↵
મુંબઈમાં શહેરમાં પહેલીવાર સંસ્થાનો ગુજરાતી કાર્યક્રમઃ ખીચોખીચ ભરાયેલા સભાગૃહમાં મહાનુભાવોની ઉપસ્થિતિ વચ્ચે મુશાયરો અને સંગીતોત્સવ યોજાયો
લબ્ધ પ્રતિષ્ઠિત સંસ્થા રેખ્તા ફાઉન્ડેશને મુંબઈમાં જાન્યુઆરી 11, 2025ને શનિવારના રોજ એનો પ્રથમ ગુજરાતી કાર્યક્રમ 'ગુજરાતી ઉત્સવ' યોજ્યો હતો. ચોપાટી સ્થિત ભારતીય વિદ્યા ભવનમાં, ખીચોખીચ સભાગૃહમાં, મહાનુભાવોની ઉપસ્થિતિમાં એમાં મુશાયરામાં ગઝલ-ગીતની તો સંગીતસંધ્યામાં વૈવિધ્યસભર ગીત-સંગીતની મહેફિલ જામી હતી.
કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે સૉલિસિટર જનરલ ઑફ ઇન્ડિયા તુષાર મહેતા અને અતિથિ વિશેષ તરીકે રાજ્યસભાના સંસદસભ્ય અને રિલાયન્સ ગ્રુપ ઑફ ઇન્ડસ્ટ્રીઝના ડિરેક્ટર (કૉર્પોરેટ અફેર્સ) પરિમલ નથવાણી હતા. જાણીતાં અભિનેત્રી સરિતા જોશીએ ગુજરાતી ભાષાવૈભવને બિરદાવતી પંક્તિઓ રજૂ કરવા સાથે આપણી ભાષાસમૃદ્ધિ અને ગરિમાને વંદન કર્યાં હતાં. તેઓએ રેખ્તા ગુજરાતીનાં કાર્યોની મુક્ત કંઠે સરાહના કરી હતી. તેઓએ પુરુષોત્તમભાઈએ સ્વરબદ્ધ કરેલી અને લતા મંગેશકરે ગાયેલા ગીત, નહીં બોલું રેની પંક્તિઓ પણ રજૂ કરી હતી. રેખ્તા ફાઉન્ડેશનના સલાહકાર અને સંપાદક ઉદયન ઠક્કરે અતિથિઓનું સ્વાગત કર્યું હતું.
યોગાનુંયોગે, મુંબઈમાં રેખ્તા ગુજરાતીના પ્રથમ કાર્યક્રમના દિવસે સ્વર્ગસ્થ પદ્મશ્રી પુરુષોત્તમ ઉપાધ્યાયના અવસાનને એક મહિનો થયો હતો. તેઓને યાદ કરતાં સંસ્થાએ ઉત્સવ એમને સમર્પિત કર્યો હતો.
રેખ્તાના સ્થાપક સંજીવ સરાફે રેખ્તા ગુજરાતીની પૂર્વભૂમિકા અને એના ઉદ્દેશોની વાત કરતાં જણાવ્યું હતું, “બાર વરસ પહેલાં અમે ઉર્દૂ ભાષા અને સાહિત્ય માટે રેખ્તાની શરૂઆત કરી હતી. આજે રેખ્તા ભાષાવિકાસ માટે આંદોલન બન્યું છે. આ સફળતાએ અમને પ્રોત્સાહિત કર્યા કે અન્ય ભારતીય ભાષાઓ માટે કાર્ય કરીએ. એથી અમે સૂફી પરંપરાની અને, હિન્દી અને રાજસ્થાની ભાષાની વેબસાઇટ કરી. રેખ્તા ગુજરાતી પણ આ દિશામાં જ એક પગલું છે. તુષારભાઈ મહેતાના ગુજરાતી ભાષા-સાહિત્યના લગાવ અને પ્રોત્સાહનને કારણે અમે શરૂઆત કરી શક્યા છીએ. અમારો પ્રયાસ છે કે અમે ગુજરાતી ભાષા-સાહિત્યને નગરેનગરે પહોંચાડીએ."
તુષાર મહેતાએ મુંબઈને ગુજરાતી સાહિત્યની અસલી રાજધાનીની ઉપમા આપી હતી. તેઓએ રેખ્તાના ઉદ્દેશની વાતો મમળાવી હતી. સાથે, ગુજરાતી ભાષાને આંતરરાષ્ટ્રીય સ્તરે પહોંચાડવા રેખ્તાનાં કાર્યોની મહત્તા નોંધી હતી. તેઓએ કહ્યું હતું, "આપણે કદાચ નવી પેઢીને ગુજરાતી વાંચતા અને લખતા શીખવ્યું પણ માણતા શીખવવાનું ભૂલી ગયા છીએ. એ અવકાશ પૂરવાનું કામ રેખ્તા કરી રહ્યું છે. એ શીખવવા માટે રેખ્તા વિશ્વનું શ્રેષ્ઠ પ્લેટફોર્મ છે. શેક્સપિયર અને તુલસીદાસ સાંપ્રત હતા છતાં, એકને આખી દુનિયા ઓળખે છે અને તુલસીદાસને માત્ર મર્યાદિત લોકો. બંગાળી સાહિત્યકાર શરદબાબુને પણ દુનિયા ઓળખે છે પણ આપણા શ્રેષ્ઠ સાહિત્યસર્જકોને નહીં. આપણા સર્વોત્તમ સાહિત્યનો પણ ઉત્તમ અનુવાદ થયો હોત તો આજે નર્મદને આખી દુનિયા ઓળખતી હોત. આપણે જે કરવામાં નિષ્ફળ ગયા છીએ એ કાર્ય કરવાને રેખ્તા સક્ષમ પણ છે અને સચોટ મંચ પણ. નર્મદને નવી પેઢી સુધી લઈ જવાની સેવા રેખ્તા કરી રહ્યું છે."
કાર્યક્રમના પૂર્વાર્ધમાં એ પછી મુશાયરો યોજાયો હતો. એમાં રાજેશ વ્યાસ ‘મિસ્કિન’, ભાવેશ ભટ્ટ, કૃષ્ણ દવે, હેમેન શાહ, સંજુ વાળા, મુકેશ જોશી અને હર્ષવી પટેલ જેવી પ્રતિભાઓએ પ્રેક્ષકોને ગઝલ-ગીતની અસરકારક રજૂઆતથી અભિભૂત કર્યા હતા. સર્જકોની ચૂંટેલી પંક્તિઓ આ અખબારી યાદીના અંતે આપી છે.
મધ્યાંતર પછી પ્રફુલ દવે અને હાર્દિક દવેએ ગુજરાતી ગીત-સંગીતની રજૂઆતથી અલગ વિશ્વ સર્જ્યું હતું. એમાં જાણીતાં ગીતો સહિત ઓછાં જાણીતાં પણ અજરામર ગીતોની પેશકશ કરવામાં આવી હતી.
કાર્યક્રમનું સંચાલન જાણીતા સાહિત્યકાર અંકિત ત્રિવેદીએ એમની આગવી શૈલીમાં કરીને કાર્યક્રમને આગવો આયામ આપ્યો હતો.
રેખ્તા ગુજરાતીનો આગામી કાર્યક્રમ 19 જાન્યુઆરીએ ભાવનગરમાં યોજાશે.
રેખ્તા ગુજરાતી ઉત્સવના મુશાયરામાં સર્જકોએ રજૂ કરેલી કૃતિઓની ચૂંટેલી પંક્તિઓઃ
જે કરવાનાં હતાં જ નહીં એ કામ કર્યાની માથાકૂટ છે,
મોરપિચ્છને હડસેલીને મુકુટ ધર્યાની માથાકૂટ છે.
- કૃષ્ણ દવે
ઓરડામાં એકાદ ચિત્ર હોય પૂરતું છે
જીવનમાં એક સરસ મિત્ર હોય પૂરતું છે
મિલાવ હાથ ભલે સાવ મેલોઘેલો છે
હૃદયથી આદમી પવિત્ર હોય પૂરતું છે
કાચો છું તો સમજણ આપ
કાં તો પાછું બચપણ આપ
- રાજેશ વ્યાસ 'મિસ્કિન'
ભલેને હોય કાંટાળો કશેક લઈ જાય છે રસ્તો
ભલેને હોય સોનાની છતાં સાંકળ તો સાંકળ છે
- હર્ષવી પટેલ
બે જણ ઊભા સામા...
સામે દૃષ્ટિ એવી દ્રશ્યો મળશે
તમને લાગે ઝઘડી પડશે
અમને લાગે ભેટી પડશે
- મુકેશ જોષી
મંચ પરથી નીચે ઊતરવું તો
ખૂબ કપરું ચઢાણ છે મિત્રો
- ભાવેશ ભટ્ટ
હોય ભાષા, બીજું શું? કે બસ મૂળમાં,
માત્ર વર્ષોથી સ્થિર એક બારાખડી,
રામ જાણે કદી સ્પર્શ કોનો થશે?
કાવ્યપંક્તિ થવા રાહ જોવી પડે!
- હેમેન શાહ
આજે સ્હેજ છાતીની અંદર શું દુ:ખે છે
એને જાણી લેવાનું મન થઈ આવ્યું છે
એ કારણસર છાતી ઉપર થોડો ચંચુપાત કરું
તો તમને એમાં વાંધો છે કંઈ?
- સંજુ વાળા
રેખ્તા ગુજરાતી વિશે:
નોન-પ્રોફિટ સંસ્થા રેખ્તા ફાઉન્ડેશનની સ્થાપના 2012માં થઈ હતી. રેખ્તા ભારતીય ઉપખંડનાં ભાષા-સાહિત્યના સંવર્ધન અને એની સંસ્કૃતિના જતન માટે પ્રતિબદ્ધિત છે. સાંસ્કૃતિક સંવેદનશીલતાનો સાંપ્રત સમયમાં પુનરુદ્ધાર કરવાના લક્ષ્યમાં રેખ્તા ફાઉન્ડેશન ઉદ્દીપકની ભૂમિકા ભજવે છે. ઉર્દૂ ઉપરાંત હિન્દી, સૂફી અને રાજસ્થાની સાહિત્યમાં રેખ્તા ફાઉન્ડેશન નોંધનીય યોગદાન આપે છે.
રેખ્તાની વેબસાઇટ વિશ્વમાં ઉર્દૂ કવિતાઓ અને ઇ-બુક્સનો સૌથી મોટો સંગ્રહ ધરાવે છે. વિશ્વના 160થી વધુ દેશોમાં આ વેબસાઇટ પર ઉપલબ્ધ સાહિત્યને લોકો માણે છે. ત્રિભાષીય શબ્દકોશ અને ઉર્દૂ શીખવા માટે ઓનલાઇન કોર્સ રેખ્તાની વેબસાઇટ પર છે. ઉર્દૂ ભાષાનો ઉત્સવ મનાવતો રેખ્તાનો ત્રિદિવસીય કાર્યક્રમ જશ્ન-એ-રેખ્તા વિશ્વમાં કોઈ ભાષા માટે થતો સૌથી મોટો કાર્યક્રમ છે, જેમાં બે લાખથી વધુ લોકોએ ઉર્દૂ ભાષાની ગરિમા અને એના વૈભવને માણ્યો છે. 2023-24માં હિન્દવી ઉત્સવ, જશ્ન-એ-રેખ્તા લંડન, જશ્ન-એ-રેખ્તા ઇન્ડિયા, જશ્ન-એ-રેખ્તા દુબઈ સહિત રેખ્તા ગુજરાતીના પ્રારંભ સહિત, બાળકોને ગુજરાતી શીખવામાં ઉપયોગી એવી રેખ્તા કિડ્ઝ એપની શરૂઆત સંસ્થાના અમુક મહત્ત્વનાં કાર્યો રહ્યાં હતાં. ગુજરાતનાં ઐતિહાસિક પુસ્તકાલયોને ડિજિટાઇઝ્ડ કરવાનું કામ પણ રેખ્તા ગુજરાતી કરે છે. આ અંતર્ગત અમદાવાદના ભારતીય વિદ્યાભવન, નડિયાદના અ. સૌ. ડાહીલક્ષ્મી પુસ્તકાલય અને નવસારીના સયાજી વૈભવ પુસ્તકાલયનાં પુસ્તકોનું ડિજિટાઇઝેશન હાલમાં થઈ રહ્યું છે.
રેખ્તા ગુજરાતીનો મુખ્ય હેતુ ગુજરાતી ભાષા, સાહિત્ય અને સંસ્કૃતિને પ્રોત્સાહિત કરવાનો છે. એનો શુભારંભ 20 માર્ચ, 2024ના રોજ અમદાવાદમાં મોરારિ બાપુ, તુષાર મહેતા, પરેશ રાવલ અને રઘુવીર ચૌધરીની ઉપસ્થિતિમાં થયો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On ApplicationVideo: પહલગામ આતંકવાદી હુમલાના ભોગ બનેલા લોકોના પાર્થિવ દેહ અમદાવાદ એરપોર્ટ પર પહોંચ્યા
April 23, 2025 10:23 PMરાજકોટ SOGની મોટી કાર્યવાહી, 12.89 લાખનું MD ડ્રગ્સ સાથે રાણાવાવનો મુસ્તાક ઝડપાયો
April 23, 2025 09:11 PMગુજરાત મહેસુલ પંચમાં IAS કમલ શાહની નિવૃત્તિ બાદ નિમણૂક, 3 વર્ષનો કાર્યકાળ
April 23, 2025 08:53 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech