સલાયામાં દર વર્ષની જેમ આ વર્ષે પણ લોહાણા મહાજન સંચાલિત ગરબી યોજાશે

  • September 23, 2024 10:58 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ધામધૂમપૂર્વક ઉજવાશે નવરાત્રિ મહોત્સવઃ ગરબા સમિતિ દ્વારા તડામાર તૈયારીઓ


સલાયા લોહાણા મહાજન સંચાલિત નવરાત્રી 68 વર્ષથી સંપૂર્ણ ધાર્મિક વાતાવરણમાં ઉજવાય છે. જે આં વર્ષે પણ ધામધૂમપૂર્વક ઉજવવામાં આવશે. આ ગરબીમાં દરરોજ બાળાઓ દ્વારા જુદા-જુદા રાસ-ગરબા યોજવામાં આવે છે. જેમાં દેશભક્તિ, સમાજ સુધારણા, બેટી બચાવો તેમજ સામાજિક રીતિ-રિવાજો વગેરેની જલક દેખાડતા જુદા-જુદા રાસ-ગરબા દીકરીઓ દ્વારા કરવામાં આવે છે.


આ ગરબી નિહાળવા આજુબાજુના ગામોમાંથી મોટી સંખ્યામાં લોકો આવે છે. આ ગરબીની તૈયારી સલાયા લોહાણા નવરાત્રી સમિતિ કરે છે, જેના પ્રમુખ તરીકે સુરેશભાઈ બારાઇ અને ઉપપ્રમુખ તરીકે લાલજીભાઈ ભૂવા સેવા આપે છે. આ ગરબીમાં માતાજીનું મંદિર તેમજ ગરબો ચાંદીથી બનાવેલ છે. જામનગરની હરિદાસ ઋગનાથ બદિયાણીની નામાંકીત પેઢી દ્વારા વર્ષો પહેલા આં ગરબીને ચાંદીનો ગરબો ભેટ આપ્યો હતો, તેમજ આખું મંદિર જે ચાંદીથી મઢેલ છે. તે દાતાઓના સાથ સહકારથી બનેલ છે. આ ગરબીમાં ફિલ્મોના ગીત ઉપર રાસ-રમવામાં આવતાં નથી, ફક્ત ધાર્મિક ગરબામાં જ દીકરીઓ રાસ રમે છે.


આ ગરબીમાં સલાયા લોહાણા મહાજનનાં પ્રમુખ ભરતભાઈ લાલ તેમજ ઉપપ્રમુખ અરવિંદભાઈ ભાયાણી તથા લોહાણા મહાજનના કારોબારી સભ્યોનાં માર્ગદર્શન હેઠળ યોજવામાં આવે છે, અહી આઠમના રોજ ઈશ્વર વિવાહ ગાવાનું પણ આયોજન કરવામાં આવ્યું છે. ગરબીની તૈયારીઓ અત્યારથી જ આરંભી દેવામાં આવી છે, જેમાં મહાજન વાડી સાફ-સફાઈ તેમજ અન્ય સફાઈના કામો મહાજન પ્રમુખ ભરતભાઈ લાલનાં પરિવારજનો તથા સમિતિના મેમ્બરો દ્વારા જાતે કરવામાં આવે છે, તેમ એક અખબારી યાદીમાં જણાવાયું છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application