જામનગર જિલ્લાના લાલપુર તાલુકામાં પીપરટોડા હરીપર રોડના કામમાં કોન્ટ્રાકટર દ્વારા ભ્રષ્ટાચાર અને ઇજનેરો પગલા ન લેતા હોવાના આક્ષેપ ગામના સરપંચ, ઉપસરપંચ, સભ્યોની સહીથી ડીડીઓને આવેદન આપીને પાંચ દિવસમાં પગલા લેવા તેમજ ગ્રામજનોને રસ્તાના કામનું બજેટ તથા કામની માપ-પોથી પુરી પાડવા માંગણી કરવામાં આવી છે.
તા.૩ની બપોરે જિલ્લા પંચાયત ખાતે પીપરટોડાના સરપંચ મંજુબેન, ઉપસરપંચ પ્રકાશભાઇ પટેલ તથા સભ્યો અને ગ્રામજનો વિનોદ કે., રાજેશ રણછોડભાઇ, વગેરેની સહિથી આપેલા ડીડીઓના આવેદનમાં જણાવ્યું છે કે લાલપુર તાલુકાના પીપરટોડા થી હરીપર ગામ સુધી ડામર રોડના ચાલતા કામમાં કોન્ટ્રાકટર પેઢી દ્વારા માલ મટીરીયલમાં ઘાલમેલ કરીને ભ્રષ્ટાચાર કરવામાં આવી રહયો છે, જેમાં પંચાયતના ઇજનેરો પ્રત્યક્ષ રીતે પરોક્ષ રીતે જોડાયેલા છે. આ અંગે લાલપુર તાલુકા પંચાયતના પૂર્વ ઉપપ્રમુખ, પૂર્વ સરપંચ કૃષ્ણદેવસિંહ ચુડાસમાએ જિલ્લા કલેકટર ડીડીઓ સહિત ઉચ્ચકક્ષાએ લેખીત-મૌખીક રજુઆત કરી હતી, છતાં જવાબદાર અધિકારીઓ દ્વારા કોન્ટ્રાકટર સામે અત્યારસુધીમાં પગલા લેવામાં આવ્યાં નથી.
તેથી નાછુટકે ગ્રામજનોને આવેદન દેવાની ફરજ પડી છે, પીરપટોડા ગામમાં સીસી રોડના કામમાં માલ-મટીરીયલમાં કોઇપણ જાતની ગુણવત્તા વિના આડેધડ ખોદકામ કરી નાખવામાં આવ્યું છે, જે કાર્યપાલક ઇજનેર, નાયબ કાર્યપાલક ઇજનેરની મીઠી નજર હેઠળ લાખો રૂપિયાનો ગેરવહીવટ થઇ રહ્યો હોવાનું પણ આગેવાનોએ આવેદનમાં આક્ષેપો કર્યા છે.