જોડીયાના તારાણા સીમમાં લુંટ, મર્ડરમાં બે શખ્સો ઝડપાયા

  • April 23, 2024 02:22 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

એલસીબીએ ભેદ ઉકેલ્યો : 3 લુંટ-વાહનચોરી કયર્નિી કબુલાત

જોડીયા પંથકમાં પાંચ દિવસ પહેલાં એક વેપારીની લૂંટ-ચોરીના ઈરાદે હત્યા કરાઈ હતી, જે બનાવનો ભેદ એલસીબીની ટુકડીએ તપાસના અંતે ઉકેલી નાખ્યો છે, અને જામનગરના બે શખ્સોની અટકાયત કરી તેઓ પાસેથી ચોરાઉ બાઇક, રોકડ રકમ અને મોબાઈલ સહિતનો મુદામાલ કબજે કર્યો છે. બંને હત્યારાઓ ચોરી કરવાના ઇરાદે દુકાનમાં ઘૂસ્યા હતા, દરમિયાન વેપારી જાગી જતાં તેની હત્યા કરી નાખ્યાની તેમજ અન્ય બે લુંટ અને એક વાહન ચોરીની પણ કબુલાત આપી છે.

જોડિયા તાલુકાના તારાણાં ધાર વિસ્તારમાં રહેતા ભુપેન્દ્રસિંહ નિમુભા જાડેજા નામના 40 વર્ષના યુવાનની ગત 18.4.2024 ના હત્યા થઈ હતી. જે બનાવાની મૃતકના ભાઈ જગુભા નિમુભા જાડેજાએ અજાણ્યા શખ્સો સામે ફરિયાદ નોંધાવી હતી, અને જોડિયા પોલીસે હત્યા અંગે નો ગુનો નોંધ્યો હતો.

જે પ્રકરણમાં એલસીબી ની ટુકડીએ તપાસમાં ઝુકાવ્યું હતું. એલસીબીની તપાસ દરમિયાન કેટલાક સીસીટીવી કેમેરાઓના ફૂટેજ નિહાળ્યા પછી ડબલ સવારી બાઇકમાં બે શખ્સો આવ્યા હોવાનું અને તેના દ્વારા જ ચોરી-લૂંટ અને હત્યા કરવામાં આવી હોવાનું અનુમાન લગાવી તપાસનો દોર આગળ ધપાવ્યો હતો.

જીલ્લા પોલીસવડા પ્રેમસુખ ડેલુ, ગ્રામ્ય ડીવાયએસપી આર.બી. દેવધાના માર્ગદર્શન હેઠળ એલસીબી પીઆઇ વી.એમ. લગારીયાએ અનડીટેકટ ગુનો શોધી કાઢવા સુચના કરતા એલસીબીના પીએસઆઇ આર.કે. કરમટા તથા પીએસઆઇ પી.એન. મોરી, જોડીયાના પીએસઆઇ ઝાલા તથા સ્ટાફ જરી વર્કઆઉટ કરી આ દીશામાં કાર્યરત હતા. દરમ્યાન એલસીબીના કાસમભાઇ બ્લોચ, ક્રિપાલસિંહ જાડેજા, મયુદીનભાઇ સૈયદ તથા કલ્પેશભાઇ મૈયડને ખાનગી રાહે હકીકત મળેલ કે આ ગુનામાં સંડોવાયેલ બે શખ્સો હાલ જામનગર-રાજકોટ હાઇવે રોડ પર ધુંવાવ રોડ પર અન્ય ગુનાને અંજામ આપવા માટે મોટરસાયકલ લઇને ઉભા છે. જે હકીકત આધારે પોલીસ ટુકડી દોડી ગઇ હતી.

જામનગરમાં ધરારનગર -1માં રહેતા અસલમ ફરીદ કકકલ અને મચ્છર નગરમાં રહેતા જતીન અશોક ભટ્ટીની અટકાયત કરી લીધી છે. જેઓની પૂછપરછ દરમિયાન તેમણે ઉપરોક્ત હત્યાની ઘટનાને અંજામ આપ્યાની કબુલાત આપી હતી.
પોલીસ પૂછપરછ દરમિયાન તેઓ બનાવના સમયે મોમાઈ કૃપા નામની દુકાનમાં ચોરીના ઇરાદે ઘુસ્યા હતા, ત્યારે અવાજ થતાં મોડી રાત્રે વેપારી જાગી ગયા હતા, અને બંને તસ્કરોને પડકારતાં તેઓએ તિક્ષણ હથિયાર પડે હુમલો કરી હત્યા નિપજાવ્યાનું  અને મરનારના ખિસ્સામાંથી તેમજ દુકાનમાંથી કુલ 2200 રૂપિયાની રોકડ રકમની લૂંટ ચલાવી ભગી છૂટયા હોવાનું કબૂલી લીધું હતું.

જેથી એલસીબીની ટીમે રૂપિયા 2,200ની રોકડ રકમ, બે મોબાઈલ ફોન તેમજ જે બાઈકમાં આવ્યા હતા તે બાઈક કબજે કરી લીધું હતું. બંને આરોપીઓનો કબજો જોડીયા પોલીસને સોંપી દેવાયો છે.

આરોપીઓની તપાસ દરમ્યાન જોડીયાના ઉપરોકત લુંટ વીથ મર્ડર તથા જામનગર સીટી-એ ડીવીઝન અને સીટી-સી ડીવીઝનના લુંટના ગુના તેમજ રાજકોટ સીટી-એ ડીવીઝનનો મોટરસાયકલ ચોરીનો ગુનો ડીટેકટ થયો છે. આરોપી અસલમ કકકલ સામે જામનગર સીટીના 2 ગુના અને 1 જામનગર રેલ્વે પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો છે, જયારે જતીન ભટ્ટી સામે સીટી-બીમાં 1 ગુનો દાખલ થયો હતો. બંને આરોપીઓને રીમાન્ડ પર લેવા માટે આગળની કાર્યવાહી જોડીયા પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application