વડાપ્રધાનનાં આગમન પૂર્વે દ્વારકાએ સજ્યા સોળ શણગાર

  • February 22, 2024 02:02 PM 

દ્વારકાનો ગોમતી ઘાટ 5 લાખ ઇલેક્ટ્રીક દિવડાથી થયો ઝળહળ


વડાપ્રધાન નરેન્દ્ર મોદી 25 ફેબ્રુઆરીએ ઓખા અને બેટ દ્વારકા વચ્ચે સમુદ્રમાં નિર્માણ થયેલ સિગ્નેચર બ્રીજનું લોકાપર્ણ કરવાનાં હોય તેઓ લોકાર્પણ પછી યાત્રાધામ દ્વારકા આવી જગતમંદિરે દર્શન કરવાનાં છે. યાત્રાધામ દ્વારકામાં વડાપ્રધાનનાં આગમનને પગલે ઉત્સવનું વાતાવરણ સર્જાયું છે. તંત્ર દ્વારા ગોમતી ઘાટ પર દિપોત્સવ જેવો ઉત્સવ ઉજવવામાં આવ્યો હતો.


બ્રાહ્મણો દ્વારા ગોમતીજીની આરતી પૂજન કરવામાં આવ્યા હતા. ગોમતીજીનાં ઘાટ પર 5 લાખ ઇલેક્ટ્રીક દિવડા કરવામાં આવતા ગોમતી ઘાટ તથા સુદામા સેતુ ઝળહળી ઉઠ્યા હતાં.


ધારાસભ્ય પબુભા માણેક સહિતનાં અગ્રણીઓ આ મહોત્સવમાં સામેલ થયા હતાં. બહોળી સંખ્યામાં દ્વારકાવાસીઓ તથા યાત્રિકોએ પણ આ મહોત્સવનો લાભ લીધો હતો. દ્વારકામાં જગત મંદિરે રૌશનીનો ઝળહળાટ કરવામાં આવ્યો છે એ ઉપરાંત દરેક હોટલ અને સરકારી ઈમારતો ઉપર પણ સજાવટ કરવામાં આવી છે.


યાત્રાધામ હોવાથી હોટેલ વ્યવસાય દ્વારકાની અર્થવ્યવસ્થાનાં કેન્દ્ર સ્થાને હોય બેટ દ્વારકામાં સિગ્નેચર બ્રીજનાં લોકાર્પણ અને વડાપ્રધાનનાં આગમન ઉપરાંત વડાપ્રધાન દ્વારા દ્વારકામાં પણ કોરીડોર પ્રોજેક્ટને ગતિ આપવામાં આવે એવી અપેક્ષા અને સંભાવનાને પગલે દ્વારકામાં હોટલ સંચાલકોમાં વડાપ્રધાનનાં આગમનને લઇ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. જેને પગલે નાની - મોટી દરેક હોટલ રૌશનીથી ઝળહળી રહી છે. બીજી તરફ વહીવટી તંત્ર પણ દ્વારકાને એ રીતે શણગારવામાં આવ્યું છે કે એ કલયુગમાં પણ  શ્રીકૃષ્ણની રાજધાની સમાન લાગી રહી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application