દયાશંકર બ્રહ્મપુરી ખાતે રવિવારે યોજાયેલી પ્રથમ મીટીંગમાં જન્મોત્સવ શોભાયાત્રાનું સુકાન પ્રથમ વખત મહીલાઓને સોંપાયું
શ્રી જામનગર જિલ્લા તથા શહેર સમસ્ત બ્રહ્મસમાજ (સૌરાષ્ટ્ર-કચ્છ) દ્વારા આગામી તા.૨૯ના રોજ પરશુરામ જયંતિ નિમિતે સાંજે ૫-00 વાગ્યે બાલા હનુમાનથી ભગવાન શ્રી પરશુરામ શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે, આ અંગેની પ્રથમ મીટીંગમાં આશરે ૧ હજારથી વધુ બ્રાહ્મણ ભાઇ-બહેનો ઉપસ્થિત રહ્યા હતાં અને વકતાઓ દ્વારા અત્યાર સુધીની કયારેય ન થઇ હોય તેવી ભવ્યાતિભવ્ય પરશુરામ શોભાયાત્રામાં જોડાવા અપીલ કરવામાં આવી હતી, જામનગરના ઇતિહાસમાં પ્રથમ વખત આ શોભાયાત્રાનું સુકાન ૪ મહીલાઓને સોંપવામાં આવ્યું હતું.
ગઇકાલે દયાશંકર બ્રહ્મપુરીમાં રાત્રે યોજાયેલી પ્રથમ મીટીંગમાં તમામ બ્રહ્મસમાજના હોદેદારો અને ભાઇ-બહેનો હાજર રહ્યા હતાં, વકતાઓએ આશરે રાુ. ૫.૫ લાખનો ખર્ચ થાય છે તેને પહોંચી વળવા બ્રહ્મસમાજના અગ્રણીઓ અને કાર્યકરોને યથા યોગ્ય દાન આપવા પણ અપીલ કરી હતી, અત્યાર સુધી બ્રહ્મસમાજ દ્વારા બ્રાહ્મણ પરીવાર પાસેથી જ શોભાયાત્રાનું અનુદાન લેવામાં આવે છે ત્યારે આ ખર્ચને પહોંચી વળવા તેમજ શોભાયાત્રાના દિવસે યાત્રા પુરી થયા બાદ ટાઉનહોલ ખાતે યોજાયેલા ભોજન સમારંભના ખર્ચને પહોંચી વળવા ઉદાર હાથે ફાળો આપવા અપીલ કરવામાં આવી હતી.
જિલ્લા સમસ્ત બ્રહ્મસમાજના પ્રમુખ પ્રફુલભાઇ વાસુએ જણાવ્યું હતું કે, દરેક કામોમાં બ્રહ્મસમાજની બહેનો ખુબ જ આગળ પડતી હોય છે, ત્યારે આ વખતે પ્રથમ વખત મહીલાઓને શોભાયાત્રાનું સુકાન આપવામાં આવ્યું છે જેમાં શોભાયાત્રાના પ્રમુખ તરીકે મનીષાબેન સુંબડ, જાગૃતિબેન ત્રિવેદી, વૈશાલીબેન જોશી અને મીનાબેન જયોતીષીને આ કાર્યભાર સોંપાયો છે અને પુરુષો કરતા પણ મહીલાઓ આગામી દિવસોમાં યોજાનારી શોભાયાત્રામાં વધુને વધુ કામ કરશે તેવી મને શ્રઘ્ધા છે, હવે અમારા હાથમાંથી શોભાયાત્રાનું સંચાલન મહીલાઓ પાસે ગયું છે તેઓ સારું સંચાલન કરશે એટલે કદાચ અમારી પાસે ફરીથી સંચાલન નહીં આવે.
આ તકે જશ્મીન ધોળકીયાએ કહ્યું હતું કે, આ વખતે ૧૫૧ બાળકોને શોભાયાત્રામાં વેશભુષામાં પ્રવેશ અપાશે, વ્હેલા તે પહેલાના ધોરણે નામ નોંધાવાનું નકકી કરાયું છે, એટલું જ નહીં શોભાયાત્રા દરમ્યાન આ તમામ બાળકોને નાસ્તો અને પાણી પણ આપવા માટે જે દાતાઓએ જવાબદારી સ્વીકારી છે તેઓનો પણ બ્રહ્મસમાજ વતી આભાર માનુ છું, આ ઉપરાંત જ્ઞાતિમંડળ દ્વારા બેનર, સરબત વિતરણ, પાણી વિતરણ તેમજ અન્ય સેવા આપવાની હોય તો તેઓ તેમના નામ હોદેદારોને લખાવી દે.
આ મીટીંગમાં જિલ્લા સમસ્ત બ્રહ્મસમાજના પ્રમુખ પ્રફુલભાઇ વાસુ, શહેર બ્રહ્મસમાજના પ્રમુખ આશીષ જોશી, શોભાયાત્રાના મુખ્ય સંચાલક મનીષાબેન સુંબડ, વૈશાલી જોશી, મીનાબેન જયોતીષી ઉપરાંત તૃપ્તિબેન સુનિલ ખેતીયા, ભાસ્કરભાઇ જોશી, જસ્મીન ધોળકીયા, નિલેશ આચાર્ય અને શાસ્ત્રી વિરલભાઇ નાકર, જી.એન.ભટ્ટ, એન.ડી.ત્રિવેદી, સંજયભાઇ જાની સહિતના અનેક અગ્રણીઓ અને જ્ઞાતિના પ્રમુખો હાજર રહ્યા હતાં.