ભારતનેટ હેઠળ જોડાયેલી ગ્રામ પંચાયતોની સંખ્યા 10 વર્ષમાં 58થી વધીને 2.10 લાખ

  • February 12, 2024 10:39 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

તમામ વસવાટ ધરાવતાં ગામડાંને ભારતનેટ પ્રોગ્રામમાં જોડવા માટે રૂ. 1.88 લાખ કરોડના ખર્ચની જોગવાઈ


ભારતનેટ હેઠળ જોડાયેલી ગ્રામ પંચાયતોની સંખ્યા મે 2014માં 58 હતી, જે વધીને ડિસેમ્બર 2023 સુધીમાં 2.10 લાખ થઈ ગઈ છે. તાજેતરમાં, સરકારે 1.88 લાખ કરોડ રૂપિયાના ખર્ચે તમામ વસવાટ ધરાવતા ગામોને આવરી લેવા માટે ભારતનેટ પ્રોગ્રામમાં સુધારો કર્યો છે. કેન્દ્રીય સંચાર રાજ્ય મંત્રી શ્રી દેવુસિંહ ચૌહાણે રાજ્યસભામાં 9 ફેબ્રુઆરી, 2024 ના રોજ સાંસદ શ્રી પરિમલ નથવાણી દ્વારા પૂછવામાં આવેલા પ્રશ્નનો જવાબમાં આ માહિતી પૂરી પાડી હતી.


મંત્રીશ્રીના નિવેદનમાં જણાવવામાં આવ્યું છે કે ભારતમાં 5G સેવાઓ 1લી ઓક્ટોબર 2022ના રોજ શરૂ કરવામાં આવી હતી અને 14 મહિનાના ગાળામાં 742 જિલ્લાઓમાં 4.2 લાખથી વધુ 5G સાઇટ્સ કનેક્ટિવિટી પૂરી પાડી રહી છે. આ વિશ્વમાં 5Gનું આ સૌથી ઝડપી રોલ-આઉટ છે.


મંત્રીશ્રીએ જણાવ્યું કે ટેલિકોમ કનેક્ટિવિટીને વધુ બહેતર બનાવવા માટે, લગભગ 55 હજાર ગામડાંને 4G કનેક્ટિવિટી પૂરી પાડવા માટે 41,331 કરોડ રૂપિયાના ખર્ચ સાથે કુલ 41,160 મોબાઈલ ટાવરને મંજૂરી આપવામાં આવી છે.


મંત્રીશ્રીના નિવેદન અનુસાર, બેઝ ટ્રાન્સસીવર સ્ટેશનોની સંખ્યા મે 2014માં 6.49 લાખથી વધીને ડિસેમ્બર 2023માં 28 લાખ થઈ ગઈ છે, જ્યારે પાથરવામાં આવેલા ઓપ્ટિકલ ફાઈબર લંબાઈ 10.62 લાખ કિલોમીટરથી વધીને 88.12 લાખ કિલોમીટર થઈ ગઈ છે. 2014માં ઈન્ટરનેટ વપરાશકારોની સંખ્યા 25.15 કરોડ હતી, જે 2023માં વધીને 88.12 કરોડ થઈ ગઈ છે, જ્યારે સમાન સમયગાળા દરમિયાન સરેરાશ ઈન્ટરનેટ સ્પીડ 1.3 Mbps થી વધીને 75.8 Mbps થઈ ગઈ છે. ડેટાની કિંમત જે 2014માં રૂ. 269 પ્રતિ જીબી હતી, તે 2023માં ઘટીને રૂ. 9.94 પ્રતિ જીબી થઈ ગઈ છે.


મંત્રીશ્રીના નિવેદન મુજબ, ભારતનેટ નેટવર્કને અપગ્રેડ કરવા, ભારતનેટ ઉદ્યમીઓ એટલે ગ્રામ્ય સ્તરના સાહસિકો દ્વારા નેટવર્કના ઉપયોગ પર ધ્યાન કેન્દ્રિત કરવા, સમગ્ર નેટવર્કનું સંચાલન અને જાળવણી કરવા, સમર્પિત નેટવર્ક ઓપરેશન સેન્ટર માટે, તમામ વસવાટવાળા ગામોને જોડવા અને 1.5 કરોડ હોમ ફાઈબર કનેક્શન આપવા માટે સરકારે હાલના ભારતનેટ પ્રોગ્રામમાં સુધારો કર્યો છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application