મુસાફરોને જામનગરના હંગામી બસ સ્ટેન્ડમાં હંગામી સમય કાઢવો વહમો

  • April 17, 2025 11:20 AM 

એક માસમાં પુરુષ શૌચાલયનું પોખરૂ ગાયબ: આયોજનમાં ઉણપ:૩૫-૪૦ ડીગ્રીમાં શેકાતા લોકો: કર્મચારીઓ પણ પરેશાન



જામનગરનું નવું બસ સ્ટેન્ડ બે,અઢી વર્ષના સમયગાળામાં કમ્પલીટ થઈ જશે અને વર્ષોથી રાહ જોતા જામનગરની જનતાને અન્ય જિલ્લાના મુખ્ય મથકો કરતા ઉણુ બસ ડેપો મળશે સરકારી કામ તે પણ કન્સટ્કશનનું કામ સમયસર પુરૂ થાય ખરૂં ! ખેર જામનગરની જનતાને  થોડો  વધુ સમય પરેશાની ભોગવવા સિવાય કોઈ વિકલ્પ નથી.



નવા બસ સ્ટેન્ડના ખાતમુહૂર્ત બાદ એક વર્ષે બસ ડેપો નવા હંગામી બસ સ્ટેન્ડે સ્થાળાંતર થયું ખાટલે મોટી ખોટ હોય તેમ નવો હંગામી બસ ડેપો મુસાફરો માટે સુવિધાને બદલે દુવિધાથી ભરપૂર થવા પામ્યો છે સવાલ એ થાય છે કે આ હંગામી બસ ડેપોમાં મુસાફરો,કર્મચારીઓને હંગામી બે અઢી વર્ષ કાઢવા પણ વહમા લાગશે તેવું ચિત્ર એક મહિનાના અનુભવો પરથી ઉપસી રહ્યું છે.



જામનગરના જુના એસટી ડેપો ના સ્થળે નવો બસ ડેપો બનાવવામાં આવી રહ્યો છે, અને તેનું ખાતમુહૂર્ત થઈ ચૂક્યું છે, ત્યારે હાલમાં હંગામી બસ ડેપો તરીકે જામનગરના પ્રદર્શન મેદાનમાં વ્યવસ્થા કરવામાં આવી છે, પરંતુ ત્યાં હાલ પૂરતી વ્યવસ્થા ના હોવાના કારણે કાળઝાળ ગરમીમાં મુસાફરો હેરાન પરેશાન થઈ રહ્યા છે. ઉપરાંત બસ ડેપોમાં અનેક પ્રકારની સમસ્યાઓના કારણે પણ મુસાફરોને ભારે હાલાકી વેઠવી પડી રહી છે.



હંગામી ડેપોમાં પૂર્તી વ્યવસ્થા ન હોવાના કારણે મુસાફરોને તડકામાં ઊભા રહેવાનો વારો આવે છે, અને જે હંગામી બસ ડેપો કાર્યરત થયો છે. તેમાં બેસવાના સ્થળે પૂરતી બેઠક નથી જયારે પંખા સહિતની પૂરતી સુવિધા પણ નથી, જેથી ગરમીમાં મુસાફરોની પરેશાની  વધી છે. અને પ્લેટફોર્મ ની આસપાસ અને આ વિસ્તારમાં જમીન પર લોકોને બેસવાનો વારો આવે છે, અથવા તો તડકામાં ઊભા રહેવું પડે છે. 



જેથી પણ અનેક મુસાફરોમાં કચવાટ જોવા મળી રહ્યો છે. આ ઉપરાંત કેટલીક બસ કે જે સમય મર્યાદામાં આવતી નથી, અને લોકોને વધુ સમય માટે બસની રાહ જોઈને ઉભા રહેવું પડે છે. તેમજ અમુક મુસાફરો ને હજુ હંગામી જાણકારી ન હોવાથી જૂના બસડેપો ના સ્થળે પહોંચીને પછી પ્રદર્શન ગ્રાઉન્ડ સુધી ચાલવાનો વારો આવે છે, અથવા તો રિક્ષા ભાડા ખર્ચવાની પિરિસ્થિતિ ઊભી થાય છે. ત્યારે રિક્ષાવાળાઓ પણ બેફામ ભાડા વસૂલતા જોવા મળે છે. આ દુવિધાઓથી ભરપૂર હંગામી બસ ડેપોમાં સંભવિત બે ઉનાળા,બે ચોમાસા,બે શિયાળા  કેમ પસાર થશે ?..તેમ લોકમુખે ચર્ચાઈ રહ્યું છે.



એસટી બસ સ્ટેશનના હંગામી સ્થળ પર પ્રદર્શન મેદાનમાં એક પાણીનો ટાંકો બનાવાયો છે, જેને શરૂ થયાને હજુ એક મહિનો જ થયો છે ત્યાં જ તેમાં તિરાડ પડી ગયેલી જોવા મળે છે.જેથી નવા સ્થળે ટાંકો ઉભો કરવામાં આવ્યો છે,તેમ જ પીવાના પાણીના વહન માટે સુચારૂ વ્યવસ્થા ના  હોવાના કારણે પાણી ઢોળાય છે, અને પાણીનું વહેણ છેક મેઇન રોડ સુધી પહોંચી જાય છે. જેથી મુસાફરોને પ્રવેશતાની સાથે કાદવ કીચડનો પણ સામનો કરવો પડે છે.



એક જ મહિનામાં પુરુષ શૌચાલયનું એક આખેઆખું ગાયબ થઈ જવા પામ્યું છે જાણે હંગામી બસ સ્ટેન્ડનું જાણે કોઈ ઘણીધોરી ના હોય. બસ ડેપોમાં સમસ્યાઓની ભરમાર હોવાથી એસટી તંત્ર દ્વારા વહેલી તકે મુસાફરોની સમસ્યાઓ હલ થાય, તે દિશામાં કાર્ય કરવામાં આવે તેવી લોક  માંગ ઉઠી  છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application