સૌરાષ્ટ્ર-કચ્છમાં બુધવારથી માવઠાની ચેતવણી: 40થી 50 કિલોમીટરની ઝડપે તોફાની પવન ફુંકાશે

  • March 16, 2026 01:04 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ઉનાળાની સિઝનમાં આગામી બુધવારે સૌરાષ્ટ્ર સહિત રાજ્યના અનેક વિસ્તારોમાં માવઠાની ચેતવણી હવામાન વિભાગ દ્વારા આપવામાં આવી છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ તારીખ 18 ના રોજ બુધવારે સૌરાષ્ટ્રમાં જામનગર, મોરબી, દ્વારકા અને કચ્છ જિલ્લામાં તથા ઉત્તર ગુજરાતમાં સાબરકાંઠા, બનાસકાંઠા, પાટણમાં માવઠા માટેની શક્યતા છે.


બીજા દિવસે તારીખ 19ના ગુરુવારે સૌરાષ્ટ્રમાં રાજકોટ, જામનગર, પોરબંદર, જુનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ અને કચ્છ જિલ્લામાં વરસાદ માટેની ચેતવણી આપવામાં આવી છે. ઉત્તર ગુજરાતમાં સાબરકાંઠા, બનાસકાંઠા, પાટણ ઉપરાંત દક્ષિણ ગુજરાતમાં વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, તાપી જિલ્લામાં પણ માવઠા માટે ચેતવણી આપવામાં આવી છે.


દરમિયાનમાં આજે દીવ, દ્વારકા, પોરબંદર, વેરાવળ સહિત રાજ્યના અનેક શહેરોમાં જાકળ જોવા મળી હતી. દીવમાં 96, દ્વારકામાં 90, કંડલામાં 78, નલિયામાં 84, ઓખામાં 88, પોરબંદરમાં 95, રાજકોટમાં 88 અને વેરાવળમાં 95% ભેજ સવારે નોંધાયું છે. ગરમીની વાત કરીએ તો રવિવારે રાજકોટમાં 39.2, ભુજમાં 38, કંડલામાં 34.8, નલિયામાં 36.4, ઓખામાં 31.2, પોરબંદરમાં 32.9, વેરાવળમાં 31.2, ભાવનગરમાં 35.3 ડિગ્રી મહત્તમ તાપમાન નોંધાયું હતું.


ગુજરાતની માફક દેશના મોટાભાગના રાજ્યોમાં જાણે ચોમાસાની સિઝન શરૂ થઈ હોય તેમ તોફાની પવન સાથે વરસાદ શરૂ થઈ ગયો છે. નોર્થ ઈસ્ટના રાજ્યો આસામ મેઘાલય અરુણાચલ દક્ષિણના રાજ્યો તામિલનાડુ કેરલા લક્ષદીપમા વરસાદ શરૂ થઈ ગયો છે અને આગામી તારીખ 19 સુધી વરસાદ માટેની આગાહી કરવામાં આવી છે.

સમગ્ર નોર્થ ઈસ્ટને અસર કરે એવું એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ કાલે ઉદભવશે અને તેના કારણે વરસાદની માત્રા અને વ્યાપમાં દેશના અનેક રાજ્યોમાં વધારો થશે. આ ઉપરાંત અરબી સમુદ્રમાં સાઉથ ઇસ્ટ દિશામાં લક્ષદ્વીપ નજીક અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સર્જાયું છે અને તેના કારણે પણ વરસાદ માટે આગાહી કરવામાં આવી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application