ખંભાળિયા નગરપાલિકા દ્વારા વેરા ન ભરાતા છ દુકાનો સીલ

  • January 16, 2025 01:31 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

શિવહરી કોમ્પલેક્સમાં સીલ કરતાં ટેક્સ ઇન્સ્પેક્ટર તથા તેમની ટીમ


ખંભાળિયા નગરપાલિકાની આર્થિક હાલત અત્યંત દયનીય અને કંગાળ છે. આ પરિસ્થિતિમાં પાલિકાની ટેક્સ કલેક્શન કામગીરી પણ ખૂબ જ નબળી બની રહી છે. ત્યારે ગઈકાલે બુધવારે નગરપાલિકાએ આળસ ખંખેરીને છ બાકીદારોની મિલકતો સીલ કરી દીધી છે.


નગરપાલિકા સૂત્રો દ્વારા જાણવા મળતી વિગત મુજબ નગરપાલિકાની હદમાં આવેલા માંડવી ટીંબા વિસ્તારમાં આવેલા શિવહરિ કોમ્પ્લેક્સમાં કેટલાક આસામીઓ દ્વારા નગરપાલિકાને મિલકત વેરો ભરવામાં આવ્યો ન હતું. આટલું જ નહીં, નગરપાલિકા દ્વારા આપવામાં આવેલી નોટિસોના યોગ્ય પ્રત્યુતર પણ ન અપાતા આ અંગે નગરપાલિકાના ઇન્ચાર્જ ચીફ ઓફિસરની સૂચના મુજબ ટેક્સ ઇન્સ્પેક્ટર કિશોરસિંહ સોઢા તેમજ તેમની ટીમ દ્વારા બુધવારે શિવહરી કોમ્પલેક્ષમાં આવેલી આ છ દુકાનોમાં સીલ મારી દેવામાં આવ્યા છે.


નગરપાલિકા હવે ટેક્સ બાબતે આકરા પાણીએ થઈને આગામી દિવસોમાં પણ આ પ્રકારની ઝુંબેશ જારી રાખશે તેવું પણ જાણવા મળ્યું છે.


હાલ ટેક્સ કલેક્શનની કડકરીતે હાથ ધરવામાં આવેલી ઝુંબેશના કારણે છેલ્લા 20 દિવસમાં 21 લાખ રૂપિયા જેટલી વસુલાત થયાનું જાણવા મળ્યું છે. ત્યારે તળિયા ઝાટક રહેલી ખંભાળિયા નગરપાલિકાની તિજોરીમાં દરરોજની એક લાખ રૂપિયાની નોંધપાત્ર આવક શરૂ થઈ ગઈ છે. આ વચ્ચે પાલિકામાં કામ કરતા કર્મચારીઓના છેલ્લા કેટલાક સમયથી પગાર પણ અનિયમિત રહેતા હવે આ અંગેની ગાડી ધીમે ધીમે પાટે ચડી રહે તેવી સંભાવનાઓ પણ જોવા મળી રહી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application