ગુજરાતથી દિલ્હી સુધી ડ્રગ્સની હેરાફેરીનો માસ્ટર માઇન્ડ જોડિયાનો ઇશા હુશેન

  • March 07, 2024 11:30 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાવની પત્ની, પુત્ર અને જમાઇની ધરપકડ : પુત્રી, જામનગરનો ઇકોવાળો, ટંડેલ સહિત છ વોન્ટેડ : વેરાવળ ડ્રગ્સ પ્રકરણની તપાસમાં થયો ઘટસ્ફોટ

વેરાવળમાંથી ૩૫૦ કરોડનું ડ્રગ્સ પકડાયાના કેસની તપાસમાં ગુજરાતમાંથી જ ડ્રગ્સની હેરાફેરી થતી હોવાનો ચોંકાવનારો ઘટસ્ફોડ થયો છે, અરબી સમુદ્રમાં મધદરિયે પાકિસ્તાની ડ્રગ્સ માફિયા દ્વારા મોકલાતા ડ્રગ્સની ખેપ લઇને ગુજરાતમાં ઉતારીને બીજા રાજયોમાં મોકલવાના કારસ્તાનમાં સુત્રધાર તરીકે જામનગર જીલ્લાના જોડીયાના ઇશા હુસેન રાવનું નામ ઉપસી આવ્યુ છે, આફ્રિકન ક્ધટ્રીમાં છુપાઇને પાકિસ્તાન સાથે મળી ડ્રગ્સનું કારસ્તાન કરતો ઇશા હુશેનની પત્ની તાહિરા, પુત્ર અરબાઝ અને જમાઇની ગુજરાત એટીએસએ ધરપકડ કરી છે આ અગાઉ સપ્ટેમ્બર ૨૦૨૩માં આ ટોળકીએ ૮ કિલો ડ્રગ્સ ઘુસાડયુ હતું તે અંગે ગુનો નોંધી ઇશા હુશેન રાવ, તેની પુત્રી વેરાવળમાં ડ્રગ્સ લાવનાર ધર્મેન્દ્ર ગોડ ઉપરાંત દિલ્હીમાં ડ્રગ્સ લેનાર નાઇજીરીયન નાગરીક સહિત કુલ નવ લોકો સામે એટીએસ દ્વારા ગુનો નોંધી છ આરોપીને વોન્ટેડ દર્શાવાયા છે.
વેરાવળમાંથી માછીમારી માટે નીકળેલી બોટમાં ઘુસાડવામાં આવેલું ૩૫૦ કરોડનું ડ્રગ્સ તા. ૨૦ના રોજ પકડાયું હતું. એટીએસના ડીવાયએસપી એસ.એલ. ચૌધરી અને ટીમને ડ્રગ્સ લાવનાર બોટના ટંડલ અને આરોપી ધર્મેન્દ્ર ગૌડની પુછપરછમાં બાતમી મળી હતી કે, ડ્રગ્સ કેસનો મુખ્ય સુત્રધાર જોડિયાનો ઇશા હુસેન રાવ છે, ઇશા હુશેન રાવ અને આખો પરિવાર ડ્રગ્સની હેરાફેરીમાં સંડોવાયેલો છે આ પરિવારે સપ્ટેમ્બર-૨૦૨૩માં આજ પઘ્ધતિએ અરબી સમુદ્રમાં પાકિસ્તાથી મોકલાવેલ ડ્રગ્સ ધર્મેન્દ્ર ગૌડ થકી જ વેરાવળ ઉતારીને દિલ્હી સુધી પહોચાડયુ હતું, એટીએસએ આ અંગે અલથી ગુનો નોંધી ઇશાની પત્ની તાહીરા, પુત્ર અરબાઝ અને એક મળતીયાની ધરપકડ કરી છ લોકોને વોન્ટેડ દર્શાવ્યા છે.
ઇશા હુશેન રાવ હાલ આફ્રિકન ક્ધટ્રીમાં છુપાયેલો છે અને તેના પરિવાર થકી હેરોઇન ગુજરાતમાં ઉતારી દિલ્હી તેમજ અન્ય રાજયોમાં પહોચાડવાનો ગોરખધંધો કરે છે. એટીએસએ નોંધેલા ગુના મુજબ, સપ્ટેમ્બર-૨૦૨૩માં ઓમાનના દરિયા નજીક પાકિસ્તાની નાગરીક મુર્તુઝાએ આઠ કિલો હેરોઇનનોજથ્થો વેરાવળની હેમ મલ્લિકા ૧ બોટના ટંડેલ ધર્મેન્દ્ર ગૌડને ડિલીવર કર્યો હતો. ૧૬-૧૦-૨૩ના વહેલી સવારે વેરાવળમાં ઉતારાયેલો ડ્રગ્સનો આ જથ્થો ઇશા રાવની પુત્રી માસુમા અને મંગેતર રિઝવાન નોડે મારફતે રાજસ્થાના બિયાવર ખાતે જામનગરના આસિફ સમાની ઇકો કારમાં ડિલીવરી કરી હતી, ૮ કીલો હેરોઇન આસિફ સમાએ દિલ્હીના તિલકનગરમાં કોઇ નાઇજીરીયન અથવા તો સાઉથ આફ્રિકન વ્યકિતને ડિલીવરી કરી હતી. વેરાવળ ખાતે ઉતરાયેલુ ૮ કિલો હેરોઇન ઇશા રાવે તેના સાગરિત મારફતે આબુ રોડથી બિયાવર જતા બીજી ટનલ પાસે રોડની બાજુમાં મુકાવ્યુ હતું હેરોઇનનો આ થેલો ઇશાના જમાઇ રીઝવાન નોડે અને પુત્રી માસુમાએ બીજા દિવસે આસિફ સમાની કારમાં મુુકયો હતો અને દિલ્હીમાં ડિલીવરી આપી હતી. આ હેરોઇનના વેચાણ પેટે કુલ ૨૬.૪૮લાખ મળ્યા હતા તે ઇશા રાવે પોતાના માણસો મારફતે ગુનાના આરોપીઓને મોકલાવ્યા હતા.
સપ્ટેમ્બર-૨૩માં થઇ ગયેલી ૮ કિલો હેરોઇનની હેરાફેરીના કેસમાં સુત્રધાર તરીકે જોડિયાનો ઇશા હુસેન રાવ ઉપસી આવ્યો છે એટીએસએ ઇશાની પત્ની તાહીરા, પુત્ર અરબાઝ (બંને રહે. જોડીયા) ઉપરાંત જમાઇ રિઝવાન તૈયબ નોડે (રહે બેડેશ્ર્વર જામનગર)ની ધરપકડ કરી છે. જયારે આફ્રિક બેસી ડ્રગ્સની હેરાફેરીનું સંચાલન કરતા ઇશા રાવ ઉપરાંત તેની પુત્રી માસુમા તેમજ ડ્રગ્સ મોકલનાર પાકિસ્તાની નાગરીક મુર્તુઝા, ડ્રગ્સની હેરાફેરીમાં મદદગાર જામનગરના આસિફ ઉર્ફે કારા જુસબભાઇ સમા, ડ્રગ્સ લાવનાર બોટના ટંડેલ ધર્મેન્દ્ર બુઘ્ધીલાલ ગૌડ (વેરાવળનો આરોપી મુળ યુપી) તેમજ દિલ્હીના તિલકનગરમાં રહેતા વિદેશી નાગરીકને વોન્ટેડ દર્શાવ્યા છે.
ઉલ્લેખનીય છે કે ૨૦૨૧માં દ્વારકા પાસેથી ૧૨૦ કીલો હેરોઇન એટીએસએ પકડયુ હતું ત્યારે જોડીયાના ઇશાનો ભાઇ હુશેન સહિત ૩ આરોપી પકડાયા હતા, આ ગુનામાં ઇશાનું નામ ખુલ્યુ હતું એ સમયે એવી વિગત ખુલી હતી કે ઇસા અને તેના ભાઇએ કુલ ૩૦૬ કીલો ડ્રગ્સ મંગાવ્યુ હતું જે પૈકી ૧૬૧ કીલો વહેચ્યુ પણ ૧૪૫ કીલો હેરોઇન પકડાઇ જતા ઇશા પંજાબ ભાગ્યો હતો અને આફ્રીકા પહોચી ગયો હતો. ત્યાથી પરિવારને સક્રીય કરી હેરોઇનની હેરાફેરી શરુ કરી હતી.૩ વર્ષથી જોડીયાનો ઇશા હુશેન એટીએસની ફાઇલમાં વોન્ટેડ છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application