીને માથાના ભાગે ગંભીર ઇજા થવાથી સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી, ત્યાં તેણીનું મૃત્યુ નીપજ્યું હોવાનું જાહેર કર્યું હતું. આ બનાવ અંગે રમેશભાઈ ગાંડુભાઇ ભંડેરીએ પોલીસને જાણ કરતાં પંચકોશી એ. ડિવિઝનના પોલીસ હેડ કોન્સ્ટેબલ ડી.એ. રાઠોડ બનાવના સ્થળે તેમજ હોસ્પિટલમાં દોડી ગયા હતા, અને પુષ્પાબેનના મૃતદેહનો કબજો સંભાળી સમગ્ર બનાવ મામલે વધુ તપાસ હાથ ધરી છે.

બીજા બનાવમાં કાલાવડમાં નગરપાલિકાની કચેરીના પાછળના ભાગમાં રહેતી અફરોજાબેન અશરફભાઈ સમા નામની ૧૬ વર્ષની તરુણી ગઈકાલે પોતાના ઘેર બાથરૂમમાં નહાવા માટે ગઈ હતી, જે દરમિયાન તેણીને બાથરૂમમાં એકાએક વીજ આંચકો લાગ્યો હતો, અને તેણી બેશુદ્ધ બની હતી. આથી તેણીને તાત્કાલિક અસરથી સારવાર માટે કાલાવડની સરકારી હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી, જ્યાં ફરજ પરના તબીબે તેણીનું મૃત્યુ નિપજ્યું હોવાનું જાહેર કર્યું હતું.

ત્રીજા બનાવમાં જામનગરમાં ગોકુલનગર નજીક શાયોના શેરીમાં રહેતી દીપ્તિબેન રમેશભાઈ જગતિયા નામની ૩૫ વર્ષની યુવતીએ ગઈકાલે પોતાના ઘેર પંખાના હુકમાં ચુંદડી બાંધી ગળાફાંસા દ્વારા આત્મહત્યા કરી લીધી હતી. આ બનાવ અંગે રમેશભાઈ પાલાભાઈ જગતિયાએ પોલીસને જાણ કરતાં સિટી સી. ડિવિઝનના એ.એસ.આઈ. ડી.જે. જોશી બનાવના સ્થળે દોડી ગયા હતા, અને મૃતદેહનો કબજો સંભાળી વધુ તપાસ હાથ ધરી છે.

પોલીસમાં જાહેર કરાયા અનુસાર દીપ્તિબેન, કે જે છેલ્લા ચાર વર્ષથી માનસિક બીમારી અનુભવતા હતા, અને સતત માથાનો દુખાવો રહેતો હતો. ઉપરાંત પોતે અવાર નવાર મરી જવાની વાતો અને પ્રયત્ન કરતા હતા, દરમિયાન ગઈકાલે તેણે આત્મહત્યા કરી લીધી છે, જે મામલે પોલીસ વધુ તપાસ ચલાવે છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application