જામનગર શહેરમાં આજે વિજચોરી પકડવા મૅગા ઑપરેશન

  • February 14, 2024 11:22 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

વિજ ચોરી પકડવા મોટી ઝૂંબેશ...
બે દિવસથી હાલારને ધમરોળી રહેલી પીજીવીસીએલની ટુકડીઓ દ્વારા આજ સવારથી જામનગરના અડધા ડઝનથી વધુ વિસ્તારમાં વિજ ચોરી પકડવા મોટી ઝૂંબેશ હાથ ધરાઇ હતી, તસવીરોમાં મીટર ચેક થતાં જોવા મળે છે, અધિકારીઓની ટીમ અને ગઇકાલે ગ્રામ્ય વિસ્તારમાં મીટર ચેક કરતા કર્મીઓ નજરે પડે છે.

***
બે દિવસમાં હાલારના બન્ને જિલ્લાના તાલુકા વિસ્તારમાંથી રુા. ૬૪.૧૮ લાખની વિજ ચોરી ઝડપાઈ: ૬૧થી વધુ ટીમ શહેરના જુદા-જુદા વિસ્તારોમાં સવારથી જ ત્રાટકી: ગાંધીનગર, મોમાઈનગર, બેડેશ્ર્વર, ધરારનગર, ગુલાબનગર, વામ્બે આવાસ, હાપા ઈન્ડસ્ટ્રીઝ એરિયા સહિતના વિસ્તારોમાં તપાસનો ધમધમાટ: આખું સપ્તાહ હાલારમાં વિજચોરી પકડવા ઑપરેશન ચાલવાની સંભાવના

હાલારના બન્ને જિલ્લા જામનગર અને દ્વારકાના તાલુકા વિસ્તારમાં બે દિવસથી વિજચોરી પકડવા ઑપરેશન ચાલી રહ્યું છે અને આજે એકાએક સવારથી શહેરના અડધો ડઝનથી વધુ વિસ્તારોમાં ૬૧ ટીમ દ્વારા વિજચોરી પકડવા માટે મૅગા ઑપરેશન શરુ કરવામાં આવતાં વિજચોરોમાં ફફડાટ ફેલાઈ ગયો છે. દિવસના અંતે મોટા પ્રમાણમાં વિજચોરી પકડાવાના સંકેતો મળી રહ્યાં છે, આજના દિવસમાં કૉમર્શિયલ અને રહેણાંક બન્ને કનેકશનો પર ચેકિંગની ધોંસ બોલાવવામાં આવી છે. સૂત્રોમાંથી એવું પણ જાણવા મળ્યું છે કે, હાલારમાં લગભગ આખું સપ્તાહ વિજચોરી પકડવા ચેકિંગ ચલાવવામાં આવશે.
આજ સવારથી શહેરના ગાંધીનગર, મોમાઈનગર, બેડેશ્ર્વર, ધરારનગર, ગુલાબનગર, વામ્બે આવાસ, હાપા ઈન્ડસ્ટ્રીઝ એરિયા સહિતના વિસ્તારોમાં ૬૧થી વધુ ટૂકડીઓ પ્રોટકશન સાથે વિજચોરી પકડવા ત્રાટકી છે. ૪૧ ટીમ જામનગર પીજીવીસીએલ તંત્રની છે અને ૨૦ ટીમ દ્વારકાથી બોલાવવામાં આવી છે. કોઈ અનિચ્છનિય બનાવ ન બને એ માટે ૪૫ જેટલાં પોલીસમેનને સાથે રાખવામાં આવ્યા છે. ઉપરાંત વીડિયોગ્રાફી પણ કરવામાં આવી રહી છે. આજ સવારથી ઠંડીમાં થોડો વધારો મહેસૂસ કરાયો છે ત્યારે વહેલી સવારથી જ વિજચોરી પકડવા ધોંસ બોલાવવામાં આવતાં લોકોની ઊંઘ ઉડી ગઈ હતી.
ગઈકાલે સોમવાર થી હાલારના બન્ને જિલ્લાઓ માં ફરી થી વિજ ચેકિંગ શરૂ કરવામાં આવ્યું છે, જેના પ્રથમ દિવસે ગઈકાલે જામનગર તાલુકાના ગ્રામ્ય વિસ્તારો તેમજ લાલપુર અને જામજોધપુર પંથકમાં ચેકિંગ હાથ ધરી રૂપિયા ૨૪.૧૩ લાખ ની વિજ ચોરી ઝડપી લેવાઇ છે, ત્યારે આજે સતત બીજા દિવસે ખંભાળિયા તેમજ ધ્રોલ પંથકમાં વીજ ચેકિંગની કાર્યવાહી ચાલુ રાખવામાં આવી હતી.જેમાં રૂ.૪૦.૦૫ લાખ ની વીજ ચોરી ઝડપાઈ હતી.
જામનગર પીજીવીસીએલ વર્તુળ કચેરી દ્વારા પખવાડિયાના વિરામ પછી ગઈકાલે ફરીથી વીજ ચેકિંગ શરૂ કરી દેવાયું હતું, અને કુલ ૪૧ જેટલી ચેકિંગ ટુકડીને દોડતી કરાવાઈ હતી. જામનગર તાલુકાના દડીયા, મોખાણા, લાવડીયા, ઢંઢા સહિતના ગામોમાં વીજ ચેકિંગ કરવામાં આવ્યું હતું. તે જ રીતે જામજોધપુર તાલુકાના બાલવા, ચુર, વસંતપુર, ઈશ્વરીયા, વેરાવળ સહિતના ગામોમાં વિજ ચેકીંગ ટુકડીને ઉતારવામાં આવી હતી, સાથોસાથ લાલપુર તાલુકાના મુરીલા, મેમાણા, ગજણા સહિતના ગામોમાં પણ વિજ ચેકિંગ કરવામાં આવ્યું હતું, અને સમગ્ર દિવસ દરમિયાન ૪૨૧ વીજ જોડાણ ચેક કરવામાં આવ્યા હતા, જે પૈકી ૮૫ વિજ જોડાણ માં વિજ ચોરી થતી હોવાનું માલુમ પડયું હતું, અને તેઓને ૨૪.૧૩ લાખના પુરવણી બિલો ફટકારવામાં આવ્યા છે.
દરમ્યાન આજે સતત બીજા દિવસે પણ ચેકિંગ ની કાર્યવાહી અવિરત ચાલુ રાખવામાં આવી હતી, અને જામનગર જિલ્લાના ધ્રોલ પંથકમાં તેમજ દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા પંથકમાં વિજ ચેકીંગ કરવામાં આવ્યું હતું.
જ્યારે  આજે ધ્રોલ - જોડિયા પંથક નાં  જોડિયા ,નેસડા ,વાવડી, માણેકપર,હરીપર ,હજામ ચોરા, અને ધ્રોલ તેમજ ખંભાળીયા તાલુકા નાં ખંભાળીયા, કજુરડા, કાઠી દેવળીયા , નાના માંઢા,  મોટા માંઢા, જકાસિયા, નાના - મોટા આસોટા, દાત્રાણા , ધંધુસર અને સોનારડી ગામ મા વીજ ચેકીંગ કરવામાં આવ્યું હતું.
આજે ૫૫ ટીમ દ્વારા ૭૩૯ વીજ જોડાણ તપાસવામાં આવ્યા હતા .જેમાંથી ૧૧૭ વીજ જોડાણ મા ગેરરીતિ જણાતાં આવા આસામીઓ ને રુા.૪૦.૦૫ લાખ નાં પુરવણી બિલ આપવામાં આવ્યા હતા. આમ બે દિવસ મા કુલ રુા.૬૪.૧૮ લાખ ની વીજ ચોરી ઝડપી લેવામા આવી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application