જામનગરમાં એક દિવસ બ્લેક આઉટ રહ્યો તે પહેલાની બે કલાક સુધી શહેરમાં અને જિલ્લામાં જીવન જરુરિયાતની ચીજવસ્તુઓ ખરીદવા માટે લોકોએ ભારે પડાપડી કરી હતી થોડા સમયમાં જ શાકભાજી ખલાસ થઇ ગયા હતા. દુધની પણ એ હાલત હતી ઉપરાંત અનાજ કરિણાની દુકાન અને પેટ્રોલપંપે તેમજ ફલોર મીલોમાં ભારે ભીડ જોવા મળી હતી. બીજા દિવસે બ્લેક આઉટ ન થતાં લોકોએ રાહતનો દમ લીધો હતો.
વહીવટી તંત્ર દ્વારા લોકોને બ્લેક આઉટમાં કોઇપણ જાતનો ડર ન રાખવા અને અફવાઓ ન સાંભળવા સુચના આપી હતી. શનિવારે બ્લેકઆઉટ જાહેર કરાયા બાદ તાત્કાલિક અસરથી લોકોને એમ થયું કે ચીજવસ્તુઓ મળશે કે કેમ તે માટે અનાજ દળવાની ફલોર મીલ, દુધ છાશની દુકાનો, અનાજ કરિયાણાની દુકાનો, અને શાકભાજીના પાટલા અને રેકડીઓમાં ભારે ઘરાકી જામી હતી કેટલાક લોકોએ શાકભાજીના ઉંચા ભાવ પણ લીધા હતા અને બજારોમાં ભારે ભીડ જોવા મળી હતી.
એક તરફ મોકડ્રીલ જાહેર થયા બાદ લોકોને ઇમરજન્સી કામ સિવાય રસ્તા ઉપર ન નીકળવા તંત્રએ સલાહ આપી હતી પરંતુ લોકો સમજયા ન હતા. મોડી રાત્રે પણ એવુ થયું હતુ કે બ્લેક આઉટ જાહેર થયા પછી પણ કેટલાક લોકો બજારોમાં ટહેલવા નીકળતા પોલીસની ટુકડીઓએ તેઓને ઘેર જવા સુચના આપી હતી. બ્લેક આઉટ સમયે બજારો બંધ રહી હતી.
અને મોટા ભાગના વિસ્તારોમાં લાઇટો પણ બંધ રહી હતી. રવિવારે દ્વારકામાં ફરીવાર બ્લેક આઉટ જાહેર થયો હતો અને જામનગરમાં બ્લેક આઉટ થશે કે કેમ તે અંગે સતત પુછપરછ થઇ રહી હતી. આખરે જિલ્લા કલેકટર કેતન ઠક્કરે સ્પષ્ટતા કરતા જણાવ્યું હતું રવિવારે કોઇ બ્લેક આઉટ નથી. અને જો જર પડશે તો જ બ્લેક આઉટ કરવામાં આવશે.
કેટલાક લોકોએ ૧૯૬૫ અને ૧૯૭૧ના યુદ્ધની યાદ તાજી કરી હતી. પીજીવીસીએલની પ્રીમોન્સુનની કામગીરી જાન્યુઆરી માસથી શ થઇ જાય છે પરંતુ કોણ જાણે કેમ વરસાદ આવે ત્યાં સુધી કામગીરી થતી રહે છે અને ખરા સમયે અતિશય ગરમીના સમયે લાઇટો ચાલી જાય છે તેથી લોકોમાં ભારે પરેશાની થાય છે. શનિવારે બ્લેક આઉટ સમયે લાઇટ ચાલી ગઇ હતી તે બરાબર છે પરંતુ શુક્રવારે અને રવિવારે અવાર નવાર લાઇટ ચાલી ગઇ હોવાના બનાવો બન્યા છે અને ફરિયાદો આવી છે ત્યારે તંત્ર દ્વારા કાળજી રાખવી જોઇએ તેવું બોલાઇ રહ્યું છે.
જામનગર જિલ્લામાં આવશ્યક ચીજવસ્તુઓના ભાવ અને પુરવઠા પર જિલ્લા વહીવટી તંત્રની ચાંપતી નજર: કલેકટર
પ્રવર્તમાન પરિસ્થિતિને ધ્યાને લેતા સરકારશ્રીના દિશાનિર્દેશોને પગલે જામનગર જિલ્લામાં નાગરિકોને આવશ્યક ચીજવસ્તુઓનો પુરતો પુરવઠો સરળતાથી મળી રહે તેમજ ભાવ નિયંત્રણમાં રહે તે મુજબની વ્યવસ્થા ગોઠવવામાં આવેલ છે. આ માટે ૩૮ આવશ્યક ચીજવસ્તુઓના ભાવોનું સતત નિયંત્રણ અને નિરીક્ષણ રાજ્ય કક્ષાએ તેમજ જિલ્લા કક્ષાએ દરરોજ કરવામાં આવે છે.
આવશ્યક ચીજવસ્તુઓની સંગ્રહખોરી (સ્ટોકીંગ) અથવા જમાખોરી (હોલ્ડિંગ) ન થાય તે માટે તમામ વિક્રેતા, રીટેલર, પ્રોસેસર, મિલર અને ઇમ્પોર્ટરશ્રીઓને જરૂરી કાયદાકીય નિયમોનું પાલન કરવા ખાસ તાકીદ કરવામાં આવી છે. જો કોઈ પણ વ્યક્તિ કે સંસ્થા આવશ્યક ચીજવસ્તુઓના સંગ્રહ કે જમાખોરીમાં સંડોવાયેલી જોવા મળશે, તો તેમના વિરુધ્ધ આવશ્યક ચીજવસ્તુ અધિનિયમ-૧૯૫૫ હેઠળ કડક કાર્યવાહી કરવામાં આવશે.હાલ તમામ આવશ્યક ખાદ્ય પદાર્થોનો પૂરતો જથ્થો ઉપલબ્ધ છે.
ઉક્ત સમગ્ર બાબતો ધ્યાને લઈને જામનગર જિલ્લાના તમામ નાગરિકો કોઈ પણ પ્રકારની અફવાઓથી ગેરમાર્ગે દોરાય નહીં તેમજ સામાન્ય નાગરિકોમાં આવશ્યક ચીજવસ્તુઓના પુરવઠા અંગે કોઇ પણ વ્યક્તિ અફવા ન ફેલાવે અને સરકાર તથા જિલ્લા વહીવટી તંત્રને સંપૂર્ણ સહકાર આપે તેવો જિલ્લા કલેક્ટર કેતન ઠક્કર દ્વારા જિલ્લાના તમામ નાગરિકોને અનુરોધ કરવામાં આવે છે.