રિએકટર- વાયર ચોરનાર ગેંગ ઝડપાઇ: 16 ચોરી કબૂલી

  • April 23, 2025 02:21 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)



વીજ ટ્રાન્સફોર્મર તોડી તેમાંથી કોપર વાયરની ચોરી કરનાર બેલડીને ઉપલેટા પોલીસે ઝડપી લીધા બાદ જીઇબીના રિએક્ટર અને કેબલ વાયરની ચોરી કરનાર વધુ એક ગેંગને રાજકોટ ગ્રામ્ય એલસીબીની ટીમે ગોંડલ પંથકના લીલાખા ગામ પાસેથી ઝડપી લીધી હતી. પોલીસે પાંચ શખસોને ઝડપી લઇ તેમની પાસેથી કોપર વાયર, ત્રણ વાહન સહિત કુલ રૂપિયા 9.79 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. આ ટોળકીની પૂછપરછ કરતા રાજકોટ, સુરેન્દ્રનગર, મોરબી અને કચ્છ જિલ્લામાં અલગ અલગ જગ્યાએ મળી કુલ 16 સ્થળોએ ચોરી કયર્નિી કબુલાત આપી હતી.
જાણવા મળતી વિગતો મુજબ, રાજકોટ રેન્જ આઈ.જી અશોકકુમાર યાદવ અને રાજકોટ જિલ્લા પોલીસવડા હિમકરસિંહ દ્વારા જિલ્લામાં અણઉકેલ બનાવવાનો ભેદ ઉકેલવા સૂચના આપવામાં આવી હોય જે અંતર્ગત રાજકોટ ગ્રામ્ય એલસીબી પીઆઇ વી.વી.ઓડેદરાની રાહબરી હેઠળ પી.એસ. આઇ એચ.સી. ગોહિલ તથા તેમની ટીમ પેટ્રોલિંગમાં હતી. દરમિયાન એવી માહિતી મળી હતી કે, કેબલ વાયરની ચોરી કરનાર ટોળકી હાલ સુલતાનપુરના લીલાખા ગામ પાસે છે. આ માહિતીના આધારે એલસીબીની ટીમે અહીં વોચ ગોઠવી હતી.
દરમિયાન પોલીસે અહીંથી સૌરાષ્ટ્ર-કચ્છમાં કેબલ વાયરની ચોરી કરનાર ટોળકીના પાંચ સભ્યોને ઝડપી લીધા હતા. જેના નામ સામુ મનોજભાઈ આમેણીયા (ઉ.વ 22 રહે. ત્રિલોકધામ સોસાયટી, મોરબી), કૈલાશ ચતુરભાઈ કુંઢીયા(ઉ.વ 19 રહે. જોગાસર રોડ ધાંગધ્રા), વનરાજ દેવરાજભાઈ કુંઢીયા (ઉ.વ 19 રહે. લીલાપર રોડ, મોરબી), કાટીયો ઉર્ફે અશોક નરશીભાઈ વિરૂગામિયા (રહે. વીસીપરા, મોરબી) અને આકાશ સુરેશભાઈ વિકાણી (ઉ.વ 23 રહે. નીલકમલ સોસાયટીની બાજુમાં, લીલાપર રોડ, મોરબી) હોવાનું માલુમ પડ્યું હતું. પોલીસે આ ટોળકી પાસેથી 247 કિલો કોપર વાયર, ચાર મોબાઇલ, ત્રણ વાહન 10 પાના, પકડ, સ્ક્રુ ડ્રાઇવર સહિત કુલ રૂપિયા 9,79,510 નો મુદ્દામાલ કબજે કર્યો હતો.
પોલીસે જણાવ્યું હતું કે, આ ટોળકી રાત્રી દરમિયાન માલવાહક વાહન લઇ જઇ ગ્રામ્ય વિસ્તારોમાં જીઈબીના સબ સ્ટેશનમાંથી રિએક્ટર ખોલીને તેની ચોરી કરવા ઉપરાંત કેબલ વાયરની ચોરી કરવાની મોડસ ઓપરેન્ડી ધરાવે છે. આ ટોળકી એ આ પ્રકારે રાજકોટ ગ્રામ્ય, સુરેન્દ્રનગર, મોરબી અને કચ્છ જિલ્લામાં મળી કુલ 16 સ્થળોએ ચોરીના બનાવને અંજામ આપ્યો હોવાની કબુલાત આપી છે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application