પ્રાકૃતિક ખેતી કરવાથી આપણી જમીન સુધરે છે, ચોખ્ખો ખોરાક મળે છે અને કૃષિ ખર્ચ ઘટે છે

  • June 13, 2024 11:32 AM 

સ્વસ્થ સમાજના નિર્માણ માટે જામનગર જિલ્લાના સૌ ખેડૂત ભાઈઓને પ્રાકૃતિક કૃષિ તરફ વળવા ભાવેશ નંદાનો અનુરોધ: પ્રાકૃતિક કૃષિ થકી મારા ખેત ઉત્પાદનોનુ મુલ્યવર્ધન થતા મને આર્થિક રીતે ખૂબ જ ફાયદો થયો: ભાવેશ નંદા


પ્રાકૃતિક કૃષિ કઈ રીતે ખેડૂતોને મદદરૂપ થાય છે અને ખેડૂતો પ્રાકૃતિક કૃષિ અપનાવી કઈ રીતે ઉન્નતી કરી શકે છે તે અંગે જામનગર જિલ્લાના ખેડૂત શ્રી ભાવેશભાઈ નંદાએ પોતાનો અભિપ્રાય વ્યકત કર્યો છે. પ્રાકૃતિક કૃષિ થકી ખેત ઉત્પાદનોનુ મુલ્યવર્ધન થતા ખેડૂતોને આર્થિક રીતે ખૂબ ફાયદો થાય છે. સાથે સાથે સ્વસ્થ સમાજના નિર્માણ માટે પણ પ્રાકૃતિક કૃષિ આધારભૂત ભૂમિકા ભજવે છે. જેથી જિલ્લાના સૌ ખેડૂત ભાઈઓ ગૌ આધારીત પ્રાકૃતિક કૃષિ અપનાવે તે માટે ભાવેશભાઈ નંદા દ્વારા અનુરોધ કરાયો છે.


આ અંગે વર્ષ ૨૦૧૯ થી પ્રાકૃતિક કૃષિ સાથે જોડાયેલ જામનગર જિલ્લાના દડિયા ગામના ખેડૂત શ્રી ભાવેશભાઈ નંદા જણાવે છે કે પહેલા હું પણ રાસાયણિક ખેતી કરતો હતો. રાસાયણિક ખેતીથી ખર્ચ વધુ આવતો અને ઉત્પાદન ઓછું મળતું અને જણસના પુરા ભાવો પણ મળતા ન હતા. ત્યારબાદ હું જામનગર જિલ્લામાં ચાલતા આત્મા પ્રોજેક્ટ સાથે જોડાયો અને મને પ્રાકૃતિક ખેતીના લાભોની આ પ્રોજેક્ટના માધ્યમથી જાણકારી મળી. રાજ્ય સરકાર તથા આત્મા પ્રોજેક્ટના માધ્યમથી મેં જામનગર જિલ્લા તથા જિલ્લાની બહાર કૃષિલક્ષી પ્રવાસો કર્યા અને પ્રાકૃતિક ખેતીથી ખેડૂતો કઈ રીતે સફળ થઈ રહ્યા છે તેની જાણકારી મેળવી અને પ્રાકૃતિક કૃષિ અંગેની પૂરતી તાલીમ લીધી ત્યારબાદ મેં રાસાયણિક ખેતી ત્યજી પ્રાકૃતિક ખેતી કરવાનો નિર્ધાર કર્યો. આજે મારા ઉત્પાદનોનુ હું જાતે જ વેચાણ કરું છું અને મારા ઉત્પાદનોનું ખૂબ જ સારું મૂલ્યવર્ધન થઈ રહ્યું છે. જેથી મને આર્થિક રીતે ખુબ જ સારો ફાયદો થઈ રહ્યો છે. આત્મા દ્વારા જામનગરના એમ્યુઝમેન્ટ પાર્ક ખાતે દર શનિવારે પ્રાકૃતિક કૃષિના ઉત્પાદનોની બજાર ભરાય છે જ્યાં મને નિ:શુલ્ક જગ્યા ફાળવવામાં આવી છે. ત્યાં હું મારા આ ઉત્પાદનો ખૂબ જ સારા ભાવે વહેંચી શકુ છુ. આથી જિલ્લાના તમામ ખેડૂત ભાઈઓને પણ પ્રાકૃતિક કૃષિ તરફ વળવા મારી અપીલ છે. આ માટે પ્રારંભિક તબક્કામાં થોડી જમીનથી શરૂઆત કરી શકાય. પ્રાકૃતિક ખેતી કરવાથી આપણી જમીન સુધરે છે, ચોખ્ખો ખોરાક મળે છે અને કૃષિ ખર્ચ ઘટે છે તો બીજી તરફ ઉત્પાદનના સારા ભાવો પણ મળે છે અને સમાજને પણ કેન્સર, ડાયાબિટીસ જેવા ગંભીર રોગોથી મુક્તિ મળે છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application