કાલથી બે દિવસ ગુજરાતના અમુક વિસ્તારોમાં ભારે વરસાદ

  • June 19, 2024 11:03 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ઉતાવળે ઉતાવળે ગુજરાત સુધી પહોંચી ગયેલું નૈઋત્યનું ચોમાસું છેલ્લા દસેક દિવસથી નવસારીમાં નિદ્રાધીન પડ્યું છે. અરબી સમુદ્રમાં સર્જાયેલી સિસ્ટમના કારણે વરસાદ પડી રહ્યો છે અને આવતીકાલથી બે દિવસ માટે ગુજરાતના અમુક વિસ્તારોમાં તોફાની પવન અને મેઘ ગર્જના સાથે ભારે વરસાદની ચેતવણી હવામાન ખાતાના દ્વારા આપવામાં આવી છે. હવામાન ખાતાના જણાવ્યા મુજબ અરબી  સમુદ્રમાં નોર્થ ઈસ્ટ દિશામાં સૌરાષ્ટ્રને સંલગ્ન સાયકલોનિક સર્ક્યુલેશન સર્જાવા પામ્યું છે. આવું જ બીજું એક સાયકલોનિક સર્ક્યુલેશન બંગાળની ખાડીના વેસ્ટ સેન્ટ્રલ ભાગમાં આંધ્રપ્રદેશના દરિયાકાંઠાને સલગ્ન સર્જાવમવા પામ્યું છે. આ બંને સિસ્ટમના કારણે ગુજરાતમાં આવતીકાલથી બે દિવસ માટે અમુક વિસ્તારોમાં મેઘ ગર્જના અને તોફાની પવન સાથે ભારે વરસાદની શક્યતા છે.


હવામાન ખાતાના જણાવ્યા મુજબ ગુજરાતમાં તારીખ 20- 21 અને કોકણ, ગોવા મહારાષ્ટ્રમાં 19 થી 21 દરમિયાન ભારે વરસાદની શક્યતા છે.
દરમિયાનમાં હવામાન ખાતાના જણાવ્યા મુજબ છુટા છવાયા હળવાથી મધ્યમ વરસાદના ઝાપટા આગામી દિવસોમાં પણ ચાલુ રહેશે. આજે વલસાડ દમણ માં ભારે વરસાદની આગાહી છે. જ્યારે વડોદરા છોટાઉદેપુર નર્મદા ભરૂચ સુરત ડાંગ તાપી નવસારી દાહોદ મહીસાગર અમરેલી ભાવનગર અને ગીર સોમનાથ જિલ્લામાં વરસાદની આગાહી કરવામાં આવી છે.

34 તાલુકામાં સામાન્યથી એક ઇંચ વરસાદ
આજે સવારે છ વાગ્યે પુરા થતા 24 કલાક દરમિયાન રાજ્યના 34 તાલુકામાં સામાન્ય ઝાપટાથી એક ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. જુનાગઢ જિલ્લાના વિસાવદર વલસાડ જિલ્લાના ધરમપુર -કપરાડામાં એક એક ઇંચ વરસાદ થયો છે. વલસાડમાં અડધો ઇંચ સુરેન્દ્રનગર જિલ્લાના થાનમાં પોણો ઈંચ, ભરૂચ જિલ્લાના અંકલેશ્વરમાં પોણો ઈંચ અમરેલી જિલ્લાના રાજુલા અને નવસારી જિલ્લાના ખેરગ્રામમાં અડધો અડધો ઇંચ વરસાદ થયો છે.

ગરમી ઘટી પણ બફારો વધ્યો
ભેજવાળા અને વરસાદી માહોલના કારણે ગુજરાતમાં ગરમી ઘટી છે. સૌરાષ્ટ્ર- કચ્છમાં તમામ સ્થળોએ મહત્તમ તાપમાન 40 ડિગ્રીથી નીચે આવી ગયું છે અને આવી જ સ્થિતિ મધ્ય તથા દક્ષિણ ગુજરાતમાં છે. એકમાત્ર ઉત્તર ગુજરાતમાં અમદાવાદ ગાંધીનગર અને વલ્લભ વિદ્યાનગરમાં મહત્તમ તાપમાન 40 થી 42.1 ડીગ્રી નોંધાયું છે.  હવામાન ખાતાના જણાવ્યા મુજબ હજુ આગામી બે દિવસમાં ગરમીના પ્રમાણમાં બે ડિગ્રી જેટલો ઘટાડો થશે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application