સરકાર દ્વારા રાજ્યની સરકારી હોસ્પિટલોને સુપર સ્પેશિયાલિટી બનાવવા માટેની કામગીરી કાચબા ગતિએ શરૂ કરવામાં આવી છે પરંતુ આરોગ્ય કેન્દ્ર હોય કે સુપર સ્પેશ્યાલિટી હોસ્પિટલ જ્યાં પાયાની જ સુવિધાઓ ન હોય તો માત્ર ઇન્ફ્રાસ્ટક્ચર ખડકી માત્રને માત્ર આરોગ્ય ક્ષેત્રે વિકાસનો દેખાડો કરવો એ પણ કેટલી હદે વ્યાજબી કહી શકાય, સૌરાષ્ટ્રના દર્દીઓ માટે આશાનું કિરણ ગણાતી રાજકોટ સિવિલ હોસ્પિટલમાં છેલ્લા એક મહિનાથી રૂટિન ગણાતા માસ્ક, કેપ, પાઈન્ટ(બાટલા), આઈવી સેટ, ક્લિનિંગ માટેના હાઇપો તેમજ મોટાભાગની મેડિસિન સહિતની વસ્તુઓનો જાણે કુત્રિમ દુકાળ પડ્યો હોય એવી પરિસ્થીની ઉભી થઇ છે, દર્દીઓની પ્રાથમિક સારવાર માટે ઉપયોગી વસ્તુઓનો સ્ટોક જ પૂરતો ન મળતો હોવાની બૂમરાળ છેલ્લા કેટલાક સમયથી વોર્ડના નર્સિંગ સ્ટાફ દ્વારા ઉઠી રહી છે પરંતુ આ બુમરાળ સાંભળનાર કોઈ ન હોવાની પણ બૂમ ઉઠી છે, રૂટિન ઉપયોગી મેડિકલની વસ્તુઓ ઇન્ડેન કરવા છતાં સ્ટોરમાંથી ગણીગાંઠી વસ્તુઓ જ આવતી હોવાથી ડોકટરો, નર્સીંગ સ્ટાફની સાથે દર્દીઓને પણ સફર થવાની નોબત આવી છે. તો બીજી બાજુ વોર્ડમાં પૂરતી મેડિકલ આઇટમની સપ્લાય મળતી ન હોવાથી દર્દીઓની સારવારમાં પણ ઉલાળ્યો કરવામાં આવી રહ્યો છે, ખાસ કરીને ઝનાનામાં લેબર ઓટી, આઇસીયુમાં પણ માસ્ક, કેપ જેવી વસ્તુઓ તેમજ ઈન્ફેક્ટેડ પ્રસૂતાઓની ડિલિવરી માટેની કીટની પણ પૂરતી સપ્લાય મળતી ન હોય એ ખુબ ગંભીર બાબત છે,
ગાંધીનગરથી ઉકેલ લાવવા મુદ્દેની કામગીરી શુન્ય
ઝનાના અને પીડીયુના વોર્ડ ઇન્ચાર્જ દ્વારા રોજે સ્ટોરમાં ઈન્ડેડ ભરીને મોકલવામાં આવી રહ્યું છે પરંતુ સ્ટોર માં વસ્તુઓ હાજરમાં હોય એ આપવામાં આવી રહી છે, સ્ટોરમાં પણ સરકારના જીએમએસસીએલ કોર્પોરેશનમાંથી પૂરતી નહીં નહિવત કહી શકાય એટલી જ સપ્લાય આવતી હોવાના કારણે સ્ટોરના કર્મચારીઓ પણ એકલ દોકલ આઈટમ આપી બાકીની વસ્તુઓ ન હોવાની ઇન્ડેનમાં રેડ ચોકડી મારી રહ્યા છે. સ્ટોર સંચાલકો દ્વારા સુપ્રિટેન્ડેન્ટને લેખિતમાં જાણ કરે છે સુપ્રિટેન્ડેન્ટ ગાંધીનગર ફોરવર્ડ કરે છે પરંતુ પરિણામ છેલ્લા મહિનાઓથી શુન્ય આવી રહ્યું છે. આરોગ્ય ક્ષેત્રે આટલી મોટી બેદરકારી એ દર્દીઓ માટે પણ ખુબ જોખમી કહી શકાય છે.
વિવાદિત જીએમએસસીએલમાં અંધેરી નગરી ગંડુ રાજા
રાજ્ય સરકારના તાબા હેઠળના ગુજરાત મેડિકલ સર્વિસ કોર્પોરેશન (જીએમએસસીએલ) માત્ર રાજકોટ સિવિલમાં જ નહીં પણ રાજ્યની સરકારી હોસ્પિટલોમાં પૂરતો દવા સહિતનો જથ્થો પૂરો પાડવામાં નાપાણીયું સાબિત થયું છે, જેના કારણે આરોગ્ય ક્ષેત્રે હોસ્પિટલોમાં કુત્રિમ દવા સહિતની વસ્તુઓનું અછત ઉભી થઇ રહી છે, આ ઉપરાંત છેલ્લા ઘણા સમયથી વિવાદમાં આવેલા જીએમએસસીએલમાં મેનેજીંગ ડાયરેક્ટરોની ટૂંકા સમયમાં બદલીઓ કરવામાં આવી છે એમ છતાં કોઈ ફરક પડ્યો નથી, રાજકોટ સ્થિત ડેપોમાં પણ અનેક વખત દવાના કૌભાંડો થયા છે તો કર્મચારીઓની બેદરકારીઓના કારણે વરસાદમાં કિંમતી દવાઓનો જથ્થો પલળી જતા જવાબદારો સામે કોઈ ઠોસ કાર્યવાહી કરવામાં આવી ન હોવાથી ઉપરથી લઇ નીચે સુધી આ વિભાગમાં અંધેરી નગરી ને ગંડુ રાજા જેવી સ્થિતિ જોવા મળી છે. અને ભોગ ડો.જે.કે.નથવાણી જેવા તબીબી અધિકારીઓ બની રહ્યા છે.
લોકલ ખરીદી બંધ, નવા ટેન્ડરની કામગીરીથી પરિસ્થિતિ ઉભી થઈ
સિવિલ હોસ્પિટલમાં મોટા પ્રમાણમાં દવા કૌભાંડની ગંધ ઉપર સુધી આવતા અનેક પ્રશ્નો ઉભા થયા હતા. જેને લઈને જે તે વખતે આરોગ્ય કમિશનર દ્વારા બિલ મંજુર કરવાની પણ ના પાડી દીધી હતી અને ઓડિટ માટેની કાર્યવાહી કરવાનું જણાવ્યું હતું. આ પરિસ્થિતિના પગલે સિવિલ સુપ્રિન્ટેન્ડેન્ટ દ્વારા પારદર્શક વહીવટી પ્રક્રિયા કરવા માટે લોકલ દવા સહિતની ખરીદી બંધ કરી દેવામાં આવી હતી અને ડાયરેક્ટ ફાર્મા કંપની પાસેથી જીઈએમ મારફતે જ દવા મગાવવા માટેના ટેન્ડરો કરવાની સૂચના કરવામાં આવી હતી. જેને લઈને પરિસ્થિતિ વધુ બગડતા ટેન્ડર પ્રક્રિયામાં ફેરફાર કરવામાં આવ્યા છે અને સ્થાનિક દવાના વેપારીઓ પણ જીઈએમ મારફતે સપ્લાય કરી શકે તેવી ટેન્ડર વ્યવસ્થા ગોઠવવામા આવી રહી છે. પરંતુ વૈકલ્પિક વ્યવસ્થા ઉભી ન કરવામાં આવતા સિવિલ અને ઝનાનામાં દવાનો દુકાળ પડ્યો છે.
પૂરતી વસ્તુઓ ન હોવાથી દર્દીઓને વધુ દિવસ સુધી દાખલ રખાય છે
વોર્ડમાં મેડીકલી સપ્લાય પૂરતા પ્રમાણમાં ન હોવાથી તેની ગંભીર અસર દર્દીઓની સારવાર ઉપર પડી રહી છે, આઈવી સેટ જેવી વસ્તુઓ પણ પૂરતા પ્રમાણમાં ન હોવાથી દર્દીઓને દવા ઉપર વધુ દિવસ સુધી દાખલ રાખવામાં આવી રહ્યા હોવાની પણ ચોક્કસ અને આધારભૂત સુત્રોએ જણાવ્યું છે. સરકારના આરોગ્ય વિભાગના પાપે દર્દીઓ અને તેના સ્વજનોને વગર વાંકે હોસ્પિટલમાં દિવસો ગુજારવા પડી રહ્યા છે.