દેવભૂમિ દ્વારકા જિલ્લામાં મેઘરાજાનું ફરી આગમન

  • July 30, 2024 10:15 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ખંભાળિયામાં બે ઈંચ વરસાદ



દેવભૂમિ દ્વારકા જિલ્લામાં તાજેતરમાં વરસી ગયેલા અતિ ભારે વરસાદ બાદ છેલ્લા આશરે એકાદ સપ્તાહ દરમિયાન મેઘરાજાનો વિરામ રહ્યો હતો. આ પછી આજરોજ ખંભાળિયા જિલ્લાના જુદા જુદા ભાગોમાં પુનઃ મેઘરાજાએ પોતાની વૃષ્ટિ વરસાવી છે. જેમાં આજે વહેલી સવારે આશરે છ થી સાત વાગ્યા સુધીના એક કલાકના સમયગાળા દરમિયાન બે ઈંચ (50 મી.મી.) વરસાદ વરસી જવા પામ્યો છે. આ સાથે કલ્યાણપુર પંથકમાં પણ ચઢતા પહોરે એક ઈંચથી વધુ (30 મી.મી.) પાણી પડી ગયું હતું. આ ઉપરાંત દ્વારકા તાલુકામાં આજે 11 મી.મી. અને ભાણવડ તાલુકામાં 5 મી.મી. વરસાદ નોંધાયો છે.


ખંભાળિયા શહેરમાં આજરોજ સવારે મુશળધાર વરસાદના પગલે રામનાથ રોડ, નગર ગેઈટ, જોધપુર ગેઈટ, નવાપરા, સહિતના વિસ્તારોમાં પૂર જેવા પાણી ચાલી નીકળ્યા હતા. આ સાથે કેટલાક ખેતરોમાં વરસાદી પાણી ભરાયેલા રહેતા તેમજ વધુ વરસાદ વરસતા ઉભા પાકને વ્યાપક નુકસાની થવાની દહેશત પણ વ્યક્ત કરવામાં આવી રહી છે.


મોસમનો કુલ વરસાદ દ્વારકામાં 54 ઈંચ, કલ્યાણપુરમાં 51 ઈંચ, ખંભાળિયામાં 45 ઈંચ અને ભાણવડમાં 29 ઈંચ વરસી જવા પામી છે. જિલ્લાના તમામ મોટા જળાશયો હાલ સંપૂર્ણપણે ભરાઈ ચૂક્યા છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application