જામનગરમાં પિતા-પુત્રને ધોકા-ઢીકાપાટુથી માર માર્યો

  • March 09, 2024 01:13 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

અમુક જ્ઞાતીને મકાન આપતા નથી એવી વાતોમાં મામલો બિચકયો : ચાર સામે પોલીસ ફરીયાદ

જામનગરમાં એમ્યુઝમેન્ટ પાર્કથી આવાસ જતા રોડ પર ચામુંડા કોલ્ડ્રીંકસ નામની દુકાન પાસે મકાન બાબતે વાતચીત કરતા હોય જેમાં મામલો ગરમ થતા ચાર શખ્સોએ ધોકા અને ઢીકાપાટુ વડે પિતા-પુત્રને માર મારી ઇજા કર્યાની ફરીયાદ દાખલ થઇ છે.
જામનગરના ગોકુલધામ સોસાયટી શેરી નં. ૨માં રહેતા અશોક નારાયણભાઇ ગુંદારા (ઉ.વ.૫૯) નામના વૃઘ્ધ દુકાનવાળા સાથે ઉભા રહીને બે દિવસ પહેલા મકાન બાબતે વાત કરતા હતા, કે અમુક સોસાયટીમાં અમુક જ્ઞાતીવાળાને મકાન આપતા નથી જે બાબતે ઝેરોક્ષની દુકાનવાળો ઉશ્કેરાઇ જઇને તેમજ અન્ય માણસોને બોલાવ્યા હતા.
દરમ્યાન એમ્યુઝમેન્ટ પાર્કથી આવાસ જતા રોડ દુકાન પાસે અજાણ્યા શખ્સે ધોકાઓ સાથે આવી ફરીયાદીને તેમજ તેમના પુત્ર ચિંતનને માથામાં ધોકા ઝીંકી તેમજ ઢીકાપાટુનો માર મારી ઇજા પહોચાડી હતી તેમજ ચારેય શખ્સોએ પિતા પુત્રને અપશબ્દો કહી એકબીજાને મદદગારી કરી હતી.
આ અંગે ગોકુલધામ સોસાયટીમાં રહેતા અશોકભાઇ ગુંદારા દ્વારા સીટી-સીમાં અંધાશ્રમ આવાસ ખાતે રહેતા અનિલ મેર, ભવાની ઝેરોક્ષની દુકાનવાળો શખ્સ તેમજ બે અજાણ્યા ઇસમો વિરુઘ્ધ આઇપીસી કલમ ૩૨૪, ૩૨૩, ૫૦૪, ૧૧૪, જીપીએકટ ૧૩૫(૧) મુજબ ફરીયાદ નોંધાવી હતી. જેના આધારે સીટી-સી પીએસઆઇ ખલીફા દ્વારા તપાસ ચલાવવામાં આવી રહી છે.
***
બેડેશ્ર્વરમાં મજાક મસ્તી કરવાની ના પાડતા યુવાનને પાઇપ ફટકાર્યો: સમજાવવા ગયેલા યુવાનના પિતા સાથે પણ ઝઘડો કર્યો

જામનગરના બેડેશ્ર્વરમાં મજુરી કામ કરતા યુવાનની મજાક મસ્કરી તેની સાથે કામ કરતો શખ્સ કરતો હોય જે અંગે ના પાડતા આરોપીએ ઉશ્કેરાઇને પાઇપ અને ઢીકાપાટુ વડે માર મારી ઇજા પહોચાડી હતી. આ અંગે ઇજાગ્રસ્ત યુવાનના પિતા સમજાવવા જતા તેની સાથે પણ આરોપીએ ઝઘડો કર્યો હતો.
જામનગરના બેડેશ્ર્વર કાપડમીલની ચાલી ખાતે રહેતા હાર્દિક પ્રવિણભાઇ મકવાણા (ઉ.વ.૩૦) નામનો યુવાન બેડેશ્ર્વરમાં ભજીયાવાળાની દુકાનની બાજુમાં આવેલ કારખાનામાં કામ કરતો હોય અને તેની સાથે મજુરી કરતો હારુન ફરીયાદીની મજાક મસ્કરી કરતા હાર્દિકે મજાક કરવાની ના પાડી હતી. આથી આરોપીએ ઉશ્કેરાઇને અપશબ્દો બોલી પાઇપ વડે હુમલો કરીને હાર્દિકને કપાળના ભાગે ઇજા પહોચાડી હતી.
કપાળમાં ઘા ઝીંકી દેતા ફરીયાદી ચકકર આવતા નીચે પડી ગયો હતો આથી ઢીકાપાટુનો માર માર્યો હતો, ત્યારબાદ ફરીયાદીના પિતા આરોપીને સમજાવવા જતા આરોપીએ તેની સાથે પણ બોલાચાલી, ઝઘડો કર્યો હતો, ઇજાગ્રસ્ત યુવાનને સારવાર માટે જી.જી. હોસ્પીટલમાં દાખલ કરવામાં આવ્યો છે. હાર્દિક મકવાણાએ સીટી-બી ડીવીઝનમાં જામનગર ધરારનગર-૧માં રહેતા હારુન સીદીક ચાવડા નામના શખ્સ સામે ફરીયાદ નોંધાવી હતી.
***
જામનગર ખાદી ભંડાર પાસે યુવાન પર છરીબાજી

જામનગરના ખાદી ભંડાર સામે બોલાચાલીનો ખાર રાખીને એક યુવાન પર છરી વડે હુમલો કર્યાની નવીવાસમાં રહેતા શખ્સ સામે ફરીયાદ કરવામાં આવી છે.
જામનગરના રણજીત રોડ ખાદી ભંડાર સામે નવીવાસમાં રહેતા કુલસુમબેન  ઇકબાલભાઇ સઘરાણી (ઉ.વ.૫૫) એ ગઇકાલે સીટી-બી ડીવીઝનમાં ખાદી ભંડાર સામે નવીવાસમાં રહેતા અસ્ફાક ઉર્ફે બાદશાહ મુન્ના મુરીમા નામના શખ્સ વિરુઘ્ધ ફરીયાદ નોંધાવી હતી.
ફરીયાદીના પુત્ર અખ્તરને બે દિવસ પહેલાની બોલાચાલીનો ખાર રાખીને આરોપીએ અપશબ્દો કહી છરી વડે છાતી અને પેટના ભાગે ઘા મારીને ગંભીર ઇજા પહોચાડી હતી આથી યુવાનને સારવાર માટે હોસ્પીટલમાં ખસેડાયો છે. અને ફરીયાદના આધારે આરોપીને પકડી પાડવા તપાસ હાથ ધરી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application