સફાઇમાં જામનગરની શરમજનક સ્થિતિ: ૨૯ ક્રમ નીચે ધકેલાયો

  • January 12, 2024 12:53 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

સૌથી મોટા સ્વચ્છતા સર્વેમાં અગાઉ જામનગર ૫૪માં ક્રમે હતું હવે ૮૩માં ક્રમે પહોંચી ગયું: પદાધિકારીઓ અને અધિકારીઓ ફોટા પડાવવામાં વ્યસ્ત: નકકર કામગીરી કરો તો જ શહેર સ્વચ્છ બની શકે

કેન્દ્ર સરકારના હાઉસીંગ એન્ડ અર્બન ડેવલોપમેન્ટ દ્વારા ૨૦૨૩માં યોજાયેલા સ્વચ્છતાના સર્વેક્ષણમાં જામનગર ખુબ જ શરમજનક સ્થિતિમાં આવી ગયું છે, રાજયમાં સુરત અને અન્ય રાજયોમાં ઇન્દોરે પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યુ છે જયારે જામનગરનો અગાઉ ૫૪માં નંબર હતો તે હવે ૮૩માં ક્રમે ધકેલાઇ ગયો છે, શહેરની સ્વચ્છતા માટે હવે નકકર આયોજન કરવું પડશે, માત્ર કાગળ ઉપર પ્લાન બનાવી કે હાથમાં સાવરણા લઇ ફોટા પડાવવાથી શહેર સ્વચ્છ થતું નથી, કચરામાંથી વિજળી બનાવવા માટે જામનગરમાં રુા.૮૦ કરોડના ખર્ચે સૌરાષ્ટ્રમાં એકમાત્ર પ્લાન્ટ બનાવ્યો છે પરંતુ તેનું કોઇ પરીણામ આવ્યું નથી, ત્યારે હવે જામ્યુકોના પદાધિકારીઓ અને અધિકારીઓએ આ વિષય ઉપર ગંભીરતાપૂર્વક વિચારવું જોઇએ.
સ્વચ્છતાની બાબતમાં મીનીસ્ટ્રી ઓફ હાઉસીંગ એન્ડ અર્બન અફેર્સ દ્વારા એપ્રિલ મહીના બાદ સ્વચ્છતા સર્વેક્ષણ-૨૦૨૩ શરુ કરાયું હતું જેમાં જામનગરમાં પણ અધિકારીઓની ટીમ આવી હતી, શહેરમાંથી કચરો દુર કરવાની પઘ્ધતિ, બીટની સંખ્યા, કોર્પોરેશન દ્વારા થતી દંડનાત્મક કાર્યવાહી તેમજ ઉકરડા નાબુદી, કચરાના પોઇન્ટ, કચરા નિકાલની સાઇટ અને વ્યવસ્થા તેમજ કચરા સિસ્ટમ અંગે પણ અધિકારીઓએ સર્વેક્ષણ કર્યુ હતું.
અત્રે એ યાદ આપવું જરુરી છે કે, ૨૦૨૧માં જામનગરે સ્વચ્છતાની બાબતમાં દેશમાં ૨૩મું સ્થાન પ્રાપ્ત કર્યુ હતું, ૨૦૨૨માં કોર્પોરેશને ૫૪નું સ્થાન પ્રાપ્ત કર્યુ હતું અને ૨૦૨૩ના અંતમાં જામનગરે ૮૩મો ક્રમાંક મેળવ્યો છે, આમ માત્ર બે વર્ષમાં જ સ્વચ્છતાની વધુ બગડેલી સ્થિતિ જામનગરમાં જોવા મળી હતી, આ સમયગાળામાં ૫૦ ક્રમ જામનગર સ્વચ્છતામાં નીચે ઉતરી ગયું હતું.
અગાઉના વર્ષોમાં સ્વચ્છતા ક્રમ બે કેટેગરીમાં હતી, જેમાં ૧૦ લાખથી ઉપરની વસ્તીવાળા શહેર અને ૧૦ લાખ સુધીની વસ્તીવાળા શહેર એમ બે કેટેગરીમાં સર્વેક્ષણ કરાયું હતું, આખા સર્વેક્ષણમાં ઇન્દોર અને સુરત પ્રથમ સ્થાને રહ્યું હતું. ટોપ-૧૦ શહેરોમાં ઈન્દોર ઉપરાંત સુરત, નવી મુંબઇ, વિશાખાપટ્ટનમ, ભોપાલ, વિજયવાડા, નવી દિલ્હી, તીરુપતિ, હૈદરાબાદ અને પુનાનો સમાવેશ થાય છે.
ભારતના શહેરોમાં સ્વચ્છતા કેવી છે, ઘરે ઘરે કચરો એકત્ર કરવા ની શું સુવિધા સુ છે ? ગાર્બેજ પ્રોસેસીંગ વ્યવસ્થા છે ? આ સહિત ની અનેક વિગતો સાથે શા ને નંબર આપવામાં આવે છે. જો કે, પાછળ ધકેલાવવાના કારણોમાં એવું પણ કારણ છે કે ગત વર્ષ ૧ થી ૧૦ લાખ અને ૧૦ લાખથી વધુ વસ્તીવાળા શહેરની અલગ ગણતરી કરવામાં આવી હતી, પરંતુ આ વખતે તમામ સહેર એક જ કેટેગરીમાં હતાં. આથી જામનગર પાછળ ધકેલાયું છે. ભારતના કુલ ૪૪૬ શહેરો આ સ્વચ્છતા ઝુંબેશ હરિફાઈમાં જોડાયા હતાં.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application