બાવરીવાસમાં ડીવાયએસપી સહિતના કાફલા દ્વારા ચેકીંગ: એકસાથે ૩૫ સ્થળોએ દરોડા: ૧૦૦ લીટર દેશી દારુ અને ૧૭૦ લિટર આથો કબ્જે કરાયો
જામનગરમાં દેશી દારુનું દુષણ દુર કરવા બાવરીવાસ વિસ્તારમાં શનિવારે મોડી સાંજે પોલીસ દ્વારા કોમ્બીંગ હાથ ધરવામાં આવ્યુ હતું, ૩૫ સ્થળે રેઇડ પાડી દારુ-આથો કબ્જે કર્યો હતો અને ૧૪ મહિલા સામે ફરીયાદ દાખલ કરવામાં આવી હતી. એસ.પી., ડી.વાય.એસ.પી. ની સુચનાથી સ્ટાફ દ્વારા આ કાર્યવાહી કરવામાં આવી હતી.
જામનગર શહેરના સીટી-સી ડીવી પોલીસ પો.સ્ટે. વિસ્તાર હેઠળના જાગૃતીનગર, વુલનમીલ ફાટક ખુલ્લી ફાટક, ગણપતનગર, બાવરીવાસમાં દેશી દારૂનું દુષણ દુર કરવા માટે જામનગર સીટી ડીવીઝન પોલીસ સ્ટેશનના એ ડીવીઝન, બી ડીવીઝન અને સી ડીવીઝન પોલીસ સ્ટાફના માણસો તથા એલ.સી.બી. તથા એસ.ઓ.જી. ના પોલીસ સ્ટાફના માણસો અને અધિકારી સાથે રાખીને દરોડા પાડવામાં આવ્યા હતા.
આ વિસ્તારમાં ચાલતી દેશી દારૂ બનાવટ અને વેચાણ અંગે કોમ્બીંગ હાથ ઘરી એક સાથે ૩૫ સ્થળો ઉપર દરોડા પાડવા આવ્યા હતાં. જેમાથી ૧૪ સ્થળો ઉપર ગેરકાયદે દેશી દારૂની પ્રવૃતી નજરે ચડી હતી. પોલીસે કુલ દેશી દારૂ લીટર-૧૦૦, કિમત રુ. ૨૦,૦૦૦ તથા દેશી બનાવવાનો દારૂનો કાચો આથો લીટર - ૧૭૦, કિ. ૪૨૫૦/- નો મુદામાલ કબજે લીધો હતો.
આ દરોડામાં ગોદાવરીબેન પ્રવિણભાઇ ચૌહાણ (રહે જાગૃતીનગર બાવરીવાસ), જમનાબેન ધનર્સિંગ ડાભી (રહે ખુલ્લી ફાટક બાવરીવાસ ), મોહીનીબેન લક્ષ્મણભાઇ ડાભી (રહે.હુલરમીલ ફાટક બાવરીવાસ), આરતીબેન જસરાજભાઇ ડાભી (રહે. ખુલ્લી ફાટક), ગોદાવરીબેન રાજેશભાઇ માલપરા (રહે. જાગૃતીનગર બાવરીવાસ), શોભનાબેન કાનાભાઇ માલપરા (રહે . જાગૃતીનગર), વર્ષાબેન લખનભાઈ કોળી (રહે,જાગૃતીનગર બાવરીવાસ), ચાંદનીબેન રામસ્વરૂપ પરમાર (રહે. હુલનમીલ ફાટક બાવરીવાસ), વિરુબેન માઘાભાઇ પરમાર (રહે.દિજામ પુલ નીચે, બાવરીવાસ), શોભનાબેન જીવણભાઇ પરમાર (રહે. જોગણીનગર, બાવરીવાસ), શીલાબેન સુરજભાઇ ડાભી (રહે ખુલ્લી ફાટક, બાવરીવાસ), ગીતાબેન રાહુલભાઈ ડાભી (રહે. ખુલ્લી ફાટક બાવરીવાસ), સવીતાબેન રાઘેભાઇ બાવરી (રહે .વુલનમીલ ફાટક, બાવરીવાસ) અને સોનલબેન રાજેશભાઇ વઢીયાર (રહે. ખુલ્લી ફાટક, બાવરીવાસ) સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.