મહાપાલિકાની સાધારણ સભામાં પિવાના પાણી ગટરના પાણીમાં ભળી જવાનો થયો કકળાટ

  • December 28, 2024 03:14 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


ભાવનગર મહાનગર પાલિકાની સાધારણ સભા મળી હતી, સભામાં ડ્રેનેજના દૂષિત પાણી મામલે શાસક પક્ષ અને વિપક્ષ બંનેએ હૈયા વરાળ ઠાલવી હતી. કંસારા પ્રોજેક્ટમાં પણ દૂષિત પાણીના ચેકડેમો ભરાયેલા રહેતા આસપાસના રહીશો ત્રાહિમામ પોકારી ગયા હોવાનો રોષ શાસક સભ્યએ જ વ્યક્ત કર્યો હતો, તો બીજુ ગઢેચી રિવરફ્રન્ટ મામલે દબાણકારોને વૈકલ્પિક વ્યવસ્થા કરવાની માંગ સાથે વિપક્ષે સભામાંથી વોક આઉટ કર્યો હતો.
મહાનગર પાલિકાની સાધારણ સભા મેયર ભરત બારડના અધ્યક્ષ સ્થાને મળી હતી. સભાના આરંભે  પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહ અને પૂર્વ નગરસેવક ગોરધનભાઈના મૃત્યુથી બે મિનીટનું મૌન પાળીને શોકાર્જલિ પાઠવવામાં આવી હતી. સભાના આરંભે પ્રશ્નોત્તરી દરમિયાન પૂર્વ વિપક્ષ નેતાએ એરપોર્ટ રોડ પર ખુલ્લામાં વહેતા ડ્રેનેજના પાણી મામલે રોષ વ્યક્ત કર્યો હતો. તો ઉપનેતા કાંતિભાઈ ગોહિલએ પેટા પ્રશ્ન ઉઠાવતા કહ્યું હતુ કે, ફુલસર, ઈન્દીરાનગર વિસ્તારમાં જ પણ ડ્રેનેજનુ પાણી ખુલ્લામાં વહે છે. વર્ષોથી આ સમસ્યા છે. જીપીસીબી કહે છે મહાપાલિકાએ કાર્યવાહી કરવાની છે. મહાપાલિકા કાર્યવાહી કરતુ નથી. દૂષિત પાણી પિવાથી મુંગા ઢોરના મોત નિપજી રહ્યા છે. જોકે આ મામલે શાસક પક્ષના સભ્ય ઉપેન્દ્રસિંહ ચૂડાસમાએ કહ્યું હતુ કે, અહીં બાડાની સોસાયટીઓનુ દૂષિત પાણી વહે છે. ઈન્દીરાનગરમાં મહાપાલિકાની ડ્રેનેજની લાઈન હોવા છતા અમુક લોકો ખુલ્લામાં દૂષિત પાણી છોડે છે, મહાનગર પાલિકાએ તેની સામે કડક હાથે કાર્યવાહી કરવી જોઈએ.
સભા દરમિયાન કંસારા પ્રોજેક્ટ મામલે શાસક પક્ષના સભ્ય પરેશ પંડયાએ લાંબા સમયે પ્રજાના પ્રશ્ને સભામાં મોંઢુ ખુલ્યુ હતુ અને કહ્યું હતુ કે, કંસારામાં વનસ્પિતિ ઉગી નિકળી છે. ચાર ચેકડેમમાં ડ્રેનેજનું ગંદુ દૂર્ગંધ મારતુ પાણી સંગ્રહ થયો છે. જેના લીધે આસપાસની સોસાયટીઓના રહીશો રહી શકતા નથી. સરદાર પટેલ બીજથી રામમંત્ર મંદિર સુધીમાં કંસારા નદીમાં વૃક્ષો જ એટલા ઉગી નિકળ્યા છે કે, પાણી પસાર થઈ શકતુ નથી. આ મામલે કાર્યવાહી કરવાની માંગણી કરી હતી. જોકે, તંત્ર દ્વારા સંતોષકારક પ્રત્યુત્તર મળ્યો ન હતો. વધુ પડતા સવાલોના અંતે અધિકારીએ બે મહિનામાં વૃક્ષો, ઘાસ હટાવી દેવાની ખાત્રી આપી હતી.
કુંભારવાડા વિસ્તારમાં પિવાના પાણી સાથે ડ્રેનેજના દૂષીત પાણી ભળી જવાની વારંવાર ઘટનાઓ બને છે. આ મામલે શાસક સભ્ય નરેશ ચાવડાએ સવાલ ઉઠાવ્યો હતો, તંત્રએ કહ્યું હતુ કે, રૂપિયા ૭૦ કરોડના ખર્ચે સમગ્ર કુંભારવાડા વોર્ડમાં ઇન્ફાસ્ટ્રકચર પ્લાન બની રહ્યો છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application