લગ્ન ન થતા હોવાથી સુરજકરાડી યુવાને ટ્રેન હેઠળ આપઘાત કર્યો

  • July 29, 2024 10:59 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ઓખા મંડળના સુરજકરાડી વિસ્તારમાં રહેતા સંજયભાઈ દેવાભાઈ વેગડા નામના 28 વર્ષના યુવાન કે જેની લગ્ન કરવાની ઉંમર થઈ ચૂકી હોય અને તેમની સગાઈ કે લગ્ન થતા ન હોવાથી તે છેલ્લા કેટલાક દિવસોથી ગુમસૂમ રહેતો હતો. આ પરિસ્થિતિમાં તેમણે રવિવારે મીઠાપુર નજીકના સુરજકરાડી પાસેથી પસાર થતી ઓખા-અમદાવાદ વંદે ભારત ટ્રેન હેઠળ ઝંપલાવી દેતા તેમનું ઈજાગ્રસ્ત હાલતમાં મૃત્યુ નીપજ્યું હતું. આ બનાવ અંગેની જાણ મૃતકના મોટાભાઈ અમિતભાઈ દેવાભાઈ વેગડા (ઉ.વ. 30) એ મીઠાપુર પોલીસને કરી છે.


દુખાવાથી કંટાળીને સણખલાના યુવાને ઝેર પીધું: મૃત્યુ


ભાણવડ તાબેના સણખલા ગામે રહેતા ભાવેશભાઈ ભીખુભાઈ લુદરીયા નામના 22 વર્ષના યુવાનને છેલ્લા આશરે છએક માસથી દાઢનો દુઃખાવો રહેતો હોય, આ દુખાવો તેમનાથી સહન થતો ન હોવાથી કંટાળીને તેમણે પોતાના હાથે ઝેરી દવા પી લેતા તેમનું મૃત્યુ નીપજ્યું હતું. જે અંગેની જાણ મૃતકના પિતા ભીખુભાઈ નાથાભાઈ (ઉ.વ. 45)એ સ્થાનિક પોલીસને કરી છે.


ચિંતાગ્રસ્ત હાલતમાં મોડપરના મહિલાએ ઝેરી દવા પીધી

ભાણવડ નજીક આવેલા મોડપર ગામે રહેતા મંજુબેન સામતભાઈ વારંગીયા નામના 53 વર્ષના મહિલાને બી.પી.ની બીમારી હોય, તેની ચિંતામાં તેમણે ઝેરી દવા પી લેતા તેમનું મૃત્યુ નીપજ્યું હોવાની જાણ મૃતકના પુત્ર જગદીશભાઈએ સ્થાનિક પોલીસને કરી છે.


ચાંદવડના વૃદ્ધને હૃદયરોગનો જીવલેણ હુમલો

ભાણવડથી આશરે 20 કિલોમીટર દૂર આવેલા ચાંદવડ ગામે રહેતા લખમણભાઈ ભીખાભાઈ ચુડાસમા નામના 68 વર્ષના આહિર વૃદ્ધને તા. 27 મીના રોજ પોતાના ઘરે રાત્રીના સમયે હૃદયરોગનો ઘાતક હુમલો આવી જતા તેમનું મૃત્યુ નિપજ્યું હતું.


માલ-ઢોર ચરાવવાની ના પાડતાં વરવાળામાં વિપ્ર યુવાન પર ધોકા વડે હુમલો

ઓખા મંડળના વરવાળા ગામે રહેતા સાગરભાઈ રાજેન્દ્રભાઈ ત્રિવેદી નામના 40 વર્ષના વિપ્ર યુવાનના માતાની માલિકીની વાડીમાં અપપ્રવેશ કરી, આ જ ગામના ગજુ રબારી નામના શખ્સ દ્વારા પોતાના માલઢોર ચરાવવામાં આવતા હોવાથી ફરિયાદી સાગરભાઈએ તેને ના પાડતા આરોપીએ ઉશ્કેરાઈને તેમની સાથે ઝઘડો કર્યો હતો. આટલું જ નહીં, આરોપીઓએ બિભત્સ ગાળો કાઢી, લોખંડના કુંડવાળી લાકડી વડે હુમલો કર્યાની ફરિયાદ દ્વારકા પોલીસ મથકમાં નોંધાઈ છે.


દ્વારકામાં જુગાર રમતા ત્રણ શખ્સો ઝડપાયા

દ્વારકાના નરસંગ ટેકરી વિસ્તારમાંથી પોલીસે રવિવારે સાંજના સમયે જાહેરમાં ગંજીપતા વડે તીનપતિ નામનો જુગાર રમી રહેલા મોડભા જાદવભા માણેક, અકબર ઓસમાણ ગજ્જણ અને પોલાભા જેતાભા માણેકને ઝડપી લઈ, રૂ. 10,300 નો મુદ્દામાલ કબજે કર્યો હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application