હળવદના નવા સાદુળકા ગામે કાળમુખી ઘટના: ખેત તલાવડીમાં ડૂબી જવાથી બાળક સહિત ત્રણ માલધારીઓના કરુણ મોત

  • May 13, 2026 04:52 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

મોરબી જિલ્લાના હળવદ તાલુકાના નવા સાદુળકા ગામે આજે એક અત્યંત હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. ગામના સીમ વિસ્તારમાં આવેલી એક ખેત તલાવડીમાં ડૂબી જવાથી ૧૧ વર્ષના બાળક સહિત કુલ ત્રણ વ્યક્તિઓના કરુણ મોત નિપજ્યા છે. આ ઘટનાને પગલે સમગ્ર માલધારી સમાજ અને પંથકમાં ભારે અરેરાટી સાથે શોકની કાલિમા છવાઈ ગઈ છે.


બાળકને બચાવવા જતાં સર્જાયો કરુણાંતિકા

ઘટનાની વિગત મુજબ, નવા સાદુળકા ગામના ચાર માલધારીઓ સીમમાં ઘેટાં-બકરા ચરાવવા માટે ગયા હતા. આ દરમિયાન ગામ નજીક આવેલી ખેત તલાવડી પાસે રમત-રમતમાં કે અગમ્ય કારણોસર ૧૧ વર્ષીય બાળક અચાનક પાણીમાં ખાબક્યો હતો. બાળકને ડૂબતો જોઈ તેને બચાવવા માટે સાથે રહેલા અન્ય બે યુવાનોએ પણ વિચાર્યા વગર તલાવડીમાં ઝંપલાવ્યું હતું. જોકે, કમનસીબે પાણી ઊંડું હોવાને કારણે બાળકને બચાવવા ગયેલા બંને યુવાનો પણ પાણીમાં ગરકાવ થઈ ગયા હતા અને ત્રણેયના મોત નિપજ્યા હતા.


મૃતકોની ઓળખ અને પોલીસ કાર્યવાહી

આ દુર્ઘટનામાં જીવ ગુમાવનારાઓમાં ૨૮ વર્ષીય હાથાભાઈ કુંજાભાઈ રાતડિયા, ૩૧ વર્ષીય કાળુભાઈ ગીગુભાઇ ભરવાડ અને ૧૧ વર્ષીય બાળક જયદેવ સોંડાભાઈ રાતડીયાનો સમાવેશ થાય છે. ઘટનાની જાણ થતા જ આસપાસના લોકો અને ફાયર વિભાગની ટીમ સ્થળ પર દોડી આવી હતી. ફાયર વિભાગે ભારે જહેમત બાદ ત્રણેય મૃતદેહોને તલાવડીમાંથી બહાર કાઢ્યા હતા. ત્યારબાદ પોલીસે તમામ મૃતદેહોને પોસ્ટમોર્ટમ અર્થે મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડી આગળની કાયદેસરની તપાસ હાથ ધરી છે. એકસાથે ત્રણ-ત્રણ આશાસ્પદ વ્યક્તિઓના મોતથી રાતડિયા અને ભરવાડ પરિવાર પર આભ તૂટી પડ્યું છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application