જામનગર : ધ્રોલ ગામમાંથી બાળકીનું અપહરણ કરનાર ઝડપાયો

  • January 30, 2026 01:44 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


ધ્રોલ વિસ્તારમાંથી બાળાનું અપહરણ કરનાર પરપ્રાંતીય શખ્સને ગણતરીની કલાકોમાં પોલીસે દબોચી લઇ વધુ પુછપરછ હાથ ધરી છે જયારે બાળાને મેડીકલ ચકાસણી માટે મોકલી આપી છે. આરોપી બાળાને રમાડવા માટે લઇ ગયાનું રટણ કર્યુ હતું. 


ધ્રોલ પંથકમાં વાડી વિસ્તારમાંથી પાંચ વર્ષની બાળકીનું અપહરણ થયું હતું, અને તેણીને ઉઠાવી જનાર બાજુની વાડીમાં કામ કરતા મૂળ મધ્ય પ્રદેશ કાજુ હટુ બુંદેડીયા સામે અપહરણની ફરિયાદ નોંધાવી હતી. 


ડીવાયએસપી મીત રૂદલાલ, એલસીબી પીઆઇ લગારીયા, એસઓજી પીઆઇ પીઆઇ ચૌધરી, ધ્રોલના પીઆઇ રાઠોડ, કાલાવડના પીઆઇ આંબલીયાના માર્ગદર્શન હેઠળ ટીમો બનાવવામાં આવી હતી, દરમ્યાન ધ્રોલ પોલીસ દ્વારા આ મામલે તુરતજ તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો, અને જુદા જુદા સીસીટીવી કેમેરાઓ મારફતે ડબલ સવારી બાઈકમાં બાળકી ને વચ્ચે બેસાડીને લઈ જતા સીસીટીવી ફૂટેજ મળ્યા હતા.

જે અંગે ઊંડાણપૂર્વકની તપાસ બાદ પાંચ વર્ષની બાળકી સાથે કાજુ હટુ બૂંદેડીયા રહે. અલીરાજપુરના પાનગુડા ગામ અને હાલ પડધરી બાયપાસ ખાતે રહેતો શખ્સ પોલીસના શકંજામાં આવી ગયો છે, જેને ધ્રોલ પોલીસ મથકમાં લઈ આવ્યા બાદ ઘનિષ્ઠ પૂછપરછ ચલાવાઈ રહી છે. ઉપરાંત તેની સાથે રહેલી પાંચ વર્ષની બાળકીને ધ્રોળની સરકારી હોસ્પિટલમાં લઈ જઈ તેની તબીબી ચકાસણી કરવામાં આવી રહી છે.


પોલીસની પ્રાથમિક પૂછપરછ દરમિયાન આરોપી બાળકીનો કુટુંબ મામો થતો હોવાનું જણાવ્યું હતું, અને બાળકીને ખાવા પીવાની ચીજ વસ્તુ લઈ દેવા માટે પોતે પડધરી ટાઉનમાં આવી રહ્યો હતો, અને રસ્તામાં એક બાઈક સવાર ધ્રોલ તાલુકાના ગરેડીયા ગામના એક યુવાન પાસેથી લિફ્ટ માગી હતી, અને તેમાં પાછળ બેસીને ગયો હોવાનું જણાવ્યું હતું. પોલીસ દ્વારા બાઈક સવારની પણ પૂછપરછ ચલાવવામાં આવી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application