૩૦ હજારની રોકડ કબજે : યુવતિની તલાશ
જામનગરના એક રીક્ષા ચાલક યુવાનના લૂંટેરી દુલ્હન અંગેના ચકચારી પ્રકરણમાં લગ્ન કરાવી આપનાર જામનગરના એક શખ્સ અને કાલાવડની એક મહિલા સહિત બેની પોલીસ દ્વારા અટકાયત કરી હતી અને રોકડ કબજે લેવામાં આવી છે જયારે મહરાષ્ટ્રની યુવતિની શોધખોળ હાથ ધરી છે.
જામનગરમાં બેડી વિસ્તારમાં એકડેએક બાપુની દરગાહ પાસે રહેતા અને રીક્ષા ચલાવતા ખીમજીભાઈ બુધાભાઈ મકવાણા નામના ૩૯ વર્ષના યુવાન કે જેના મહારાષ્ટ્ર ની એક યુવતી સાથે લગ્ન કરાવી આપવા માટે ૧.૮૦ લાખમાં સોદો થયો હતો. અને જામનગરમાં લાલખાણ વિસ્તારમાં રહેતા યુનુસભાઈ ગનીભાઈ મન્સૂરી અને કાલાવડના પંજેતન નગરમાં રહેતી મુમતાજબેન અજીજ ગોધવીયા નામની મહિલાએ મહારાષ્ટ્રના આકોલાની રોહિણી મોહનભાઈ હિંગલે સાથે કોર્ટ મેરેજ કરાવી દીધા હતા, અને તે જ દિવસે રોહિણીને દોઢ લાખ રૂપિયા જ્યારે મુમતાજ બેન અને યુનુસ ભાઈ ને પંદર પંદર રૂપિયા આપ્યા હતા.
ત્યારબાદ જામનગર પરત ફર્યા હતા. ૧૮મી તારીખે રોહિણી મંગળસૂત્ર લેવા માટે જામનગરના દરબારગઢ વિસ્તારમાં ખરીદી કરવાના બહાને રફુચક્કર થઈ ગઈ હતી, અને આખરે ત્રણેય સામે પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી હતી.
જે પ્રકરણમાં સીટી એ. ડિવિઝનના પી.આઇ. એન.એ. ચાવડાના માર્ગદર્શન હેઠળ દરબારગઢ પોલીસ ચોકીના પી.એસ.આઇ. ડી.જી. રામાનુજ વગેરેએ જામનગરના વચેટીયા આરોપી યુનુશ મન્સૂરી ઉપરાંત કાલાવડની મુમતાજબેનને જામનગર બોલાવી અટકાયત કરી લીધી છે, અને બન્ને પાસેથી પંદર પંદર હજાર મળી કુલ ૩૦,૦૦૦ની રોકડ કબજે કરી છે. ઉપરાંત પોલીસ ટુકડીએ લૂંટેરી દુલહનને શોધવા માટે તપાસનો દોર મહારાષ્ટ્ર સુધી લંબાવ્યો છે.