દ્વારકામાં જગતમંદિરે શિખર ઉપર 150 પદયાત્રીઓ દ્વારા નવ ધ્વજાજી ચડાવી

  • November 18, 2024 10:43 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

છેલ્લા 68 વર્ષથી વડોદરાથી દ્વારકા પદયાત્રા સંઘ આવે છે: 400 જેટલા પદયાત્રીઓ દર વર્ષે આવે છે...


વડોદરાથી દર વર્ષે કારતક માસમાં નિયમિત રીતે દ્વારકા આવતા આશરે 150 જેટલા પદયાત્રીઓ દ્વારા જગતમંદિરના શિખર પર નવ જેટલી ધજા ચડાવીને ધન્યતાનો અનુભવ કરે છે. જેમાં મોટી સંખ્યામાં યુવાઓ-વડીલો તેમજ પાંચ-સાત વર્ષના બાળકો સાથે કાળીયા ઠાકોરને શીશ ઝૂકાવવા માટે યાત્રીકોના આ સંઘમાં પ્રતિ વર્ષે શરદ પૂનમના બીજે દિવસે વડોદરાથી પ્રસ્થાન કરવામાં આવે છે. આશરે 21 દિવસની પદયાત્રામાં નીકળતા અંદાજે 150 ભાવિકો પોતાની સાથે બે ટેમ્પો વાહનમાં જરૂરી સામાન, રસોડું તેમજ રસોયાને લઈને નીકળે છે અને તેઓ જ નિયત સમયે દ્વારકા પહોંચે છે. અને પાંચથી છ દિવસના રોકાણ દરમિયાન તેઓ દરરોજ જગત મંદિરના શિખર પર ધામધૂમપૂર્વક ધ્વજા ચડાવે છે. ઉલેખનીય છે કે આ તમામ ધજાઓ સંઘ દ્વારા એડવાન્સમાં જ ધ્વજાજી આજીવન નોંધાવાઈ ચૂકી છે. 


છેલ્લા 68 વર્ષથી વડોદરાથી નિયમિત રીતે પ્રસ્થાન કરતું દ્વારકા પગપાળા યાત્રાળુ સંઘ આ વખતે પણ ગઈ તા. 19 ઓક્ટોબરના રોજ વડોદરાથી રવાના થયો હતો. જે રાત્રે રોકાણ કરી, તા. 11 નવેમ્બરના રોજ દ્વારકા ખાતે પહોંચી ગયો હતો. અહીં પગપાળા યાત્રા સંઘના પાંચ દિવસના મુકામ દરમિયાન જગત મંદિરે નૂતન ધ્વજારોહણ, બ્રહ્મ ભોજન, 56 ભોગ, મનોરથ તેમજ કાળીયા ઠાકોર ને સુવર્ણ જડિત મુગટ અર્પણ કરવા સહિતના વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા. આ સમગ્ર આયોજન માટે પટેલ જશભાઈ નારણભાઈ, પટેલ મહેન્દ્રભાઈ લાલભાઈ, પટેલ મનુભાઈ ડાહ્યાભાઈ, પંડ્યા જ્યોતિપ્રસાદ પુરુષોત્તમદાસ, પટેલ નરેન્દ્રભાઈ પરસોતમભાઈ, પટેલ રાકેશભાઈ શાંતિલાલ અને પટેલ ભાવેશભાઈ મનુભાઈ સહિતના કાર્યકરો, સેવાભાવીઓના વડપણ હેઠળ આયોજન કરવામાં આવ્યું હતું.


દ્વારકા પગપાળા યાત્રાળુ સંઘના પ્રારંભે વર્ષો પહેલા આ સંઘમાં આ જ રીતે આશરે 300 થી 400 જેટલા પદયાત્રાળુઓ ચાલીને દ્વારકા આવતા હતા. પરંતુ છેલ્લા કેટલાક સમયથી ચાલીને આવતા યાત્રાળુઓની સંખ્યા ઘટી છે, પરંતુ તેઓની આસ્થામાં ઓટ આવી નથી. છેલ્લા 68 વર્ષથી નિયમિત રીતે કારતક માસમાં વડોદરાથી દ્વારકા આવતા આ પદયાત્રી સંઘમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ સ્મૃતિ ભેટ તરીકે ભગવાન દ્વારકાધીશને 350 ગ્રામ સોનાનો મુગટ અર્પણ કરી, યથાશક્તિ આસ્થા વ્યક્ત કરવામાં આવી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application