ખંભાળિયામાં આવેલા શ્રી સારસ્વત મહાસ્થાનના ઉપક્રમે અત્રેની સારસ્વત બ્રહ્મપુરી ખાતે તાજેતરમાં વસંત પંચમીના પાવન પર્વ નિમિત્તે વિવિધ ધાર્મિક તથા સામાજિક કાર્યક્રમનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું.
જેમાં શ્રી સરસ્વતી માતાજીના પ્રાગટ્ય દિન વસંત પંચમીના આ શુભ દિવસ પ્રસંગે જ્ઞાતિ સંસ્થા દ્વારા અહીંના સરસ્વતી મંદિર ખાતે નૂતન ધ્વજારોહણ તેમજ મહાદેવી હવન કાર્ય યોજવામાં આવ્યો હતો. આ સાથે જ્ઞાતિ વિષયક કાર્યક્રમો તેમજ સમૂહ મહાપ્રસાદનું પણ સુંદર આયોજન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે ખંભાળિયા શહેર ભાજપના નવનિયુક્ત યુવા પ્રમુખ અને સારસ્વત જ્ઞાતિના યુવા સદસ્ય મિલનભાઈ કિરતસાતાનું પણ સન્માન કરાયું હતું. આ આયોજનમાં અહીંના ધારાસભ્ય અને કેબિનેટ મંત્રી મુળુભાઈ બેરા તેમજ જિલ્લા ભાજપ પ્રમુખ મયુરભાઈ ગઢવી ખાસ ઉપસ્થિત રહ્યા હતા.
અહીં જામનગર, રાજકોટ, ભાવનગર, પોરબંદર, વિગેરે સ્થળેથી મોટી સંખ્યામાં સારસ્વત બ્રાહ્મણ જ્ઞાતિજનો પણ ખાસ જોડાયા હતા. ભારતભરના સારસ્વત પરિવારનો જોડતી રાજકોટ જ્ઞાતિ સંસ્થા દ્વારા આયોજિત વેબસાઈટનું લોન્ચિંગ કેબિનેટ મંત્રી મુળુભાઈ બેરાના હસ્તે કરવામાં આવ્યું હતું.
આ સમગ્ર આયોજન જ્ઞાતિજનો માટે આવકારદાયક બની રહ્યું હતું. જેની સફળતા માટે સંસ્થાના પ્રમુખ, હોદ્દેદારો તેમજ તેમની ટીમએ નોંધપાત્ર જહેમત ઉઠાવી હતી.