હાલારમાં વાવણી કાર્ય પુરજોશમાં: જગતનો તાત ખુશખુશાલ

  • June 18, 2024 11:11 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ખંભાળીયા, ભાણવડ અને જામજોધપુર વિસ્તારમાં સારો વરસાદ થયા બાદ ખેડુતોએ મગફળી, કપાસ, તલ, મરચી સહિતના પાકોનું વાવેતર શરૂ કર્યુ: સિઝનના પ્રથમ રાઉન્ડમાં જ મેઘાએ ભીમઅગીયારસ પહેલાનું શુકન સાચવ્યું


સામાન્ય રીતે ભીમઅગીયારસના દિવસે ખેડુતો વાવણી કાર્યનો શુભારંભ કરતા હોય છે, ગઇકાલે અને આજે બે દિવસ ભીમઅગીયારસ હોવાથી ખેડુતોએ હરખભેર વાવણી કાર્યનો પ્રારંભ કરી દીધો છે, ખાસ કરીને ખંભાળીયા, ભાણવડ અને જામજોધપુર વિસ્તારમાં સારો એવો વરસાદ થતાં જગતના તાતે ઓજારો અને બળદની પુજા કરીને આ વર્ષની વાવણીનો પ્રારંભ કર્યો છે, હાલારમાં મોટેભાગે સાડા ત્રણ લાખ હેકટર જમીનમાં કપાસ અને મગફળીનું વાવેતર થાય છે, ત્યારે ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારમાં સારો વરસાદ થતાં ખેડુતોનું નવું વર્ષ સા જશે તેવી આશા જન્મી છે.


ખંભાળીયા પંથકમાં એક જ દિવસમાં સાડા નવ અને ભાણવડ પંથકમાં અઢી ઇંચ જેટલો વરસાદ પડયો હતો જયારે જામજોધપુરમાં એક થી ત્રણ ઇંચ, અલીયાબાડામાં દોઢેક ઇંચ જેટલો વરસાદ પડતા કેટલાક નદીનાળામાં પણ પુર આવ્યા હતાં, રવિવારે વરસાદ થયા બાદ સોમવારથી ભીમ અગીયારસની શુકનવંતી વાવણી શરૂ કરી દીધી હતી, બળદોને કુમ-કુમ તીલક અને અરસપરસ કુટુંબીજનોને મો મીઠા કરાવીને વાવેતર શ કરવામાં આવ્યું છે.


કેટલાક ગામડાઓમાં દર વખતે ભીમ અગીયારસના દિવસે ધરતીપુત્રો પુજા, અર્ચના કરે છે, ત્યારબાદ ઓજારોને લઇને ભીમ અગીયારસના દિવસે વાવણી કાર્ય શરૂ કરે છે, જો કે હવામાન ખાતાએ આ વખતે સો ટકાથી વધુ વરસાદ આવશે તેવી આગાહી પણ કરી છે, જયારે દર વખતની જેમ આ વખતે ખંભાળીયામાં મેઘાનું ધમાકેદાર આગમન થયું છે, જો કે નવાઇની વાત તો એ છે કે ખંભાળીયા આજુબાજુના 15 કિ.મી.ના એરીયામાં જ આવો જોરદાર વરસાદ પડયો છે.


ભાણવડમાં પણ મગફળી અને કપાસનું વાવેતર વધુ થાય છે ત્યારે આગામી દિવસોમાં સારો એવો વરસાદ પડશે તેવી આશા સાથે ખેડુતોેએ વાવણી કાર્ય શરૂ કર્યુ છે, જો કે લગભગ અઢી ઇંચ વરસાદ પડયો છે અને કેટલાક ખેતરોમાં તો પાણી ચાલ્યા ગયા હોય, પ્રથમ વરસાદ સારો થયો હોય આ પંથકમાં વાવણી કાર્ય પુરજોશમાં શ કરી દીધું છે.


કાલાવડ વિસ્તારમાં દર વર્ષે મગફળી અને કપાસનું વાવેતર વધુ પ્રમાણમાં થાય છે, કેટલાક ચેકડેમોમાં સારા પાણીની આવક થઇ છે, જો કે કાલાવડ પંથકમાં ઝાપટા સિવાય વધુ વરસાદ થયો નથી, પરંતુ વરસાદની આશાએ કાલાવડ, નિકાવા, શીશાંગ, ટોળા અને ખરેડી વિસ્તારમાં વાવણી કાર્ય શરૂ થયું છે. ધ્રોલ, જોડીયામાં પણ છેલ્લા ત્રણ-ચાર દિવસમાં સારા એવા ઝાપટા પડયા છે ત્યારે વાવણી કાર્ય પુરજોશમાં શરૂ થઇ ચૂકયું છે.


આ ઉપરાંત લાલપુર, પડાણા, વાડીનાર, જામરાવલ, ભાટીયા, ઓખા, સુરજકરાડી, જામજોધપુર, કલ્યાણપુર, દ્વારકા વિસ્તારમાં પણ વાવેતર શરૂ થયું છે, જો કે દ્વારકામાં દોઢેક ઇંચ જેટલો વરસાદ થયો છે ત્યારે આ વખતે તલ, મરચીનું પણ વાવેતર કેટલાક પંથકમાં શરૂ થયું છે, ખંભાળીયા અને લાંબા પંથકનું મરચુ વખણાય છે ત્યારે આ વખતે પણ આ વિસ્તારમાં સારા વરસાદની આશાએ ખેડુતોમાં ખુશીનો માહોલ ઉભો કર્યો છે. જો કે આ વખતે હવામાન ખાતાએ જાહેર કર્યુ છે કે, ચોમાસુ વધુ એક મહીનો ચાલશે. જેના કારણે વધુ વરસાદ થવાની પણ પુરી શકયતા છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application