ખંભાળિયામાં સાંસદ પૂનમબેન માડમનો ઐતિહાસિક આભાર વિધિ સમારોહ

  • June 24, 2024 10:36 AM 

ભવ્ય રેલી તેમજ વિવિધ સમાજ દ્વારા સન્માન: હાલાર પંથકમાં પાંચ વર્ષ સતત વિકાસ કાર્યો કરાશે: પૂનમબેન માડમ


જામનગર લોકસભાની તાજેતરમાં યોજાઈ ગયેલી ચૂંટણીમાં હાલારની દીકરી અને સતત ત્રીજી વખત ચૂંટાયેલા પુનમબેન માડમનો આભાર વિધિ સમારોહ ખંભાળિયામાં શનિવારે રાત્રે ભવ્ય રીતે યોજાયો હતો. આ પૂર્વે ઐતિહાસિક રોડ શોમાં સમગ્ર ખંભાળિયા તથા ભાણવડ વિસ્તારના લોકો ખૂબ મોટી સંખ્યામાં સ્વૈચ્છિક રીતે જોડાયા હતા.


તાજેતરમાં યોજાઈ ગયેલી લોકસભાની સામાન્ય ચૂંટણીમાં ભાજપએ અહીંના સક્રિય અને સક્ષમ ઉમેદવાર પૂનમબેન માડમને રીપીટ ટિકિટ આપતા સતત ત્રીજી વખત નોંધપાત્ર લીડ મેળવીને પૂનમબેન માડમ વિજેતા બન્યા છે. ત્યારે સામા પવનને અને અનેક પ્રતિકૂળ પરિસ્થિતિ વચ્ચે પણ ગત વખત કરતા આ વખતે વધુ લીડ મેળવી અને પૂનમબેન માડમ વિજેતા બનતા આ વિસ્તારની જનતાનો હાલારની દીકરી પ્રત્યેનો પ્રેમ અભિવ્યક્ત થયો હતો. તેના બદલામાં સાંસદ પૂનમબેન માડમ દ્વારા અન્ય વિસ્તારો સાથે ગઈકાલે સાંજે ખંભાળિયામાં પણ ભવ્ય આભાર વિધિ સમારોહનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું.


ખંભાળિયા વિધાનસભા વિસ્તારના ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો, હોદ્દેદારો દ્વારા યોજવામાં આવેલા અભિવાદન સમારંભ તથા કાર્યકર્તા આભાર દર્શન કાર્યક્રમમાં શનિવારે સાંજે ખંભાળિયામાં સાંસદ પૂનમબેન માડમનું આગમન થયું ત્યારે અહીંના રેલવે સ્ટેશનથી ભવ્ય રોડ શો અને રેલી યોજવામાં આવી હતી. સાંસદ પૂનમબેન માડમ સાથે ખંભાળિયાના ધારાસભ્ય અને કેબિનેટ મંત્રી મુળુભાઈ બેરા, શહેર ભાજપ પ્રમુખ અનિલભાઈ તન્ના તેમજ નગરપાલિકાના પ્રમુખ રચનાબેન મોટાણી પણ જોડાયા હતા અને આ અભિવાદન રેલી શહેરના જુદા જુદા માર્ગ પર ફરી હતી.


આ દરમિયાન જુદા જુદા માર્ગો પર સાંસદ પૂનમબેન માડમનું ઐતિહાસિક કહી શકાય તેવી પુષ્પવૃષ્ટિ તેમજ અવિરત રીતે ફટાકડા તેમજ આતશબાજીની છોડો સાથે તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.


આ રેલી ગતરાત્રે અત્રે બેઠક રોડ પર આવેલી વી.ડી. બરછા નવી લોહાણા મહાજન વાડી ખાતે સંપન્ન થઈ હતી. અહીં યોજાયેલા અભિવાદન સમારોહમાં વક્તવ્ય આપતા પૂનમબેન માડમે જણાવ્યું હતું કે દેવભૂમિ દ્વારકા તથા જામનગર જિલ્લામાં છેલ્લા દસ વર્ષ દરમિયાન કરોડો રૂપિયાના વિકાસકામો તેમજ સુવિધાઓ પ્રાપ્ત થઈ છે. કેન્દ્રની મોદી સરકારનો આભાર વ્યક્ત કરતાં તેમણે વધુમાં ઉમેર્યું હતું કે આગામી દિવસોમાં પણ દ્વારકા સમગ્ર દેશમાં રોલ મોડલ બની રહેશે. અહીંથી નોંધપાત્ર લીડ અપાવવા બદલ ખંભાળિયા તથા ભાણવડની જનતાનો તેમણે આભાર વ્યક્ત કરી અને લોકોના પ્રશ્નોના નિરાકરણ તેમજ અહીં જરૂરી તમામ સુવિધાઓ મળી રહેશે તેવી ખાતરી આપી, સૌનો આભાર વ્યક્ત કર્યો હતો.


કેબિનેટ મંત્રી મુળુભાઈ બેરા તથા ક્ષત્રિય અગ્રણી અને જિલ્લા પંચાયતના પી.એસ. જાડેજાએ પણ પોતાના પ્રસંગોચિત વક્તવ્યમાં સાંસદ પૂનમબેન માડમને આવકારી અને આ વિસ્તારમાં કરવામાં આવેલા કામ તેમજ વિવિધ બાબતે આમ જનતાનો આભાર વ્યક્ત કર્યો હતો.


આ સમારોહમાં ખંભાળિયા તથા ભાણવડની વિવિધ સંસ્થાઓ તેમજ જ્ઞાતિ મંડળો વિગેરે દ્વારા સાંસદ પૂનમબેન માડમને આવકારી, તેમનું સન્માન કરવામાં આવ્યું હતું. જેમાં ખંભાળિયાની જાણીતી સંસ્થા જલારામ મંદિર ટ્રસ્ટ, જયાબેન ચેરીટેબલ ટ્રસ્ટ (મુંબઈ), માનવ સેવા સમિતિ, રેડ ક્રોસ સોસાયટી, મેડિકલ એસોસિએશન, યદુવંશી યુવા ગ્રુપ, કટલેરી એસોસિએશન, વિશ્વ હિન્દુ પરિષદ, વિગેરે સાથે અહીંના લોહાણા સમાજ, રઘુવંશી ગ્રુપ, ભરવાડ સમાજ, રાજપૂત સમાજ, આહિર સમાજ, સતવારા સમાજ, રબારી સમાજ, ગઢવી સમાજ, ભાણવડના રાડિયા ચેરીટેબલ ટ્રસ્ટ, વિગેરે ખૂબ મોટી સંખ્યામાં સેવા સંસ્થાઓ, જ્ઞાતિ મંડળો તેમજ નગરજનો દ્વારા તેઓનું સન્માન કરવામાં આવ્યું હતું. આ સાથે જિલ્લાના વિવિધ મોરચાઓ તેમજ ભાજપના સંગઠનો દ્વારા પણ પૂનમબેનને સન્માનિત કરાયા હતા.


આ અભિવાદન કાર્યક્રમમાં દેવભૂમિ દ્વારકા જિલ્લા ભાજપ, ખંભાળિયા જાહેર અને તાલુકા ભાજપ, ખંભાળિયા નગરપાલિકા, જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ટીમ ઉપરાંત સ્થાનિક ગ્રામ્ય વિસ્તારમાં જિલ્લા પંચાયતોની સીટની ટીમના કાર્યકરો સાથે યુવા મોરચા, મહિલા મોરચા વિગેરે દ્વારા પણ પૂનમબેન માડમનું અદકેરું સન્માન કરવામાં આવ્યું હતું.


આ સન્માન સમારોહમાં જિલ્લા ભાજપ ટીમના મહામંત્રી રસિકભાઈ નકુમ, માર્કેટિંગ યાર્ડના ડાયરેક્ટર પ્રભાત કાળુભાઈ ચાવડા, સંજયભાઈ નકુમ, એભાભાઈ કરમુર, તાલુકા પંચાયતના ઘનશ્યામસિંહ જાડેજા, ડો. રાજેશ બરછા, ભરતભાઈ દવે, ડો. અમિત નકુમ, પી.એમ. ગઢવી, કિશોરસિંહ જાડેજા, સલાયાના અગ્રણી પરેશભાઈ કાનાણી, લાલજીભાઈ ભુવા, હિતેશભાઈ પિંડારિયા સહિત ખૂબ મોટી સંખ્યામાં કાર્યકરો દ્વારા સાંસદ પુનમબેન માડમનું સન્માન કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમમાં ખંભાળિયા તથા ભાણવડ તાલુકાના જુદા જુદા ગામોમાંથી ખૂબ મોટી સંખ્યામાં સ્થાનિકો તેમજ ગ્રામજનો સ્વૈચ્છિક રીતે હોંશભેર ઉપસ્થિત રહ્યા હતા. આ સમગ્ર આયોજનમાં આભાર વિધિ ખંભાળિયા શહેર ભાજપ પ્રમુખ અનિલભાઈ તન્નાએ તેમજ કાર્યક્રમનું સંચાલન શહેર મહામંત્રી ઈન્દ્રજીતસિંહ પરમારે કર્યું હતું.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application