જામનગર શહેરમાં અને ખાસ કરીને હાઈવે રોડ પર થતા અકસ્માતો ઘટાડવાના ભાગરૂપે જામનગરની ટ્રાફિક શાખા તેમજ આરટીઓ કચેરી દ્વારા લોકોને સમજ આપવા માટેની વિશેષ ડ્રાઇવ યોજવામાં આવી હતી. ગઈકાલે મોડી રાત્રે ટ્રાફિક પોલીસ અને આરટીઓ ઈન્સ્પેક્ટરની ટીમ દ્વારા સંયુક્ત રીતે જન જાગૃતિ લાવવાના ભાગપે રોડ સલામતી એવરનેસ લાવવા ડ્રાઈવ યોજવામાં આવી હતી.
જામનગરની ટ્રાફિક શાખાની ટીમ અને આરટીઓની ટીમ દ્વારા મોડી રાત્રીએ સમર્પણ સર્કલ નજીક વધતા જતા અકસ્માતના બનાવોને ધ્યાનમાં લઈ લોકોમાં વાહન ચલાવવાના મુદ્દે એવરનેસ લાવવાના ભાગરૂપે વિશેષ ડ્રાઈવ યોજાઈ હતી. વાહન ચાલકોને સલામતી સાથે વાહનો ચલાવવા અને જાગૃતી દાખવવા માટે ટ્રાફિક અવેરનેશ સંદર્ભે પત્રિકા આપી ખાસ ડ્રાઈવ યોજાઈ હતી.
આ વેળાએ જામનગરના નવ નિયુક્ત એ.એસ.પી. અક્ષેસ ઈંજીનીયર, ટ્રાફિક શાખાના પી.આઈ. એમ.બી. ગજ્જર તથા આરટીઓ ઈન્સ્પેક્ટર એચ.કે. પ્રજાપતિ સહિતના અધિકારીઓ દ્વારા ડ્રાઈવ યોજી લોકોને સલામતી રીતે ડ્રાઈવિંગ માટે માહિતગાર કરવામાં આવ્યા હતા. તથા આગામી દિવસોમાં પોલીસ દંડનીય કાર્યવાહી હાથ ધરશે.
ખાસ કરીને હાઈવે રોડ પરથી ટુ-વ્હીલરમાં નિકળનારા લોકોએ હેલ્મેટ ફરજિયાત પણે પહેરવાની રહેશે, તેવી સમજ આપવામાં આવી હતી. અને હેલ્મેટ પહેર્યા વિના નીકળનારા વાહન ચાલકો, તેમજ ટ્રાફિક નિયમનનો ઉલ્લંઘન કરનારા વાહન ચાલકો સામે કડક હાથે દંડકીય કાર્યવાહી પણ કરવામાં આવશે.