જામનગરમાં લીફટમાં ફસાઇ જતા તરૂણનું કરૂણ મૃત્યુ

  • April 27, 2024 11:21 AM 

રણજીતનગર પટેલ સમાજની માલવાહક લીફટમાં બનેલો બનાવ : પરિવારમાં ભારે ગમગીની : ફાયર બ્રિગેડન ટીમે ભારે જહેમત બાદ તણને બહાર કાઢયો


જામનગરના રણજીતનગર વિસ્તારમાં આવેલ પટેલ સમાજમાં ગઇકાલે એક પ્રસંગમાં કેટરર્સનો સામાન લીફટમાં હેરફેર કરવામાં આવી રહયો હતો એ દરમ્યાન કેટરર્સમાં કામ કરતા એક તરૂણનું લીફટમાં ફસાઇ જવાથી કરૂણ મૃત્યુ નિપજતા ઘેરા શોકની લાગણી ફેલાઇ હતી. બનાવ અંગે ફાયર બ્રિગેડને જાણ થતા તાકીદે ટુકડી પહોંચી હતી અને ભારે જહમેત બાદ તરૂણને બહાર કઢાયો હતો, જો કે મૃત્યુને ભેટયાનું સામે આવતા પરિવારજનોમાં માતમ છવાયો હતો.


જાણવા મળતી વિગત મુજબ જામનગરના બેડી ગામમાં રહેતા તૌસીબ અહેમદભાઇ મકવાણા (ઉ.વ.13) નામનો તરૂણ ગઇકાલે કેટરર્સનું કામ કરવા માટે રણજીતનગરમાં પટેલ સમાજે ગયો હતો, જયાં સાંજના સુમારે એક પ્રસંગ હતો અને સમાજના રસોડાની પાસે આવેલી માલસામાન ચડાવવાની ખુલ્લી લીફટમાં તૌસીબ સામાન હેરફેર કરવા માટે બીજા માળેથી ત્રીજા માળે કેટરીંગનો સામાન ચડાવતી વેળાએ અકસ્માતે લીફટમાં ફસાઇ જવાથી માથાના ભાગે ગંભીર ઇજા થવાથી તેનું મૃત્યુ નિપજયુ હતું.


આ બનાવ અંગે બેડીમાં રહેતા અબ્બાસ હુશેનભાઇ મકવાણાએ ગઇ મોડી સાંજે સીટી-એ ડીવીઝનમાં જાણ કરી હતી, જેના આધારે પીએસઆઇ જાડેજા દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.


વધુમાં મળેલી વિગત મુજબ પટેલ સમાજમાં ગઇ સાંજે એક પ્રસંગ હતો જેમાં કેટરીંગનું કામ ચાલી રહયુ હતું, મૃતક તરૂણ તૌસીબ મકવાણા કેટરીંગમાં સર્વિસ બોય તરીકે કામ કરતો હતો અને બનાવ બન્યો હતો, લીફટમાં ફસાઇ ગયાનું બહાર આવતા તાકીદે ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી અને તુરંત ટુકડી સ્થળ પર દોડી ગઇ હતી, ભારે જહેમત બાદ તરૂણને બહાર કાઢયો હતો, જો કે તેનું મૃત્યુ થયાનું બહાર આવતા શોકની લાગણી ફેલાઇ ગઇ હત, જાળી અને એન્ગલ વચ્ચે ફસાઇ જવાથી ગંભીર ઇજા સબબ મૃત્યુ થયુ હતું. જેથી ભારે કરૂણ દ્રશ્યો સર્જાયા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application