રાજકોટના વિમલનગર વિસ્તારમાં કૌટુંબિક ઝઘડામાં હત્યાની ઘટના સામે આવી છે, જેમાં મૂળ વેરાવળના વિવેક ગોસ્વામી નામના શખ્સે તેની પત્ની સાથેના અણબનાવની અદાવતમાં પત્નીના નાના પ્રવિણભાઇ શાહ પર છરીના ઘા ઝીંકીને હત્યા કરી દીધી છે. આ હુમલામાં મૃતકની પત્ની પણ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થઈ છે. લાંબા સમયથી ચાલી રહેલા વિવાદને કારણે પત્નીએ સાથે જવાની ના પાડતા આરોપી અવારનવાર ધાક-ધમકી આપતો હતો, જેને પગલે પરિવારે અગાઉ યુનિવર્સિટી પોલીસમાં પણ અરજી પણ કરી હતી. હાલમાં આ ચકચારી ઘટનાને પગલે ક્રાઇમ બ્રાન્ચ સહિતની પોલીસ ટીમોએ ઘટનાસ્થળે પહોંચીને હત્યારા જમાઈને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે. પરિવારના જણાવ્યા અનુસાર, આરોપી વિવેકગીરીની માતા બબીતાબેન ગોસ્વામી સોમનાથ મંદિરમાં હોમગાર્ડ તરીકે ફરજ બજાવે છે અને પોલીસ વિભાગ સાથે સંકળાયેલા હોવાને કારણે આરોપીને પોલીસ દ્વારા છાવરવામાં આવતો હોવાનો પણ પરિવારે આક્ષેપ કર્યો છે.
પોલીસની નિષ્ક્રિયતા સામે રોષ
મૃતકના જમાઈ જીગ્નેશ પટેલે આ અંગે વધુ માહિતી આપતા જણાવ્યું હતું કે, આ ઘટના અચાનક બની નથી. પરિવારે અગાઉ 22 મે ના રોજ યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં લેખિત અરજી આપી હતી, જેમાં આરોપી તરફથી મળતી ધમકીઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. જીગ્નેશભાઈનું માનવું છે કે, જો યુનિવર્સિટી પોલીસે સમયસર આ અરજી પર ધ્યાન આપીને યોગ્ય કાર્યવાહી કરી હોત, તો આજે આ હત્યાનો બનાવ બન્યો જ ન હોત.
પરિવારની ન્યાયની માંગ
હાલમાં, મૃતકનો પરિવાર ન્યાય માટે મક્કમ છે. જ્યાં સુધી ઉચ્ચ પોલીસ અધિકારીઓ આ બાબતે દરમિયાનગીરી કરી આરોપી અને તેને છાવરનારાઓ સામે કડક પગલાં નહીં ભરે, ત્યાં સુધી તેઓ મૃતદેહ નહીં સ્વીકારે તેવું જાણવા મળી રહ્યું છે. પોલીસ હવે આ મામલે શું કાર્યવાહી કરે છે તે જોવાનું રહ્યું.