દ્વારકામાં ખાનગી મીલકત અતિ જજૅરિત

  • July 13, 2024 11:39 AM 

મકાન પડે તે પહેલાં નગરપાલિકાને જાગવાની જરૂર: બિલ્ડીંગમાં રહેતા ભાડુઆતોનો જીવ તાળવે ચોટયો: જર્જરિત બિલ્ડીંગ ચોમાસામાં ધરાશાઈ થવાની શકયતા...


દ્વારકામાં જગતમંદિરની તદન નજીકના વિસ્તારમાં વર્ષો જુનું ભાડુઆતી રહેણાંનું જર્જરીત બિલ્ડીંગ આવેલ છે હાલ ચોમાસામાં આ બિલ્ડીંગ પડે અને કોઈ જાનહાનિ થાય તે પહેલાં નગરપાલિકાના અધિકારીઓ ,આ બિલ્ડીંગની પાડતોડ કરે તેવી માંગ લોકો કરી રહ્યા છે. 


આ બિલ્ડીંગમાં આશરે ૧૫ જેટલા ભાડુઆતો રહેતા હતા.પરંતુ જર્જરીત બિલ્ડીંગને લઈને હાલ માત્ર છ થી સાત ભાડુઆતો જ રહે છે અને તે લોકોને રહેવા માટે અન્ય વિકલ્પ ન હોવાના કારણે ભયના ઓથાર હેઠળ જીવન પસાર કરી રહયા છે. મોટાભાગના ભાડુઆતો અન્ય જગ્યાએ રહેવા જતાં રહયા છે.


દ્વારકા નગરપાલિકા દ્વારા મકાનમાં રહેતા ભાડુઆતને નોટીરા આપી હતી કે નોટીસ મળ્યે દિવસ ત્રણમાં આ જર્જરીત બિલ્ડીંગનો ભાગ ઉતારી લેવો પરંતુ આ વાતને આશરે છ માસ જેટલો સમય વિતી ગયો હોવા છતાં જર્જરીત બિલ્ડીંગ 'જૈસે થે' ની સ્થિતિમાં છે .  તંત્ર માત્ર કાગળ પર નોટીસ આપી સંતોષ માની લે છે . લોકોનુ એવું કહેવું છે કે હાલ ચોમાસાની શરૂઆત થઈ ચુકી છે ત્યારે અચાનક ભારે પવન સાથે વરસાદ આવે તો આ જર્જરીત બિલ્ડીંગ ધરાશાયી થવાની પુરી શકયતા દેખાઈ રહી છે . મકાન માલીકને જર્જરીત બિલ્ડીંગ આપમેળે ધરાશયી થાય અને ભાડુતો પોતાની રીતે ત્યાંથી ભાગી જાય તેની રાહ જોતા હોય તેવું લાગી રહ્યું છે.


લગભગ ચાર માસ પહેલા જર્જરીત બિલ્ડીંગમાં રહેતા ભાડુઆતો દ્વારા બિલ્ડીંગ મરામત અંગે સ્થાનીક વકીલના માધ્યમથી લીગલ નોટીસ મકાન માલીક તથા દ્વારકા નગરપાલિકાને પાઠવવામાં આવી હતી .  પરંતુ કાર્યવાહીના નામે મીંડુ છે અને મકાન માલીક તથા આ નોટીસને ચાર માસ જેટલો સમય વિતી ગયો છતાં નગરપાલિકાના સંબંધિત અધિકારીઓએ કાર્યવાહી કરી નથી. તેથી કોઈ જાનહાનિ થાય તે પહેલાં તંત્ર આ પ્રશ્નને હલ કરે તેવી માંગ લોકો દ્વારા કરવામાં આવી છે. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application