સોનું ઘટીને રૂા.૯૯,૧૦૦: અખાત્રીજના મુહર્ત માટે ગ્રાહકોની ભાવ ઘટાડા પર મીટ

  • April 24, 2025 03:21 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


વૈશ્ર્વીક સ્તરે સોનાના ભાવોમાં થતાં ફેરફારના પગલે સ્થાનીક બજારમાં સોનાના ભાવ સતત બીજા દિવસે ૧ લાખની અંદર જોવા મળ્યા છે. સોનાના ભાવ ૧,૦૨,૫૦૦ પર પહોંચ્યા બાદ હવે ૩,૫૦૦ તુટતા આજે રાજકોટની સ્થાનિક બજારમાં ૨૪ કેરેટ સોનાના ભાવ ૧૦ ગ્રામ દીઠ રૂા.૯૯,૧૦૦ થયા છે. હાલ લગાળો તથા અખાત્રીજના મુહર્તના ગણતરીના દિવસો બાકી છે ત્યારે મધ્યમ વર્ગના ગ્રાહકો ખરીદી માટે હજુ પણ સોનાના ભાવના ઘટાડા પર મીટ માંડીને બેઠા છે.
મુંબઈની સોની બજારમાં થઈ રહેલા ભાવના વધારા–ઘટાડાની અસર સ્થાનિક સોની બજારમાં પડી રહી છે. ગઈકાલે એમસીએકસમાં ભાવ તુટયા બાદ આજે ફરી થોડો વધારો નોંધાયો છે પરંતુ સ્થાનીક બજારમાં ભાવ મધ્યમ વર્ગની પહોંચની બહાર છે ત્યારે લોકો ખરીદી માટે થોભો અને રાહ જુઓની સ્થિતિમાં જોવા મળી રહ્યા છે.
સોનાના ભાવ એક લાખની ટોચ પર પહોંચ્યા બાદ થોડો ઘટાડો થયો છે પણ ખરીદી નીકળી નથી. સામાન્ય રીતે અખાત્રીજના દિવસે લોકો મુહર્ત અને શુકન માટે સોના–ચાંદીની ખરીદી કરતા હોય છે. દર વર્ષે શુભ મુહર્તમાં સોનાની ખરીદી માટે બહોળા પ્રમાણમાં ગ્રાહકો એડવાન્સ બુકીંગ કરતા હોય છે. પરંતુ ચાલુ વર્ષે લોકો માત્ર પસંદગી માટે ઘરેણાની ડીઝાઈન જોવા આવે છે જયારે બુકીંગ કરવાના બદલે ભાવ ઘટે તેની રાહ જોઈ રહ્યા છે.
મધ્યમ વર્ગ દ્રારા ખરીદી નહિવત: પ્રભુદાસ પારેખ
રાજકોટની સોની બજારના શિલ્પા જવેલર્સના સંચાલક પ્રભુદાસ પારેખે મધ્યમ વર્ગ દ્રારા નહિવત ખરીદી થઈ રહી હોવાનું જણાવ્યું હતું. હાલ લગાળો અને અખાત્રીજનું વણજોયું મુહર્ત નજીકમાં છે ત્યારે માાત્ર ધનિક વર્ગ એન્ટીક ડિઝાઈનના બ્રાઈડલ ઘરેણાની ખરીદી માટે બુકીંગ કરી રહ્યો છે. ગ્રાહકોના વલણને ધ્યાનમાં રાખીને લાઈટ વેઈટના ઘરેણા સોની બજારમાં મુકાયા છે. મોટાભાગના ગ્રાહકો ઘરેણાની ડીઝાઈન પસદં કરવા આવી રહ્યા છે પરંતુ ખરીદી માટે ભાવ ઘટાડાની રાહ જોઈ રહ્યા છે.
અખાત્રીજનું કોઈ બુકિંગ જ નથી થઈ રહ્યંું: દર્શિત સોની
રાજકોટની સોની બજારમાં રાધીકા જવેલર્સના સંચાલક દર્શિત સોનીએ પણ જણાવ્યું હતું કે, સોનાના ઉંચા ભાવના કારણે સિઝન પ્રમાણે ખરીદી ખુબ જ ધીમી છે. અખાત્રીજનું કોઈ બુકીંગ જ નથી થયું. સિઝનના પ્રમાણમાં ગ્રાહકો નહિવત ખરીદી કરી રહ્યા છે. તેમજ મધ્યમ વર્ગના ગ્રાહકો સોનાના ભાવ ઘટે પછી ખરીદી કરવાનું વલણ દાખવી રહ્યા છે. હાલ પસંદગી કરવા માટે ગ્રાહકો આવે છે પરંતુ બુકીંગ પણ કરાવતા નથી



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application